20130602

ફિટનેસ - મુકુંદ મહેતા


ઘરડા થવાની પ્રક્રિયા સાથે દૂષિત પદાર્થોનો સંબંધ

- ઉમર વધતી કેવી રીતે રોકવી અને કોઈપણ જાતના રોગ વગર લાંબું જીવાય કેવી રીતે અને એજીંગ પ્રોસેસને કેવી રીતે ધીમો પાડવો એ દિશામાં અનેક ઠેકાણે જગતમાં સંશોધનો ચાલી રહ્યા છે

ઘરડા થવાની પ્રક્રિયા (પ્રોસેસ ઓફ એજીંગ) સાથે દૂષિત પદાર્થો (ફ્રીરેડીકલ)ને શું સંબંધ છે તે માટે આખા જગતના વૈજ્ઞાનિકો અને સંશોધકો પ્રયોગો કરી રહ્યા છે. ઉમર વધતી કેવી રીતે રોકવી અને કોઈપણ જાતના રોગ વગર લાંબું જીવાય કેવી રીતે અને એજીંગ પ્રોસેસને કેવી રીતે ધીમો પાડવો એ દિશામાં અનેક ઠેકાણે જગતમાં સંશોધનો ચાલી રહ્યા છે. આજના લેખમાં ફ્રીરેડીકલ એટલે શું અને તેને એજીંગ સાથે શું સબંધ છે તેની વાત કરીશું.
ફ્રીરેડીકલ એટલે શું ?
વૈજ્ઞાાનિક ભાષામાં ફ્રીરેડીકલ એટલે એવા સૂક્ષ્મ પદાર્થો (મોલેક્યુલ) જેના ઈલેકટ્રોન ફ્રી હોય. આ પદાર્થો હવામાં છે, પાણીમાં છે, આપણા શરીરમાં છે, સર્વત્ર છે. આ પદાર્થો દૂષિત પદાર્થો છે, ટોક્સીક પદાર્થો છે. આ પદાર્થો તમારા ઘરની દિવાલના રંગને અને તમારા ફર્નિચરની પોલીશને ઝાંખી પાડી દેવાની ક્ષમતા ધરાવે છે. શરીરમાં દાખલ થએલા ફ્રીરેડીકલ શરીરને ઘરડું બનાવે છે. ઘરડા માણસોને થતી બધા જ પ્રકારની બિમારીઓના કારણ પણ આ ફ્રીરેડીકલ છે. હાર્ટએટેક, બ્રેઈનએટેક (સ્ટ્રોક), કેન્સર પણ ફ્રીરેડીકલને કારણે થાય છે. આગળ જણાવ્યા પ્રમાણે આ ફ્રીરેડીકલના ઈલેકટ્રોન ફ્રી છે અને તે જગતમાં બીજા ફ્રી ઈલેકટ્રોનની શોધમાં છે. મજાકમાં કહીએ તો આ ફ્રીરેડીકલ કુંવારા મનુષ્ય જેવા છે, જે કુંવારી પત્નીની શોધમાં છે અને આ ફ્રી ઈલેક્ટ્રોન મળે ત્યારે પોતાની અસરથી આજુબાજુના મોલેક્યુલને નુકશાન કરે અને અનેક જાતની તકલીફ શરીરમાં દાખલ થએલા ફ્રીરેડીકલ નુકશાન કરે. ફ્રીરેડીકલની ખરાબ અસર સાથે એની સારી બાજુ પણ છે. તેમના આ ઈલેકટ્રોન પેર થવાના (જોડાવાના) ગુણનો ઉપયોગ દવા બનાવનાર કંપની (ફાર્માસ્યુટીકલ કંપની) કરે છે અને દવાઓ બનાવે છે. પ્લાસ્ટીક બનાવનારી કંપનીઓ પણ આ ગુણનો ઉપયોગ કરી પ્લાસ્ટીક બનાવે છે. ફ્રીરેડીકલનો આ કુદરતી ગુણ છે.
માનવીના શરીરમાં ફ્રીરેડીકલ કેવી રીતે ઉત્પન્ન થાય છે, પ્રવેશ કરે છે?
૧. જ્યારે માનસિક તનાવ હોય (કોને નથી?) ત્યારે શરીરમાં આ ફ્રીરેડીકલ વધારે ઉત્પન્ન થાય છે. ૨. ચરબીવાળા પદાર્થો (તેલ-ઘી-માખણ- પ્રાણીજ ચરબીવાળા) જ્યારે તમે ખાઓ કે પીઓ ત્યારે. ૩. તમે તમાકુનો ઉપયોગ (સ્મોકીંગ) કરો. ૪. દારૃ પીઓ ત્યારે પણ ઘણા ફ્રીરેડીકલ શરીરમાં ઉત્પન્ન થાય છે. ૫. આ ઉપરાંત હવા-પાણી અને ખોરાકમાં પણ આ ફ્રીરેડીકલ (દૂષિત પદાર્થો) જાણે અજાણે દાખલ થાય છે. શ્વાસ લઈએ ત્યારે કરોડોની સંખ્યામાં તેમાં રહેલા બેકટેરીઆ - વાયરસ - ફંગસ - એલર્જન આપણા શરીરમાં અજાણપણે શ્વાસ વાટે દાખલ થાય છે. કોઈ વખત તમે અશુદ્ધ પાણી પીઓ ત્યારે તેમાં રહેલા સૂક્ષ્મ જંતુઓ દાખલ થાય. આ જ રીતે અશુદ્ધ - ઠંડો-વાસી-સડેલો ખોરાક - ફળ-શાકભાજી વગેરે ખાઈએ ત્યારે પણ શરીરમાં અગણિત સંખ્યામાં ફ્રીરેડીકલ જાય છે. તમારા શરીરના સાત દરવાજા છે. (આંખ-નાક-કાન-મોં (ગળું) - ચામડી- મળદ્વાર- મૂત્રદ્વાર) જો આ દરવાજાનો બરોબર ખ્યાલ રાખો તો ફ્રીરેડીકલ તમારા શરીરમાં જાય નહીં. જ્યારે તમારી ઈમ્યુનીટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ ઓછી થાય ત્યારે પણ ફ્રીરેડીકલની સંખ્યા અગણિત માત્રામાં વધે. હવા-પાણી-ખોરાક ઉપર પ્રદૂષણની અસરથી આ પ્રમાણે થાય.
ફ્રીરેડીકલની શરીર પર ખરાબ અને સારી બન્ને પ્રકારની અસર થાય ખરાબ અસર
જ્યારે શરીરમાં ફ્રીરેડીકલ ખૂબ સંખ્યામાં વધી જાય એટલે કે ઈમ્બેલેન્સ થાય ત્યારે ૧. કેન્સર (શરીરના કોઈપણ અંગનું) ૨. સાંધાનો વા ૩. હાર્ટએટેક ૪. બ્રેઈન એટેક ૫. ડાયાબીટીસ ૬. જીનેટીક ડેમેજ (જીન્સ પર અસર થવી). ફ્રીરેડીકલની અસરથી બીજા એટમનું ઓક્સીડેશન થાય. ફ્રીરેડીકલની એકદમ જલદ અસર થાય છે જે છોડ ઉપર, પ્રાણી ઉપર, માનવી ઉપર અસર કરે છે. આ ફ્રીરેડીકલ (દૂષિત પદાર્થો)ની તમારા શરીર પર એવી અસર થાય છે કે જો તેનો સમયસર નાશ કરો નહીં તો શરીર ઘરડું થાય છે.
સારી અસર ઃ
૧. લોહીના સફેદ કણ લોહીમાં દાખલ થએલા વાયરસ બેકટેરીઆનો નાશ કરવા માટે ફ્રીરેડીકલનો ઉપયોગ કરે છે.
૨. આગળ જણાવ્યું તેમ દવાના અને પ્લાસ્ટીકના ઉદ્યોગમાં ફ્રીરેડીકલના નવાનવા ઉપયોગથી દવાઓ અને સીન્થેટીક પ્લાસ્ટીક બનાવાય છે.
ઓસ્ટ્રેલીઆના સંશોધકોએ આ ફ્રીરેડીકલની શોધ કરી છે અને આ ફ્રીરેડીકલનો ઉપયોગ શરીર ઉપર સારી અસર કરવામાં થાય તેની શોધ કરવાના પ્રયોગો કરી રહ્યા છે.
ઘડપણની વ્યાખ્યા શી ?
તમે ૩૦ વર્ષના હો તો ૪૦ વર્ષવાળા મોટી ઉમરના લાગો, ૬૦ વર્ષના છો તો ૭૦ વર્ષના ઘરડા લાગો. ઘડપણ ઉમરથી માપીએ તો ૮૦ વર્ષ કે ૯૦ વર્ષની વ્યક્તિને ઘરડા કહીએ. ઘરડા થવું એ જન્મ પછી શરૃ થતો એક બાયોલોજીકલ પ્રોસેસ છે, જેમાં ચામડી પર કરચલી પડવી, વાળ ઓછા થવા કે ધોળા થવા, કાને ઓછું સંભળાવું. આંખે ઓછું દેખાવું. પાચનશક્તિ ઓછી થવી, જાતીય શક્તિ ઓછી થાય. યાદશક્તિ જતી રહે. હાલવાચાલવામાં, ઉભા રહેવામાં તકલીફ પડે. વારે વારે ચક્કર આવે, પડી જવાય. પેટ બગડે-પાચનશક્તિ ઓછી થાય, સખત માનસિક તનાવ રહે. નકારાત્મક વિચારો આવે. આખા જગતમાં જન્મ તારીખ પ્રમાણે ગણતાં ૬૫ વર્ષ એટલે ઘરડા થયા એવું સંમતિથી નક્કી થયું છે અને નોકરી કરતા હો તો પેન્શન લેવાની શરૃઆત કરો એટલે ઓલ્ડએજ (ઘડપણ) કહેવાય. હજુ ચર્ચા ચાલે છે. જન્મ તારીખ પ્રમાણે ઘરડા ગણવું કે તમને પોતાને કેટલી ઉમર લાગે છે (કસરત કરી હશે તો ચોક્કસ તારીખ પ્રમાણે ઉમર થાય તેના કરતાં નાની લાગશે.)
એજીંગ પ્રોસેસ માટે જવાબદાર તત્ત્વો કયાં ?
૧. ફ્રીરેડીકલ (આગળ જણાવ્યા પ્રમાણે), જો આ ફ્રીરેડીકલ (દૂષિત પદાર્થો) શરીરમાં વધારે પ્રમાણમાં જાય તો સ્વાભાવિક છે કે તમારા શરીરમાં અનેક રોગો થાય અને ઘડપણનાં દરેક જાતનાં લક્ષણો થાય.
૨. વાતાવરણ ઃ શરીર પર બાહ્ય વાતાવરણની અસર ઘણી થાય છે. વાતાવરણ કોઈપણ દેશમાં એકસરખું નથી હોતું. પરિણામે શરીરની ઉપર વાતાવરણની ગરમી-ઠંડીની અસર થાય છે. ચેપીરોગો માટે જવાબદાર જંતુઓ પણ વાતાવરણમાંથી શરીરમાં દાખલ થાય છે.
૩. જીન્સ ઃ એક જ સેલમાંથી બનેલ માનવીના 'ટેલોમીસર્સ' સેલની દરેક સાયકલ પ્રમાણે નાના થતા જાય છે અને તે એકદમ નાના થાય ત્યારે સેલ નાશ પામે છે. આ પરિસ્થિતિ શરીરમાં સતત ચાલતી જ રહે છે અને એને કારણે શરીરના બધા સેલ વારાફરતી નાશ પામે ત્યારે શરીર નાશ પામે છે.
૪. આર્થિક પરિસ્થિતિ ઃ માનવીને જીવવા માટે 'રોટી-કપડા-મકાન' જોઈએ. તેમાં પણ રોટી એટલે કે ખોરાક પૂરતો-પોષણવાળો અને નિયમિત મળે તો એજીંગનો પ્રોસેસ ધીમો પડે પણ આવું થતું નથી.
૫. માનસિક તનાવ ઃ માનવ જાતનો મોટો શત્રુ એટલે સ્ટ્રેસ. જ્યારે સ્ટ્રેસ થાય ત્યારે શરીરને જલદી ઘડપણ આવે તેવાં અનેક તત્ત્વો મગજમાં ઉત્પન્ન થાય જેને 'કોર્ટાસોન' (કોર્ટાકોસ્ટરોઈડ) કહે છે. આ કોર્ટાકોસ્ટરોઈડની અસર માનવીની ઈમ્યુનીટી ઉપર થાય અને તેની એજીંગ પ્રોસેસ પર અસર પડે.
૬. ધર્મ અને આસ્થા ઃ દુનિયાભરના માનવીઓમાં જેઓને ધર્મમાં અને પોતાના ઈષ્ટદેવ પર શ્રધ્ધા છે, તેઓનો એજીંગ પ્રોસેસ ધીમો હોય છે.
૭. પોઝીટીવ એટીટયુડ ઃ જીવન દરમ્યાન દરેકને નાની મોટી તકલીફો હોય છે. દરેક વ્યક્તિને કુટુંબ છે. સગાવહાલાં છે, મિત્રો છે. આડોશી-પાડોશી છે, જેની સાથેના આખા જીવન દરમ્યાનના સારા માઠા પ્રસંગોમાં પણ જે પોતાનો અભિગમ હકારાત્મક રાખે તેનો એજીંગ પ્રોસેસ ધીમો હોય છે.
૮. રોગો ઃ કસરત કે શ્રમના અભાવે અને થર્ડ ક્લાસ જીવનશૈલીને કારણે ડાયાબીટીસ-બીપી-કેન્સર- હાર્ટએટેક- સ્ટ્રોક જેવા દર્દો થાય અને તેની અસર માનવીના એજીંગ પ્રોસેસ ઉપર પડે અને વ્યક્તિનું મૃત્યુ બીજાની સરખામણીમાં જલદી થાય.
એજીંગ પ્રોસેસને અટકાવનારાં તત્ત્વો કયાં ?
એક વાત નક્કી છે કે તમે ''એજીંગ પ્રોસેસ''ને અટકાવી ના શકો પણ આ પ્રોસેસ કુદરતી પ્રોસેસ છે તેને તમે ચોક્કસ ધીમો પાડી શકો. આટલી વસ્તુ અવશ્ય કરો.
૧. સિગરેટ-તમાકુ-દારૃનો ઉપયોગ બંધ કરો - આ વ્યસનોથી શરીરમાં ફ્રીરેડીકલ વધે છે જેને કારણે ઘડપણ જલદી આવે છે.
૨. સીધો પ્રકાશ તમારા શરીર અને આંખ ઉપર પડે તેને માટે શરીરના ખુલ્લા ભાગ ઉપર ''સનસ્ક્રીન લોશન'' લગાડો અને આંખને તડકાથી બચાવવા ગોગલ્સ વાપરો.
૩. તાજો પૌષ્ટિક ખોરાક લો. પૂરતું પ્રોટીન, જરૃર પૂરતી ખાંડ અને મીઠું અને ચરબીવાળા પદાર્થોથી શરીરને પોષણ મળે અને તમે એજીંગ પ્રોસેસને ધીમો પાડી શકો.
૪. માનસિક તનાવ ઓછો કરો. કારણ આ તનાવ જેટલો ઓછો હશે એટલા તમે વધારે જીવશો.
૫. ફ્રીરેડીકલનો નાશ કરનારા તત્ત્વોને ''એન્ટીઓક્સીડંટ'' કહેવાય. જે મુખ્ય પાંચ છે. ૧. વિટામિન એ, જે તમને બીટા કેરોટીન સ્વરૃપે બધાં જ પીળા પદાર્થો, પપૈયું-ગાજર- પીળી હળદર, કેળા, નારંગીમાંથી મળે, ૨. વિટામીન સી જે તમને બધા ખટમધુરા પદાર્થો લીંબુ-નારંગી-મોસંબી- આંબળા, પપૈયું-સફરજન- પાઈનેપલ વગેરેમાંથી મળે અને ૩. વિટામિન ઈ જે તમને બદામ-પિસ્તા-કાજુ- અખરોટ, દૂધ, ઉગાડેલા કઠોળ, માછલીમાંથી મળે. ૪. સેલેનીઅમ જે તમને બધા જ પ્રકારના અનાજ બાજરી મકાઈ ઘઉં જુવાર અને બધાં જ કઠોળમાંથી મળે અને ૫. ઓક્સીજન જે તમે નિયમિત કસરત કરો તો મળે.
એજીંગ પ્રોસેસ અને ફ્રીરેડીકલના સંબંધ વિષે છેલ્લું એટલું કહી શકાય કે પરમેશ્વરે આપણને જે શરીર આપ્યું છે તેનો ઉપયોગ કરતાં માનવીને આવડયંુ નથી. શરીરની ઉમરનો આધાર ફક્ત ચાર વસ્તુઓ પર છે. ૧. જે હાથ અને પગ હલાવવા અને ચલાવવા આપ્યા છે તેનો ઉપયોગ કરો એટલે કે કસરત કરો. ૨. યોગ્ય પ્રમાણસર પૌષ્ટીક ખોરાક લો. ૩. બને તેટલો માનસિક તનાવ ઓછો રાખો અને ૪. પ્રભુ પ્રત્યે વિશ્વાસ રાખો. જીવન જીવવા માટે પૈસો જરૃરી છે પણ વધારે પૈસાથી દૂષણો આવે અને શરીરનો નાશ થાય એ પણ યાદ રાખો.

-Gujarat Samachar