20130519

અંધશ્રદ્ધાની ચુંગાલમાંથી ગુજરાતને કોણ બચાવશે? -- કૃષ્ણકાંત ઉનડકટ

જ્યાં સુધી અંધશ્રદ્ધા છવાયેલી રહેશે ત્યાં સુધી રાજ્યનો ખરા અર્થમાં સર્વાંગી વિકાસ થવાનો નથી. સરકાર અંધશ્રદ્ધા નિર્મૂલનની વાતો કરે છે પણ આવા ધૂતારાઓને કેવી રીતે કાબૂ કરવા તેનો કોઇ સ્પષ્ટ રોડમેપ સરકાર પાસે નથી. અંધશ્રદ્ધા એ એવું દૂષણ છે જે સ્પષ્ટ રીતે દેખાતું નથી પણ અંદરખાને સક્રીય રહીને ધીમે ધીમે લોકોનું લોહી ચૂસતુ રહે છે. અંધશ્રદ્ધા માણસને માનસિક રીતે નબળો પાડી દે છે અને સમાજને ખોખલો કરી નાખે છે રાજ્યમાં હજુ તાંત્રિકો, ભૂવા-ભારાડીઓ અને ધર્મના નામે ધતિંગો ચલાવતા લેભાગુઓની બોલબાલા છે. ગરીબ,મજબૂર અને લાચાર લોકો એકવાર આ બધાની ચુંગાલમાં ફસાયા પછી ભગવાન પણ એને બચાવી શકતા નથી. ગુજરાતના કોઇને કોઇ ખૂણે દરરોજ નાની-મોટી એકાદ ઘટના તો એવી બને જ છે કે જેના વિશે જાણીને આપણને એમ થાય કે આ લોકો કઇ દુનિયામાં જીવે છે! ગુજરાત રાજ્યની ગણના આખા દેશમાં સમૃદ્ધ અને આધુનિક રાજ્ય તરીકે થાય છે. ગુજરાત વિશે એવું કહેવાય છે કે નવી વિચારસરણી કે નવી ફેશનને દેશમાંથી કે દુનિયામાંથી ગુજરાત પહોંચતા એટલી જ વાર વાગે છે જેટલો સમય વિમાનને ગુજરાત પહોંચતા થાય. આમ છતાં ગુજરાતમાં એક એવો મોટો વર્ગ છે કે દરરોજ ભૂવા-ભારાડીઓ અને તાંત્રિકોનો ભોગ બનતો રહે છે. આ એવા બદમાશો છે જ લોકોને દરરોજ થોડા થોડા નિચોવતા રહે છે અને મેળ ખાય એ તમામ પ્રકારનું શોષણ કરતા રહી છે. વડોદરામાંથી માનવ ખોપરીઓ અને હાડકાંઓનો કોથળો મળી આવ્યો.ખોપરીઓ ઉપર ટીલાટપકાં હતા. મેડિકલ લેબમાંથી પગ કરી ગયેલી આ ખોપરીઓનો ઉપયોગ તાંત્રિક વિધિ માટે થયો હતો. વડોદરાની સયાજી હોસ્પિટલમાં અનેક વખત એવા સીન ભજવાય છે કે કોઇ આદિવાસી ભૂવો કોઇનો જીવ બાંધવા આવ્યો હોય! આવું છડેચોક થાય છે છતાં કોઇ રોકવાવાળું નથી! આપણી સરકાર આદિવાસીઓના કલ્યાણ માટે અનેકવિધ પ્રવૃત્તિઓ ચલાવતી હોવાના દાવા કરે છે ત્યારે એક કામ એ પણ કરવાની જરૂર છે કે આ આદિવાસીઓમાંથી અંધશ્રદ્ધા દૂર થાય. જ્યાં સુધી એ નહીં થાય ત્યાં સુધી આદિવાસીઓનો ઉદ્ધાર થવાનો નથી. મહિલાઓને ડાકણ જાહેર કરીને ગામની બહાર કાઢી મૂકવાથી માંડીને મારી નાખવા સુધીના કિસ્સાઓ આદિવાસી પંથકમાં રોજેરોજ બને છે. જોકે આવું માત્ર આદિવાસી પંથકમાં જ કે ગામડાઓમા જ થાય છે એવું નથી અને માત્ર ગરીબ કે અભણ જ આવા બધામાં ફસાય છે એવું પણ નથી, શહેરી અને શિક્ષિત લોકો પણ પોતાની સમસ્યાઓ નાબૂદ થઇ જશે એવી મૂર્ખામીમાં આ લોકોનો ભોગ બનતા રહે છે. શહેરના મોટાભાગના ચોકમાં વચ્ચોવચ્ચ તમને લાલ કપડું બાંધેલી માટલી અને ટીલા-ટપકાંવાળા નાળિયેર અને બીજી ચીજવસ્તુઓ જોવા મળશે. ગભરુ લોકો પોતાનું વાહન પણ આ વસ્તુઓથી તારવીને લેશે! બધાને ડર લાગે છે કે ક્યાંક આપણું ધનોતપનોત ન નીકળી જાય! આખી દુનિયા જાણે છે કે કોઇ કંઇ બગાડી લેતું નથી અને આવા તાંત્રિકો અને ભૂવા ભારાડીઓ તો માત્ર નાટક જ કરતાં હોય છે, તો યે ભલી-ભોળી પ્રજા ડરતી અને મૂરખ બનતી રહે છે. અમદાવાદનાં રાજ પાંડે નામના તાંત્રિકનો થોડા સમય અગાઉ જ પર્દાફાશ થયો હતો. નવરંગપુરાની એક મોટા ઘરની વહુને ફાર્મ હાઉસમાં સાધનાના બહાને બોલાવી આ રાજઋષિ રમત રમતો. પકડાયો ત્યારે ખુદ એણે કહ્યું કે હું કંઇ તાંત્રિક-બાંત્રિક નથી, આ તો લોકો આવતા ગયા અને આપણો ખેલ ચાલતો ગયો! મોટા ભાગના તાંત્રિકો આવા જ છે! ‘એને સળગાવી દો, હું તમને કંઇ થવા નહીં દઉં’ એવું એક તાંત્રિકે કહ્યું અને ચાર લોકોએ મનુ ઇશ્વર ભીલ નામના યુવાનને જીવતો સળગાવી દીધો. આ ઘટના હજુ બે દિવસ પહેલા જ વડોદરાથી થોડે દૂર આવેલા ઊંચાદ ગામે બની છે. અંધશ્રદ્ધાની ઘટનાઓનું પાછું એવું છે કે એ બહુ ઓછી બહાર આવે છે લોકો ભૂવાઓ તથા તાંત્રિકોના ડરથી થરથરે છે અને ભોગ બનતા હોવા છતાંયે ચૂપ રહે છે. આ બધા તાંત્રિકો તમામ પ્રકારની સમસ્યાઓ ઉકેલના દાવાઓ ઠોકે છે. પ્રેમસંબંધ, આડા સંબંધ,દુશ્મન અને હરીફનું ધનોતપનોત, પ્રેમપ્રસંગમાં સફળતાથી માંડી પરીક્ષામાં પાસ થવાની ગેરંટી આ લોકો આપે છે! હકીકતે તો સરકારે કાયદો બનાવી આવી પ્રવૃત્તિઓે ગુનાઇત કૃત્ય ગણી છાને ખૂણે આવા ધંધા કરતાં તત્ત્વોને જેલ પાછળ ધકેલી દેવા જોઇએ. કોઇ ઘટના બહાર આવે ત્યારે એ પૂરતા પગલાં લેવાય છે અને બાકી બધે જેમ ચાલતું હોય એમ જ ચાલે છે. ઘણા તાંત્રિકોના ’અડ્ડા’ ઉપર તો પોલીસ પણ જતાં ડરે છે! જ્યાં સુધી અંધશ્રદ્ધા છવાયેલી રહેશે ત્યાં સુધી રાજ્યનો ખરા અર્થમાં સર્વાંગી વિકાસ થવાનો નથી. સરકારે અંધશ્રદ્ધા નિર્મૂલનની વાતો કરે છે પણ આવા ધૂતારાઓને કેવી રીતે કાબૂ કરવા તેનો કોઇ સ્પષ્ટ રોડમેપ સરકાર પાસે નથી. અંધશ્રદ્ધા એ એવું દૂષણ છે જે સ્પષ્ટ રીતે દેખાતું નથી પણ અંદરખાને સક્રીય રહીને ધીમે ધીમે લોકોનું લોહી ચૂસતુ રહે છે. દરેક માણસને કોઇને કોઇ ચિંતા અને સમસ્યા તો હોવાની જ છે, લોકો પોતાના પ્રોબ્લેમનો સ્વસ્થ રહીને સામનો કરે એ માટે માનસિક રીતે સજ્જ રાખવાનું કામ પણ સરકાર અને સજ્જનોનું છે. અંધશ્રદ્ધાનો પર્દાફાશ અને ઢોંગીઓને ખુલ્લા પાડતી સંસ્થાઓને પ્રોત્સાહન અને રક્ષણ આપવા માટે વ્યવસ્થિત પ્રયાસો થવા જરૂરી છે. માનસિક સ્વસ્થતા તો શારીરિક સ્વસ્થતા કરતાં પણ વધુ જરૂરી છે. કારણ કે એ જ તાકાત માણસને સાચું અને સારું વિચારતા કરી શકશે. આજે ગુજરાત સ્થાપના દિને સરકારે કરવો હોય તો એ સંકલ્પ કરવાની જરૂર છે કે ગુજરાતને અંધશ્રદ્ધા મુક્ત બનાવીશું! (‘સંદેશ’, તા. 1 મે, 2013. બુધવાર. ’એક્સ્ટ્રા કોમેન્ટ’ કોલમ)