બ્રિટનના વૈજ્ઞાનિકનો દાવો
હાથમાં સમાઇ જાય તેવા યંત્રની કિંમત ૫૦૦ પાઉન્ડ ઃ ટ્રાયલ ચાલુ
બ્રિટનના વિજ્ઞાનીએ દાવો કર્યો છે કે તેણે હાથમાં લઇ જઇ શકાય તેવા યંત્ર અને ચીપની શોધ કરી છે કે જે માત્ર ૧૦ મિનિટમાં ટીબી, મેલેરિયા, એચઆઇવી ઇન્ફેક્શન કે કેન્સર થયું છે કે નહીં તેની તપાસ કરશે.
૫૦૦ પાઉન્ડની કિંમતની ક્યુ-પીઓસી યંત્ર કોઇ પણ પ્રકારની ગાંઠનું માઇક્રો પૃથક્કરણ કરશે અને યોગ્ય પ્રકારની દવાનો ઉપયોગ કરવાની સલાહ આપતા પહેલા રોગના જિનેટિક માહિતી પણ આપશે.
પૂર્વ સસેક્સના યુકફિલ્ડમાં આવેલી પોતાની ગેરેજનો લેબોરેટરી તરીકે ઉપયોગ કરનાર ૩૭ વર્ષીય જોનાથન ઓ હેલોરને ડીએનએનો ભાગ્યે જ જોવા મળતો નમૂનો જારી કરીને ચોક્કસ નિદાન કરવા એકથી વધુ કોપી તૈયાર કરવાનો નવો વિચાર રજૂ કર્યો છે.
એક અગ્રણી અખબારમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર આ યંત્રની હાલમાં આકરી કલીનિકલ ટ્રાયલ ચાલી રહી છે અને આગામી એક વર્ષમાં નેશનલ હેલ્થ સર્વિસ ખાતે તેનો ઉપયોગ શક્ય બની જશે.
આ નવા યંત્રની મૂળ આવૃત્તિની ટ્રાયલ એડવાન્સ સ્ટેજમાં પહોંચી ગઇ છે. નિષ્ણાતોના જણાવ્યા અનુસાર આ યંત્રમાં કેન્સરના નવા દર્દીઓનું જીવન બચાવવાની ક્ષમતા છે. તેમણે જણાવ્યું હતું કે આ યંત્ર ઇન્ફેકશનવાળા રોગોથી પીડાતા લાખો લોકોનું જીવન પણ બચાવી શકશે.
હેલોરને જણાવ્યું હતું કે ગાંઠો કે અન્ય નમૂનાઓમાંથી લેવામાં આવેલા ડીએનએનું વિશ્લેષણ કરવા માટે અમે આ યંત્રનો ઉપયોગ કરી રહ્યા છીએ જેથી દર્દીઓને વહેલામાં વહેલી તકે અંગત સેવા મળી શકે.
-Gujarat Samachar