20130602

લોકજીવનનાં મોતી - જોરાવરસિંહ જાદવ

ખૂંધવાળી ગાયનાં ઘી-દૂધ માનવીને અપ્રતિમ બુધ્ધિમત્તા અને દીર્ઘ આયુષ્ય અર્પે છે

- ગૌવિજ્ઞાન અનુસાર ગીર ગાયના આંતરડાની લંબાઈ ૧૬૦ ફૂટથી ૧૮૦ ફૂટ હોય છે.લાંબા આંતરડાને કારણે ગાય જે ખોરાક ખાય છે તેનું બારીકાઈથી ઘણા સમય સુધી પાચન થાય છે

આપણી કૃષિ સંસ્કૃતિમાં ચાર ચીજોને અતિ આદરણિય અને મહત્ત્વની માનવામાં આવે છે. એની એક ઉક્તિ લોકજીવનમાં જાણીતી છે ઃ
દૂધ તો ગાયકા ઓર દૂધ કાય કા?
પૂત તો માય કા ઓર પુત કાય કા?
ફૂલ તો કપાસકા ઓર ફૂલ કાયકા?
રાજા તો મેઘરાજા ઓર રાજા કાય કા?
બધા પ્રકારના દૂધમાં ગાયનું દૂધ સર્વોત્તમ મનાય છે. બળદ એ ગાયનો ઉત્તમ ઓલાદનો પુત્ર મનાય છે. એનાથી ખેતી અને અનાજ ઉત્પન્ન થાય છે. ઘોડો, બકરો, ગધેડો, ઘેટો, પાડો, ઊંટ એનાથી કંઈ ખેતી બેતી થાય નહીં. કપાસના ફૂલમાંથી જીંડવું, કાલું અને એમાંથી કપાસ તૈયાર થાય છે. આ કપાસમાંથી બનતાં વસ્ત્રો જગતઆખાના માનવીની એબને ઢાંકે છે. મેઘને ધરતીનો રાજા માનવામાં આવે છે. મેહૂલિયો વરસે તો ધનધાન્યના ઢગલા થાય. એ ત્રુઠે તો માનવીને તારે અને રૃઠે-રીંસાઈ જાય તો કાળઝાળ દુકાળ ડાકલાં વગાડવા માંડે ને માનવીને મારે. આમ કૃષિપ્રધાન સંસ્કૃતિમાં ગાયનું મૂલ્ય આદિકાળથી ઉંચું અંકાતું આવ્યું છે.
પશુપાલનની પ્રાચીનતા ઉપર ઉડતી નજર નોંધીશું તો જણાશે કે એશિયા ખંડમાં ભૂમધ્ય સમુદ્રના કિનારે ૧૦,૦૦૦ વર્ષ પૂર્વે આદિ પશુપાલનનો પ્રારંભ થયો હોવાના પ્રાચીન પુરાવા પ્રાપ્ત થયા છે. પુરાતત્ત્વ સંશોધનમાં ૫૦૦૦ વર્ષ પૂર્વે ગાયોને દોહતા માણસોના ચિત્રો મળ્યાં છે. બેબિલોન આસિરિયા અને ઈજિપ્તમાં એ કાળે પશુપાલનમાં ગાયોનો ઉછેર થતો. ત્યાંથી મળેલા અવશેષો આ વાતની સાક્ષી પૂરે છે. ભારતનો છેલ્લાં ૬ હજાર વર્ષનો ઈતિહાસ જોઈશું તો વેદકાળ, રામાયણ અને મહાભારતના કાળમાં ગાયોનું ખૂબજ મહત્ત્વ હતું.
ભારતના ઋષિમુનિઓ અને મનિષીઓ-માનવીના નિરામય આરોગ્ય અને દીર્ઘ આયુષ્ય માટે દેશી ગાયોનાં ઘી દૂધ કેટલાં ઉપકારક અને મહત્ત્વનાં છે એ વાત હજારો વર્ષથી કહેતા આવ્યા છે. વૈજ્ઞાાનિકોએ કરેલું સંશોધન આજે સ્વીકારે છે કે ખૂંધ વગરની યુરોપિયન ગાયો અને ભેંસોની સરખામણીમાં ભારત અને ગુજરાત- સૌરાષ્ટ્રની ખૂંધવાળી ગિર અને કાંકરેજી, શાહીવાલ વગેરે ૩૦ જેટલી નસ્લની ગાયોનાં ઘી- દૂધ માનવીને દીર્ઘ નિરામય આરોગ્ય, બુધ્ધિશક્તિ અને રોગરહિત લાંબું આયુષ્ય આપનારા છે, જેને આપણે ભૂલી ગયા છીએ એ વાતને મારે અહીં ઉજાગર કરવી છે.
સને ૧૯૯૩માં ન્યૂઝીલેન્ડની ઓકલેન્ડ યુનિવર્સિટીના પ્રો. બોબ એલિયટે દૂધ અને ડાયાબિટિસ અંગે કરેલા સંશોધન પછી તારણ પર આવ્યા કે એ-૧ જીન ધરાવતી ક્રોસબ્રિડ ગાયનું દૂધ માનવ શરીર માટે હાનિકારક અને અનેક રોગો ઉત્પન્ન કરનારું છે. જ્યારે એ-૨ જીન ધરાવતી શુધ્ધ ભારતીય નસ્લની ગાયોનું દૂધ માનવ શરીર માટે ઉત્તમ છે. ભારતીય ગાય મનુષ્ય માત્રને ડાયાબિટિસ, હાર્ટએટેક, કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશરથી બચાવે છે. સને ૨૦૦૩માં ન્યૂઝીલેન્ડના મેડીકલ જર્નલમાં પ્રગટ થયેલા આ લેખ પછી બીજા ૨૦ દેશોએ કરેલા અભ્યાસનું આ જ તારણ મળ્યું છે.
યુરોપિયન તથા ક્રોસ બ્રીડ નસ્લના એ-૧ જીન ધરાવતા લોંગહોર્ન ગોવંશની ઉત્પત્તિ જંગલી ગાયો થકી થઈ છે. આ ખૂંધ વગરના ગૌવંશમાં પરસેવાની ગ્રંથી ન હોવાથી એના દૂધ, પેશાબ અને છાણમાં ઝેરી તત્ત્વો ભરપુર હોય છે, જે માનવ શરીરમાં રોગ પેદા કરે છે જ્યારે બધી જ શુધ્ધ ભારતીય નસ્લની એ-૨ જીન ધરાવતી ગાયોનું દૂધ સર્વશ્રેષ્ઠ છે. આ ગાયો પોતાના શરીરમાંથી પરસેવા મારફતે ઝેરી તત્ત્વો બહાર કાઢી માનવ શરીરને ફાયદાકારક ઉત્તમ તત્ત્વોથી ભરપુર, દૂધ, ઘી, છાશ, માખણ, ગોમુત્ર અને છાણરૃપે આશીર્વાદ આપે છે એમ ભુવનેશ્વરી પીઠના આચાર્ય શ્રી ઘનશ્યામદાસજી અને અધ્યક્ષ ડૉ. રવિદર્શનજી કહે છે.
ગુજરાતમાં ગીર ગાયો ઉછેરવાનો સમર્પિત સંકલ્પ કરનાર મનસુખભાઈ સુવાગિયા 'ગોવેદ'માં ભારતીય શાસ્ત્રોનો મત ટાંકતાં નોંધે છે કે આપણા વેદો, પુરાણો, આયુર્વેદના ભાવપ્રકાશ જેવા ગ્રંથોમાં જણાવ્યા પ્રમાણે ગાયની ખૂંધમાં એક વિશિષ્ટ રેખાચક્ર છે. જેમાંથી 'સૂર્યકેતુ' નાડી નીકળે છે, જે ગાયના આખા શરીરમાં પ્રસરે છે. સૂર્યકેતુ એટલે સૂર્યકિરણનો છેડો. સૂર્યમાંથી ત્રણ કલ્યાણકારી કિરણો ધરતી ઉપર આવે છે. જ્યોતિ, આયુ અને ગો. પૃથ્વી ઉપર ખૂંધવાળી ગાય એક જ એવો દૈવી જીવ છે જે આ 'ગો' કિરણને પોતાના શરીરમાં ગ્રહણ કરે છે. આ દિવ્ય 'ગો' કિરણ ગાયના શરીરમાં જે નાડી દ્વારા ગ્રહણ થાય છે તેને સૂર્યકેતુ નાડી કહે છે. ગાયના શરીરમાં પ્રસરેલી 'સૂર્યકેતુ' નાડી વિશિષ્ટ સૂર્યશક્તિને પોતાના શરીરમાં ધારણ કરી અલૌકિક સંયોજનથી ગાયના યકૃત (લીવર)માં સુવર્ણપિત્ત બનાવે છે. લીવરમાં બનતું સુવર્ણપિત્ત હથેળી જેવડા પિત્તાશયમાં જમા થાય છે. જેનો રંગ સંપૂર્ણ સોનેરી હોય છે. આ સુવર્ણપિત્ત એક નલિકા વાટે ગાયના આંતરડામાં જાય છે અને ગાયના દૂધ, ગોમૂત્ર અને છાણમાં ભળે છે. આ સુવર્ણપિત્ત (સુવર્ણાક્ષર)ના કારણે જ ગાયના દૂધ, ઘી, માખણ, દહીં, છાશ, ગોમૂત્ર અને ગોબરમાં પીળાશ હોય છે. આ સુવર્ણક્ષાર ઉત્તમ રોગપ્રતિકારક શક્તિ મન્યુ (શૌર્ય) અને તન, મન, બુદ્ધિની તેજસ્વીતા આપે છે. જામકાની મૂલ્યવાન ગીર ગાય લક્ષ્મીનું અવસાન થતાં અમે તેના શરીરને અંદરથી ખોલાવી આંતરડાની લંબાઈ, સુવર્ણપિત્ત, ગોરોચન અને આંતરિક રચનાનો જાત અભ્યાસ કર્યો છે એમ શ્રી સુવાગિયા નોંધે છે.
ગાયના પિત્તાશયમાં સુવર્ણપિત્ત જામીને 'ગોરોચન' બને છે. સંસ્કૃતમાં એને ગોરોચના અને લોકબોલીમાં 'ગોચંદન' પણ કહે છે. આ ગોરોચનનો રંગ સંપૂર્ણ સોનેરી અને તેનું કદ સોપારી જેવડું હોય છે. ગોરોચન અમૂલ્ય ઔષધ છે. તે શુક્રાણુ વધારનાર, તેજસ્વિતા અને ઓજસ આપનાર તથા કફ, નેત્રરોગ, વિષદોષ, કોઢ, ગાંડપણ, ગર્ભસ્રાવ, ક્ષય અને રક્તવિકારનો નાશ કરનાર હોવાથી આયુર્વેદમાં એને મંગળદાયી ગણાવ્યું છે.
ગૌવિજ્ઞાાન અનુસાર ગીર ગાયના આંતરડાની લંબાઈ ૧૬૦ ફૂટથી ૧૮૦ ફૂટ હોય છે. હોલસ્ટિન ગાયના આંતરડાની લંબાઈ ૧૧૫ થી ૧૨૦ ફૂટ અને ભેંસના આંતરડાની લંબાઈ ૯૦ થી ૯૫ ફૂટ હોય છે. લાંબા આંતરડાને કારણે ગાય જે ખોરાક ખાય છે તેનું બારીકાઈથી ઘણા સમય સુધી પાચન થાય છે. આથી ગાયના દૂધમાં રહેલા તમામ પોષક તત્ત્વો ઘી, પ્રોટીન, કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, લોહ, ઝિંક, તાંબુ, પોટેશિયમ, બોરોન અને બધા જ વિટામીનો, ક્ષારો વગેરે વધુ સુપાચ્ય થઈ જાય છે. તેથી નાના બાળક, બિમાર કે વયોવૃધ્ધ તમામને સરળતાથી પચી જાય છે. ગાયના દૂધ, ઘી, માખણ, દહીં અને છાશ પોષણ અને આરોગ્યની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે. ગાયના દૂધનું કેરોટિન, સી.એલ.એ અને ઓમેગા-૩થી શ્રેષ્ઠ રોગપ્રતિકારક શક્તિ પ્રાપ્ત થાય છે.
ગીર અને દેશી ગાયના દૂધમાં વીટામીન 'એ' ભરપુર માત્રામાં છે. જે આંખનું તેજ વધારે છે. આપણી ગાયોના દૂધમાં વિટામીન 'ડી' ભરપુર હોય છે. કેલ્શિયમ પચાવવા માટે વિટામીન 'ડી' જરૃરી છે - શરીરમાં વિટામીન 'ડી'ની ખામીથી સાંધાના દુઃખાવા થાય છે, ગાયના દૂધ ઘીમાં ભરપુર માત્રામાં સેરીબ્રોસાઈડ નામનું તત્ત્વ છે. જે મગજની બુધ્ધિશક્તિ, ગ્રહણશક્તિ, યાદશક્તિ અને તર્કશક્તિ વધારનાર અમૂલ્ય તત્ત્વ છે. ગાયના દૂધ ઘી, બાળકને મેધાવી બનાવે છે. ગાયના ઘી દૂધ, છાશ, ગોમૂત્ર અને ગોબરમાં સ્ટ્રોનસિયેન નામનું તત્વ છે જે આપણને વિનાશક તથા ઝેરી વિકિરણો સામે સુરક્ષા આપે છે. ગાયના છાણથી લીંપેલા મકાન અણુબોંબની વિનાશક અસરોથી રક્ષણ આપે છે. ગીર ગાયના દૂધમાં ૦.૦૭ મિ.ગ્રામ સુવર્ણક્ષાર હોય છે.
કેનિયાના પ્રવાસે જઈ આવેલા શ્રી મનસુખભાઈ સુવાગિયા કહે છે કે ભારતની જેમ કેનિયા સમૃધ્ધ કૃષિ, પર્યાવરણ અને દેશી આંબાનો દેશ છે. આજે કેનિયામાં ૧.૨૫ કરોડ દેશી ગાયો છે. આફ્રિકા ખંડની આ ગાયો પીઠ પર ખૂંધવાળી અને ભારતીય ગોવંશ જેવી જ છે. મસાઈ પ્રજા દૈનિક ૨ થી ૩ લીટર ગાયનું દૂધ પીએ છે. સમગ્ર પ્રજા પાતળી, ઊંચી અને નિરોગી છે. કોઈને ચરબી, ડાયાબિટીસ, કેન્સર, હૃદયરોગ, સાંધાના વા, શ્વાસ, કફ, વંધ્યત્વ, કોઢ કે આંખે ચશ્મા નથી. પૂરી પ્રજા એકીસાથે ૧૦ થી ૩૦ કિ.મી. સહજતાથી દોડવાની પ્રચંડ શક્તિ અને ફળદ્રુપતા ધરાવે છે. ૮૦ થી ૧૧૦ વર્ષ સુધી તંદુરસ્ત રીતે જીવે છે. આખી દુનિયા સિંહથી ડરે છે ત્યારે સિંહ પુરી મસાઈ પ્રજાથી ડરે છે. ૧૮-૧૯ વર્ષનો મસાઈ યુવક ભાલાથી સિંહને મારે પછી જ તેના લગ્ન કરવાનો રિવાજ છે. આવી પ્રચંડ તાકાત, પાતળો સુડોળ બાંધો, નિરોગિતા અને દિર્ઘાયુ પુરી મસાઈ પ્રજાને દેશી ગાયમાંથી પ્રાપ્ત થયા છે. ગાય થકી મસાઈ પ્રજા વિશ્વની સૌથી પાણીદાર પ્રજા બની શકી છે.
તાજેતરમાં સૌરાષ્ટ્રમાં ગોપાલન કરનાર ૩૦૦ ગામના ગોપાલક પરિવારોના કરાયેલા સર્વેક્ષણમાં જણાયું છે કે ગૌચરમાં ગાયો ચરાવીને જીવનારી પ્રજામાં કોઈને શરીરની અંદરથી રોગ ઉત્પન્ન થતાં જ નથી. તેમજ ભેંસનું દૂધ ખાનારી પ્રજાની તુલનાએ વધુ પાણીદાર, તાકાતવર, નિરોગી અને સુડોળ બાંધાની છે, જ્યારે ૧૦૦૦થી વધુ ગામોમાં જણાયું કે ભેંસનું દૂધ ખાનારી પ્રજા આળસુ, નિસ્તેજ, ચરબીવાળી અને અંદરથી ઉત્પન્ન થયેલા રોગોથી પીડાતી પ્રજા છે.
ભારતીય આયુર્વેદ તો ત્યાં સુધી કહે છે કે ગાયના દૂધમાં સંતાન ઉત્પન્ન કરવાની શક્તિ પડેલી છે. પુરુષને શુક્રાણુઓની ઊણપ કે નબળાઈથી અને સ્ત્રીને બીજ નબળાઈના લીધે સંતાન ન થતાં હોય તો પુરુષે રોજ ૨૦૦ થી ૩૦૦ ગ્રામ ગાયના દૂધમાં ૧૦ ગ્રામ અશ્વગંધા, ૫ ગ્રામ કૌંચા પાવડર અને એક ચપટી સૂંઠ નાખી ઉકાળેલું દૂધ રોજ પીવું. સ્ત્રીએ એટલા જ દૂધમાં ૧૦ ગ્રામ શતાવરી પાવડર અને એક ચપટી સૂંઠ નાખી ઉકાળીને નિત્ય પીવું. આનાથી સંતાન પ્રાપ્તિની પૂરી સંભાવના રહે છે.
રાજસ્થાન ગૌસેવા આયોગના અધ્યક્ષ રાજેન્દ્રસિંહ રાજપુરોહિત તો કહે છે કે ગાયના ઘી, દૂધ, દહીં, ગોમૂત્ર અને ગોબરમાં અભૂતપૂર્વ રોગપ્રતિકારક શક્તિ છે. પ્રજાને તેનાથી વાકેફ કરી ગાયના ઘી દૂધ તરફ વાળવી જોઈએ. ગૌમૂત્રમાં સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિ છે. ગૌમૂત્રથી અસાધ્ય અને વર્ષો જૂના હઠીલા રોગો દૂર થાય છે. એમણે બે રસપ્રદ વાતો કરી. દેશના પૂર્વ રાષ્ટ્રપતિ ભૈરોસિંહ શેખાવતને હાથમાં કંપવાની બિમારી હતી. થરપારકર ગાયોને દોહવાની કસરત કરીને તેમણે આ રોગ મટાડયો હતો. ગાયને દોહવાની કસરતથી બંધ નસો ખૂલી જાય છે. બીજું ઉદાહરણ આપતાં તેઓ કહે છે કે અમે છત્તીસગઢના નકસલ પ્રભાવિત આદિવાસી વિસ્તારોમાં યુવાનોને ગાયનું દૂધ પીવડાવવાની શરૃઆત કરી. થોડા સમય બાદ તેમનામાં રહેલી હિંસાત્મક માનસિકતા દૂર થઈ ગઈ હતી.
હવે તો વૈજ્ઞાાનિક રીતે પુરવાર પણ થયું છે કે ગાયનું દૂધ બુધ્ધિના પોષણ માટે અન્ય દૂધ કરતાં અનેક રીતે સાત્ત્વિક હોવાથી માનવીની નકારાત્મક બુધ્ધિ દૂર કરી સાત્ત્વિક બુધ્ધિનું નિર્માણ કરે છે. એક સંત તો ત્યાં સુધી કહે છે કે દેશની સમગ્ર પ્રજાને ગાયનું દૂધ નિયમિત પિવડાવવામાં આવે તો દેશમાંથી ભ્રષ્ટાચાર નિર્મૂળ કરી શકાય.
આજે અમદાવાદમાં જગન્નાથજી મંદિર, સૌરાષ્ટ્રમાં સ્વામીનારાયણ મંદિર, સારંગપુર, ગઢડા, અક્ષરધામ, ગોંડલ, ભૂવનેશ્વરી પીઠ ગોંડલ, લોકભારતી સણોસરા, ગુરુકુલ-અમદાવાદ-છારોડી, ગ્રામદક્ષિણામૂર્તિ આંબલા, સરકારી પશુ સંવર્ધન કેન્દ્રો, ધાર્મિક જગ્યાઓ, વજા ભગતની જગામાં, માલધારીઓ અને પશુપાલનના શોખીનો ગાયોનો ઉછેર કરી રહ્યા છે પણ એ પાશે રામાં પહેલી પુણી જેવું છે. આજે ઘરઆંગણે ગીર ગાયો ઉકરડા ભંભોડે છે. આ નસ્લ ઝડપથી લુપ્ત થવા લાગી છે ત્યારે રાજકોટના યુવાન મનસુખભાઈ સુવાગિયાએ ૧૦ લાખ ગીર ગાયો ઉછેરી ગુજરાતને નંદનવન બનાવવાનો જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા સંકલ્પ કરીને ઘણાં વરસથી કાર્યનો આરંભ કરી દીધો છે. લોકોની આ તરફની ઉદાસીનતા જોઈએ તેઓ કહે છે 'ધનપતિઓ મંદિરોમાં ને કથા સપ્તાહોમાં ધનના ઢગલા કરી દે છે પણ ગાયમાતાનો ઉછેર કરનારનો કોઈ ભાવ પૂછતું નથી.' આશા રાખીએ કે ગુજરાત ગીર ગાયના ઉછેરના અભિયાનમાં સહયોગી બની રહે.
તસવીરો ઃ જળક્રાંતિ ટ્રસ્ટ,  દીપુભાઈ પરમાર, વાઘા ગોવિંદ ભરવાડ.

-Gujarat Samachar