20130522

પાનખરમાં વસંત


    હમણા જ શ્રી ભરતભાઈનો બ્લોગ સાઈટ બંધ કરવા સબંધીત વાંચ્યો. બાકી સભ્ય જેમ જ મને પણ દુખ થયું... હું પણ શ્રી ભરતભાઈને સાઈટ ચાલુ રાખવા વિનવીશ અંતે સંચાલકોનો નિર્ણય સર આંખો પર છતા સરાહનીય પ્રયત્ન બદલ ખુબ ખુબ ધન્યવાદ તેમજ માનવું પડે ઊભરતા લેખકો માટે આ સાઈટ વરદાન સમાન સાબીત થઈ છે.૨૦૦૯થી GUJARATI.NUના કોન્ટેક્ટમાં આવ્યા બાદ મારી પણ લખાણ શૈલીમાં પરિવર્તન આવ્યું,વાચકોને અનુરૂપ લખતો થયો જેના પ્રતાપે જ હું 'સલામ બોંમ્બે' દ્વારા નાશીક યુનિવર્સિટીમાં,'મડેયજો ચોરો' માટે સબરસ ગુજરતી સાઈટ પર અને 'લોહીની સગાઈ' માટે ગુજરાત યુનિવર્સિટીમાં યોજાયેલી લેખન સ્પર્ધા જીતવામાં સફળ થયો.   કિશોરસાહેબ,ગોવીંદભાઈ,દાવડા સાહેબ,જાની સાહેબ,મોહીત જોશી,તાહા મન્શુરી,સુરેશચંદ્ર મણીલાલ શેઠ(કાકા),પુજા,હેમંતભાઈ,પારુ બહેન જેવા મિત્રો પણ મળ્યા જેમની સાથે પર્સનલ કોન્ટેક્ટ શક્ય બન્યા.હું ડાયરેક્ટ્લી કે ઈનડાયરેક્ટલી કોન્ટેક્ટમાં આવેલા દરેક મિત્રો દિલથી આભાર માનુ છું OHH.. YOU LOVING PEOPLE THANK YOU FOR BEING PARAT OF MY LIFE. શક્ય હોય તો આપનું મેઈલ આઈડી કે કોન્ટેક્ટ નંબર મેસેજ/કોમેંન્ટમાં લખજો જેથી કોન્ટેક્ટમાં રહી શકાય.

                               પાનખરમાં વસંત

     અમારે કમલના હમણાં લગ્ન થયા અને એ પણ કોની સાથે? છેલ્લા ચાર વર્ષથી જેની સાથે પ્રેમમાં હતો તેની સાથે.થોડા દિ કે'ડે મિત્રો ભેગા થઈ મુલાકાત લેવા ગયા.આંગળીયો ખખડાવ્યો કે ભાભી દરવાજો ખોલી બહાર આવ્યા.અમે મોઢા પર સ્મિત રાખી પુછ્યું 'છે કમલ ઘરે?' ત્યાં તો ધાડ સેરા નો દરવાજો અથડાયો ચંદાનું નાક સહેજે બચ્યું.બધા હેપટાઈ ગયા કે આ શું...? સુનીલે વળી દિલાસો આપ્યો,'ફંડફાળા વાળા સમજ્યા હશે...પહેલા ચોખ પાડવી પડે’.કિશોરના હાથમાં વળી કાચા પુઠાની નોટ ને ખિસ્સામાં લાલ બોલપેન હતી.ઘડીક તો બધાયે મળી કિશોરનો ઊધડો લીધો.થોડી વારે હિંમત ભેળી કરી ફરી દરવાજો ખખડાવ્યો ત્યાં તો માં દુર્ગાનું સાક્ષાત્ સ્વરૂપ ત્રિશુળ સમું વેલણ,‘સ્ટોપર તો ખોલી હવે શું થાળી લઈ આરતી ઉતારું...?' અમે તો ભડ્ક્યા આટલી આબરુ આપણી,શરમ આવી ધરા મારગ કરે તો સમાઈ જઈએ.કોઈએ ગૃહ પ્રેવેશની હિમંત ન કરી આખરે થોડી વારે કમલ બહાર આવ્યો પણ કેવી રીતે...એક હાથે પ્લાસ્ટર પાટો,કપાળમાં ઢીમણું,ડાબી આંખે કાળું ચકામું.એ કાઈ બોલે એ પહેલા તો અમારે ચંદો ગળગળો થઈ ગયો 'હશે ભાઈ કરમની કઠણાઈ કોઈ પાછી ઠાલી શકે...?',પણ કમલ ને જોયા પછી અમને ટાઢક વળી સંકેત કહે 'મુવુ હવે આબરૂ ને શું ધોઈ પીવી છે ? હાડકા તો બચ્યાં....' કમલે વળી અમને સલાહ આપી 'દરવાજો ખખડાવોને તમારી ભાભી બારણું ખોલી 'આવો કહે ...' તો જ આવવુ બાકી હું બહાર આવીશ...' તે દી અમે નિર્ણય કર્યો પ્રેમ ન કરવો.પ્રેમમાં પડીએ તો આ દશા થાય ને...પણ પ્રેમ કાંઈ નિર્ણયથી થાય? વિચારોથી બદલાય? જવાબદારીથી દૂર જાય?,દબાવે દબાય?, એ તો ગમે ત્યાંથી માથું ઉંચુકે,સ્વપ્નોના મહેલ ચણે,શાંત સરોવર રચે.વહેતી ધારાના નિરને મળી રગ રગમાં ભળે,ઊડતી હવની રજમાં ભળી નસ નસમાં વહે. કોઈ છુપાવે કોઈ કહે છે.ભીતર સાત સમંદર વહે છે.કોઈ ના મોઢે રામ અને કોઈના મોઢે રહીમ રહે પણ હર એક દિલમાં એક જ નામ રહે.ભીડ ભાડ ભરી જિંદગી,નિરંતર મુસીબત,જવાબદારીનો ટોપલો વચ્ચે લાખ નનૈયો છતા હર કોઈને સમય મળી રહે છે પ્રેમ કરવાનો.પ્રેમને આફતોનાં ભારા સાથે સરખાવ્યા બાદ શરૂ થાય મનમનામણી...'માનું છુ કે પ્રેમ એક મહા વ્યાધિ છે હું એના થી છુ આદિ એ મારાથી આદિ છે.'
     આપણે ત્યાં કહેવત છે ને 'વિચાર વાણી અને વર્તન વખાણાય બાકી ધોળા તો નદીના બગલા પણ અને સોનેરી તો રેત ના ઢગલા પણ.' છતા ફિલ્મની હીરોઈન કદરૂપી કેમ ચાલે અને એમાં સ્ક્રિપ્ટ રાઈટર આપણે પોતે હોય.શિલ્પકારની શિલ્પકલા અને સોનારની સુનારી ઉધાર માંગી મનઘડીત મૂર્તિ રચાય.બસ એક જ રાહ ક્યારે આકાશ ફાટે,વાદળ હટે,અંબર વરસે અને એમા જો મન મંદિરની મૂર્તિ નેત્ર પટલ સમક્ષ દ્ગશ્યમાન થાય,વિચાર વાસ્તવિકતામા પરીણમે,પછી જુઓ મઝા...યુવાન અને સ્વર્ગને એક વેંતનું જ છેટું.સંભળાવવા લાગે નદીઓનું ખળખળવું,અનુભવાય વાદળોનું મળવું,ક્ષીતીજ પર સુરજનું ઢળવું ને સંધ્યા ટાણે પંખીઓનું ગણગણવું.ભર ઊનાળે વરસાદ,પાનખરમાં વસંત અને ખરા બપોરે મોગરો મહેકી ઊઠે.હાથમાં હાથ જોડી બેઠા હોય બન્ને ક્યાંક વહેતા ઝરણાની તટે,ઝાડીની ઓથે નજરમાં નજર પરોવાયેલી જાણે કે બે મટી એક... ભીની માટીની મહેક...જાણે ક્યાંક મન મુકી વરસાદ ન થઈ હોય...
      હાં એ ખરું ઝાડીઓની ઓથ અમદાવાદ-બરોડામાં જ કલ્પી શકાય બાકી અમારે ઝાલાવાડમાં તો ભૂલથી સામુ જોવાઈ ગયું હોય તો..,'ભૈલુ ધ્યાન રાખજે હો આપણો માલ છે'. અને એમાય સુરેન્દ્રનગરમાં તો હાલતા તોડ...!પણ પ્રેમ કાંઈ છાનો રહે?,પ્રેમ અને પરિસ્થિતિને લાગે વળગે? ઉંબરા ને પેલી પાર ને ઉંબરાની આ પાર...ઉંબરો નહીં જાણે કે લાઈન ઓફ કંટ્રોલ.એ દૂરથી નેત્રધુનનનો કેફ અમદાવાદના હગમાં કેવો...! કહેવાની ઈચ્છા થાય,
પ્રેમની હર એક પળ પ્યારી,પ્રેમીની હર એક સાંઝ સારી,
સુલોચનાને(ગાંધારી) અંધાપાની ઠેક પ્યારી,જાણે કે મોગરાની મહેક થી છટક બારી.
     આપણી માન્યતા છે વિપરીત પરિસ્થિતિમા જ પ્રેમ ફુલે-ફલે.વિલન વિના ફિલ્મ જામે?.સામાન્ય રીતે વિરોધી કે દુશ્મનનો રોલ યુવતી કે યુવાન બે માંથી અમીર હોય એના કુટુંબ સભ્યોને ફાળે જાય,પણ મારા એક મિત્ર મયુરનાં પ્રેમમાં ગધેડો દુશ્મન બન્યો.ગધેડાએ ભંગાણ કરાવ્યું.વાત જાણે એમ કે એ વખત સાતમ-આઠમનાં મેળા,મયુર ખુશ્બુ ને લઈ વઢવાણ નો મેળો કરવા ગયો અને એમાં વળી એના ભાગ્ય જોર કરતા હોય કે ચગડોળ માં બેસવાથી ડરતો હોય પણ ગધેડાનો ‘શો’ જોવા ગયો.ફરતા-ફરતા માણસો ગોઠવાણાને વચ્ચે ગધેડો.થોડા ઘણા સવાલ અને હસી મજાકનો દોર બાદ ગધેડાના માલીકે સવાલ પુછ્યો,'હાં તો પન્નાલાલ ઊસ ઠરકી કો પહેચાન બતાવો જો મેલ મેં લાઈન મારને કે લીયે આતે હૈ...’ અને જવાબમાં પન્નાલાલ મયુર પાસે આવી થોભ્યો.બસ પછી શું...? શો રહ્યો પડતો અને મયુર ને ખુશ્બુ વચ્ચે બટાઝટી બોલી,મયુરનાં શર્ટનાં બે બટન ટુટ્યા અને સંચાલકોના શો ના પડદા ફાટ્યા.ઊજરડા મયુરનાં ગાલે ને આંસુ ખુશ્બુની આંખોમાં..., મેળો અધૂરો મૂકી ખુશ્બુ રિશાઈ ઘેર ચાલી ગઈ.પછી તો અમેય ગધેડાને બહું માર્યો...આયોજકો સાથે ઝગડ્યા 'તમેં ધંધો કરવા આવો છો કે કો'કનાં ઘર ભાંગવા',કહેતા-કહેતા મયુરને તો ઝરઝરીયા આવી ગયા.ખુશ્બુનેય મનાવવાની ઘણી કોશિશ કરી પણ બાંધ્યા નિર ને છુટ્યા તીર પાછા ફરે?.ગધેડાનો નિર્ણય જાણે કે હાઈ કોર્ટનો ચુકાદો...પછી તો કોઈ અજાણ્યો ગામમાં યુવતિની છેડતી કરે ને લોકો મયલાના ઘરનું એડ્રેસ પુછતા-પુછતા આવે.અમારે ગણેભાનો લાલ્યો વળી કનુ ભગદેવની નવલકથાનો શોખીન તે એણે શોધખોળ આદરી 'મયુર મેળા માં લાઈન મારવા આવે છે એ માહિતી ગધેડા સુધી પહોંચાડી કોણે? કોણ છે ઘર ફોડ્યો?’ એમાં ચંદો ઘા એ ચડ્યો એણે વળી વિના વાંકે મફતનાં ભાવની બે ચાખી.રામાકાકાના રાજુડા એ બચાવ કરીયો 'ગધેડો રાજસ્થાની ચંદાને હિંદી આવડે નહી... ચંદો ન હોય... આ જાણ ભેદુ કો'ક બીજો જ...' તે દી પછી અમેં પાણી મૂક્યું,'પત્ની કે પ્રેમીકા ને લઈ મેળા માં ન જવુ અને ના છૂટકે જવુ પડે તો ગધેડાના શો માં તો નહીં જ....’
     પ્રેમની તાકાત ગજબ છે.પ્રેમની સાથે આદર,સન્માન,સત્કાર,સહાનુભૂતિ,ત્યાગ જેવી ભાવનાઓ આપોઆપ જ વિકસે છે.આજે પણ ઘણા દેશનાં કાયદા પ્રમાણે કેદીઓને પત્ની કે પ્રેમીકા સાથે અંગતપળો માણવાની છુટ આપવામાં આવે છે કારણ પ્રેમ વ્યક્તિત્વ પરિવર્તનનો માર્ગ છે,જીવન જીવવાનું અવલંબન છે,પરોપકારી ભાવનાનો વિકાસ છે.ફીલિંગ સમથીંગ સ્પેશ્યલ...પણ ક્યારે? એક વ્યક્તિ સાથે થાય તો બાકી ધનોતપનોત...અમારે નિરવને રોજ પ્રેમ થાય.મારો હાથ એના હ્રદય પર રાખી પુછે 'જો તો મારા ધબકારા વધી ગયા છે?’,એના ધબકારાય હાલતા વધે.આબેંડકર સાહેબનો ધન્યવાદ કે દિલ ચોરી માટે ૪૨૦ નથી લાગતી બાકી આ રોજ કેસ કરે ને કોર્ટ કચેરીના ધક્કા અમારે રહે.શાહબુદ્દીન રાઠોડ સાહેબ કહે છે તેમ 'શાક લેવા જાય તો શાકય લેતો આવે ને પ્રેમમાંય પડતો આવે... લાઈટ બિલ ભરવા મોકલો તો લાઈટ બિલય ભરતો આવે ને પ્રેમમાંય પડતો આવે.' એવા ને એવા અમારે મનભા બાપુ એમનેય ઘડીકમાં પ્રેમ થાય.પાત્ર એમની ઉંમરનું હોય ત્યા લગી અમેય સપૉર્ટ કરી...બાકી અમારા સાહેબે નાન પણમાં જ સમજાવ્યું છે,'આપણા ટ્યુશનનું  I.M.Pતમારા હરીફ વિદ્યાર્થીઓને નહીં આપવાનું...'આવા આશીકોની સ્થિતિ તો બસ પંક્તિમાં જ વર્ણવી શકાય
ફકીરોને ખબર છે કે હું એના ગીરોહનો છુ,મને હવે ન લુટશો કે હું પહેલે થી લુટાણો છું.
વિધાતાનો ન કાઢો વાંક હું જાતે લખાણો છું,જમાનો ક્યાં થયો બસ પળ બે પળ પહેલા પીંખાણો છું.
અફવાઓ ને રદીયો કે 'હું મનથી ભંગાણો છું',હકીકત એટલી કે હું બિચારો પ્રેમના રંગમાં રંગાણો છું.
     આમતો હ્રદયના નિશ્વાર્થ ઊર્મિ પ્રેમ કહેવાય છે.પ્રેમનાં વળી પ્રમાણ કેવા? હાં...પ્રેમને વફાદારીથી નિશ્બત ખરી.છતા હવે સમય બદલાય છે.અમારા એક મિત્ર રવિએ એક દિવસ રૂમ બંધ કરી બુમા બૂમ કરી મૂકી.આખી સોસાયટી ભેગી થઈ,કો'ક કહે ગાંડપણ ઊપડ્યુ છે તો કોઈક વળી કહે વળગાડ છે...નો દરવાજો ખોલે ન વાત સાંભળે બસ જોર-જોરથી રોમેન્ટિક ગીત ગાય અને નાંચે.મહામુસીબતે સમજાવી દરવાજો ખોલવી પુછ્યું,'ભાઈ કહેતો ખરો આખરે થયું છે શું? આટલો બધો ખુશ કાં છો?' તો કહે 'પેલા ‘V-TV’ વાળાને SMS કર્યો હતો ને મારા અને માનસીના પ્રેમનાં પરસન્ટેજ 98%આવ્યા... લો કરો વાત,હજી ત્રણ વિષય પાસ કરવાના બાકી છે ને પ્રેમનાં પરસેન્ટેજ કાઢે...
     ખરેખર પ્રેમીઓનો જમાવડો જૂવો હોય તો ક્યાં સ્થળે મળે? તમે કહેશો બાગ,બગીચા,થિયેટર બીજી કોઈ શાંત જગ્યા પણ હકીકતે તો આ થયા પ્રેમી યુગલ જમાવડાના સ્થળો, ખરેખર ઘાયલ મજનુઓનો જમાવડો જૂવો હોય તો મુલાકાત લ્યો કોઈ હજામની દુકાનની.., 'લક્કી હેર આર્ટ' ડ્રેસથી લઈ બોલી,કોલેઝમાં નવી ભરતી,ગામ કયું?,પિતાનો વ્યવસાય?,જમાદાર તો નથી ને,ભાઈ કેટલા?,કોઈ બોય ફ્રેન્ડ ખરો?,દરેક બાબતો પર P.HD થાય.કોલેઝ સમયે 90% ઘાયલ મજનુઓનો પ્રેમ અહીં જ પાંગરતો.અમારે મેહુલભાઈ માણસા વાળી બસ ન આવે ત્યા સુધી દર પાંચ મિનિટે દુકાનમાં આવે,અરીસા સામે ઊભો રહી માથું ઓળે....'લક્કી જો તો અહીં વાળ રહી ગયા છે,આ લટ જો તો ઓડ લાગે છે', કહી-કહી બિચારા લક્કીની ધૂળ કાઢી નાખે.માણસા ગાંધીનગર આવે,ડેઈલી અપ-ડાઉન કરતી પુજા ગાંધી એમાંથી ઊતરે,પછી દુકાન છોડે...એ માય જો આપણે ટોકીએ તો શાયરી જ સહન કરવાની રહે...
વગર તારે વાગતી સિતાર તુ નહીં સમજે,
એ દુશ્મન જમાના પ્યાર તુ નહીં સમજે.
     એમા જો બસ માંથી પુજા ન ઊતરે...જુવો હાલ,સકળ-વકળ ડોળા ને ખિન્ન હ્રદય,ઝટકાથી દુકાનનુ બાયણુ ખુલે,જાણે જગ ન લૂટાઈ ગયું હોય.કોલેઝ બેગનો ઘા કરે,શર્ટિંગ કાઢી નાખે.આ ટાણે આપણે તો ઠીક દુકાનના માલીક લક્કીથીય કાંઈ ન બોલાય.થોડી વારે ભાઈ ઊંડો શ્વાસ લઈ ખિસ્સામાંથી સુગંધિત શાહી વાળી પેન કાઢે અને કાગળ પર ચલાવે પણ કેવી રીતે...મહારાણા પ્રતાપ સંગ્રામમાં તલવાર ન સમણતા હોય...
તુ મારી સજની ને હું તારો સાજન,વેરાન છે દુનિયા મારુ રોશન કર આંગણ,
હું સોનેરી સાગર ને તુ મારી વ્હેલ,હું આભમાંનો મોરલો ને તુ મારી ઢેલ,
રૂપેરી પાલવને ખણખણતી પાયલ,માની જા સજની મારુ હૈયું છે ઘાયલ,
ગુલાબી ચહેરો ને આંખોમાં કાજળ કેમ કહું હું તારા પ્રેમમાં પાગલ...
     આ તો થઈ રમુજની વાત બાકી પ્રેમ એટલે સિરીયસનેસનુ સોપાન,દ્રઠ મનોબળ,વિચારોનું વમણ.પ્રેમ શબ્દથી આપણે યુવાની સાંકળી દીધી છે.પ્રેમની કોઈ અવસ્થા નથી હોતી.પ્રેમ માત્ર યુવાન યુગલ પુરતો સીમિત નથી.પ્રેમના ઘણા પ્રકાર હોઈ શકે.દરેક પુરુષ જીવન કાળ દરમિયાન સ્ત્રીનો પ્રેમ હંમેશા ઝંખે છે.સમય સાથે સ્ત્રીનું સ્વરૂપ માતા,બહેન,પ્રેમીકા,પત્નિ અને દીકરી રૂપે બદલાતું રહે છે.ઉપરાંત,મિત્ર,સહપાઠી,સહકર્મચારી તેમ જ નિર્જીવ અને સજીવ વચ્ચે પણ પ્રેમ હોઈ શકે.
     અમારે રામભાઈ ભરવાડને ઢોર ઢાંખર બાંધવાની ગમાણ સાથે પ્રેમ.ગમાણમાં ખાટલો ન ઢાળે ત્યાં સુધી ઊંઘ ન આવે.એમના લગન વખતે અમે નવો ડબલ બેડ પલંગ ગમાણમાં ઢાળી શણગારીયો પછી બળદ ઘરમાં બાંધવા પડ્યા.બળદ પણ જાણે કોઈએ જમીન પડાવી લીધી હોય એમ આખી રાત ભાંભણા.સવારે ગામનાં બૈરા નવ દંપતીનો હરખ કરવા આવે તો એમને ગમાણમાં મોકલવા પડે.
     મહાન ફિલોસોફર એરિસ્ટોક્રસી મતે 'પ્રેમ એટલે આદત થી ઊપરની અવસ્થા’ એક વાક્ય યાદ આવે છે,'મને મારી પત્નીની આદત પડી ગઈ છે સવાર થી લઈ રાત સુધી હંમેશા મારી સાથે જોઈએ.બુદ્ધિજીવી એને પ્રેમ કહેતા હોય તો મને વાંધો નથી.' કિથ હેંડરસનનાં મતે વળી 'પ્રેમ એટલે ઊર્મિનો આવેગ...જેટલો આવેગ વધારે પ્રેમ એટલો વધું.' ઓશો રજનીશના વિચાર કાંઈક જુદા જ છે ‘સહશયનની અનેક રાત્રી બાદ કામ વાસના ક્ષીણ થાય છતા વ્યક્તિ સાથીનો સહવાસ ઝંખે એ પ્રેમ’. આમ તો પ્રેમ ઘણી વખત સંતોષ ઘણી વખત સમાધાન અને ઘણી વખત મુકામ બની જતો હોય છે એક ઉદાહરણ આપું...બાળપણનો ખાસ મિત્ર કિશોર,અસંતોષી જીવ,રોજ કાંઈ નવુ કરવા જોઈએ,મારે બિઝનેસ કરવો છે,અઢળક પૈસા કમાવા છે,ઈતિહાસ વાંચવો નથી બનવું છે,દુનિયા પર છાપ છોડવી છે.આવી વાતો કરનાર હમણા થોડા દિવસ પહેલા જ મળ્યો.મેં અનાયાસે જ પુછ્યું,‘કેટલે પહોંચ્યા તારા બિઝનેસ નાં પ્લાન?'તો એનો જવાબ હતો'બસ બહું દોડ્યો...કોઈ સ્ટેબલ જોબ સ્વીકારી મિરા સાથે લગ્ન કરી લેવા છે.એક જ ઈચ્છા રહી છે જીવનની એક-એક ક્ષણ એને નામ કરી દેવી...વિરહની તલપ બહું થઈ હવે મિલનની મજા માણવી છે.' 
      એક માન્યતા પ્રમાણે દરેક વ્યક્તિને જીવનમાં એક વખત પ્રેમની અનુભૂતિ થાય છે.એ પ્રેમ ઘણી વખત સફળતામાં પરિણમે,ઘણી વખત એક તરફી બની રહે.મારો એક મિત્ર...દરજી એ કોઈ સુંદર છોકરી સામેથી આવતી જુવે ને ગોગલ્સ ચડાવી લે.ક્રોસ કરી જાય કાઢી નાખે,વળી કોઈ જુવે ચશ્મા ચઢાવે.હવે એનું ક્લેરિફિકેશન ન માગતા હું પણ હજી સમજવાનો પ્રયત્ન કરૂ છું.ઉમર સાથે પ્રેમની વર્તણૂંક ફેરફાર થાય પણ રોમાંચમાં બિલકુલ નહીં.બાળપણનો પ્રેમ નિર્દોષ હોય છે.પાંચમાં ધોરણમાં એક મિત્ર કાનો સ્કુલથી વહેલો છુટી શિતલની સાઈકલની હવા કાઢી નાખે,શિતલ બહાર આવે ત્યાં સુધી રાહ જુવે,વળી પાછો 'શું થયું શિતલ? હું પુરાવી આપુ...'કહી સાઈકલમા હવા પુરાવી આપે,શિતલ માટે જાસૂસી પણ કરે કે આ ‘રોજ હવા કાઢે છે કોણ..?’
     પ્રેમ એક આકર્ષણ છે ટુંકા સમયના લગાવ ને આપણે આકર્ષણ કહીએ તો લાંબા ગાળાના લગાવ ને પ્રેમ કહી શકાય.તમે વળી કહેશો આકર્ષણ માં પામવુ અનિવાર્ય હોય જ્યારે પ્રેમ તો ત્યાગ છે.તો આપણે પહેલા ત્યાગ શું છે સમજવું ઘટે.કોઈ વસ્તુ વ્યક્તિ કે સંજોગ આપણને પસંદ નથી,ઈચ્છતા નથી એને છોડવુ ત્યાગ ન કહેવાય પણ જે વ્યક્તિ વસ્તુ કે સંજોગ આપણે ચાહીએ છીએ મનમાં હંમેશા નજીક વસે છે એને ભૌતિક રીતે છોડવુ ત્યાગ કહેવાશે,તાર્કિક રીતે તો મનમાં હંમેશા નજીક જ રહેવાનું.આમ ત્યાગના કિસ્સામાં જ્યારે પ્રેમ મનમાં જીવંત હોય ત્યારે એ લાંબા સમયના લગાવ કે આકર્ષણમાં જ પરિણમે.
     વિચારશીલ પ્રકૃતિ પ્રેમની દેન કહી શકાય.વ્યક્તિ જાત સાથે વાતો કરતો થાય,એકાંત પ્રીય બને,મનમાં નિરંતર વિચારોનો વંટોળ વહે જાણે તોફાની સમુદ્રનાં મોજા.પોતે જ સવાલ ઊઠાવે અને પછી પોતે જ સમાધાન.દુનિયાની દરેક રોમેન્ટિક નવલ કથાનો સાર,પ્રેમને સરળમાં સરળ શબ્દમાં કહું તો 'પોતાની જાતથી વધુ બીજાનો ખ્યાલ... એ પ્રેમ.'પુત્રને બચાવવા જતા માતાનું કરુણ દેહાંત,પ્રેમીકાને બચાવવા પ્રેમી એ જીવ જોખમમાં નાખ્યો જેવા ભારેખમ સમાચાર રોજ બરોજ વાંચીએ છીએ.સર્જનહારે ગૂઢ રહસ્ય સમી દુનિયાનું સર્જન કર્યું...તો એ રહસ્યો ઉકેલવા એક સરળ શબ્દ 'પ્રેમ'નું પણ સર્જન કર્યું છે.થોકડા બંધ સાહિત્યનું સર્જન,સૌથી વધુ કોઈ વિષય પર ખેડાણનાં અંતે થાકી દરેક સાહિત્યકાર સંમતી ભરે કે ‘પ્રેમ વર્ણનને નહીં અનુભવને લાયક છે...’
      અણધડંગ ફિલ્મોએ પ્રેમને તોડી મરોડી રજુ કર્યો છે.પ્રેમમાં મેળવવું કે છોડવું અગત્યનું નથી.પાંગરવાથી પ્રેમ ઊદ્ભવતો નથી ત્યાગથી પ્રેમનો અંત નથી થતો.હકીકતમાં પ્રેમ આત્મા જેમ જ અવિનાશી છે,નિરતંર વહેતો રહે છે.છેલ્લે રૂઢિચુસ્ત  ભાતીગળ પ્રેમથી ઉપર ઊઠી એક પ્રેમનું ઉદાહરણ આપું...એ સમય હું પાર્થને રિસીવ કરવા કાલુપુર આવ્યો હતો.મેઈન ગેટ પર લાગેલી વિશાળ વોલ ક્લૉક પર સાતનાં ટકોરે મને સમય બાબતે સભાન બનાવ્યો.ઉતાવળે ડગલે અંદર પ્રેવેશી ચારે તરફ નજર દોડાવતા મારુ ધ્યાન બે પટરી ક્રોસ કરી સામે પ્લેટફોર્મ નંબર-૨ પર એકબીજાની સામે ઊભેલા અનુરાધા અને શંભુનાથ પર ગઈ અને...એક પ્રસંગ જેમ આંખ આગળથી કોઈ રીલ પસાર થાય એમ થઈ ગયો.
     હું રેલવેસ્ટેશન પર બુકસ્ટૉલના બુકસેલર શંભુનાથને ફરમાયશ કહું એ પહેલા જ વચ્ચે રણકેલા એક શ્રીમતીના અવાજે બુકસેલરનું ધ્યાન મારા પરથી હટાવ્યું,
        “અંમ એક્સક્યુઝ્મી વેર ઈઝ માઈન?”
        “આવો-આવો આવી ગયા તમે મેડમ...અરે હાં ભુલી ગયો આજે તો શનિવાર...આજે તો પેલું તમારું સાપ્તાહિક આવે નહીં.શું નામ છે એનું?”
         “સતરંગ”
         “સતરંગ...ખરૂ કહું મેડમ હું એ સાપ્તાહિકની પાંચ કોપી લાવું છું ચાર પડી રહે છે એક જ વહેંચાઈ છે.તમારા કોઈ મિત્ર હોય જે આ સાપ્તાહિક વાંચતાં હોય તો... કૃપા કરી...”
        “મને છે ને તમારી ફાલતુ બકવાસ સાંભળવામાં બિલકુલ રસ નથી,હર શનિવારને જેમ આજે મારુ માથું ન ખાસો.હું ઓલરેડી લેટ છું”
        “હાં..હાં...મારે પણ ક્યાં નવરાશ છે.આ રહ્યું તમારું સાપ્તાહિક...માફ કરશો ફ્રન્ટ પેઝ સહેજ ફાટી ગયું છે.”
        “ડઝન્ટ મેટર...તમે તો જાણો છો.”
        “અરે હાં સાચુ....”,હું બન્ને વચ્ચેના સંવાદ મીઠી નોકજોક સાંભળી રહ્યો હતો કે શંભુનાથે મને ચર્ચા માં ભેળવવાનો પ્રયાસ કર્યો,
         “સાહેબ તમને એક વાત કહું આ મેડમ અહીં દર શનિવાર એક જ છાપું ખરીદવા આવે અને એ પણ માત્ર એક જ લેખકનો લેખ વાંચવા શું નામ તે અનિકેત..”
     “શ્રી પરિકેત”,શ્રીમતીએ ગુસ્સે થઈ કહ્યું
     “હાં પરિકેતભાઈ...એમને કાગળ લખે અને પેલા પણ નવરાધુપ આમને જવાબ પણ આપે બોલો છે ને નવાઈની વાત...”
પરિસ્થિતિની સંવેદનશીલ સમજી મેં ચુપકી જ પકડી પણ શ્રીમતીએ ગુસ્સામાં પ્રત્યુત્તર વાળિયો...
     “સંભાળીને વાત કરો કોઈ લેખક વિશે આવુ બોલતા શરમ નથી આવતી...”
     “અરે આમાં મે ખોટું શું કહ્યું?, નાના હું એમ કહું છું આ જમાનામાં કોઈ અજાણ્યા પર વિશ્વાસ કરાય? અને એમાય જે પોતાનું નામ પણ ખોટું જમાવતા હોય...”
     “એને તખલ્લુસ કહેવાય...એન્ડ આઈ ડોન્ટ નિડ યોર એડવાઈસ યું ડમ્બ...”, બે રૂપિયાનો સિક્કો પછાડી,છાપું ઉપાડી,મોઢુ ચડાવી શ્રીમતી એ ગુસ્સા સાથે ચાલતી પકડી એ પછી જ શંભુનાથે મારા પર ધ્યાન આપ્યું
     હાલનો શંભુનાથ એકાદ વીક પહેલા જોયેલા ગામઠી બુકસેલર કરતા ઘણો અલગ લાગતો હતો.આંખોમાં હતાશા બદલે ખુમારી અને શબ્દોમાં મઝાકને બદલે સ્મિત હતું.થોડા સમયની શાંતિ તોડી અચકાતાં સ્વરે અનુરાધાએ કહ્યું..“એક વર્ષ પહેલા મારુ જીવન મુસિબત અને દુઃખોથી ઘેરાઈ ગયું.તકલીફ આર્થિક અને સામાજિક બન્ને પ્રકારની.જીવન ટુંકાવવાના દ્રઠ નિર્ધાર સાથે હું દશ માળની બિલ્ડિંગ છત પર પહોંચી.કૂદવાની તૈયારી જ હતી કે  મારું ધ્યાન છત પર પડેલા એક છાપાનાં કડકા પર પડ્યું 'સલામ જિંદગી' શીર્ષક નીચે મોટા અક્ષરમાં સવાલ લખેલો હતો ‘શું તમે જીંદગીથી હારી ગયા છો?',કટકો ઉઠાવી એક જ શ્વાસે એ સપૂર્ણ લેખ વાંચ્યો...એ સાથે જ ઘૂંટણિયાં પડી ચોધાર આંસુએ રડી પડી. જીંદગીનો સાચો મતલબ હું પહેલી વખત સમજી,આફતોનું સાચુ કારણ સમજી,જાતને પહેલી વખત ઓળખી તે દિવસથી લઈ આજસુધી ક્યારેય પાછું વળી નથી જોયું.આજે મારી પાસે વેલસેટ જોબ,પોતાનો ફ્લૅટ,ગાડી,પ્રેમાળ પતિ બધુ જ છ અને એ બધુ જ તમારા કારણે...હું બસ એકવાર તમને મળી ધન્યવાદ કહેવા માગતી હતી...આભાર માનવા માગતી હતી... જણાવવા માગતી હતી મારા જીવનમાં તમારું સ્થાન કેટલું સ્પેશ્યલ છે.થેંક્યુ... થેંક્યુ સો મચ ફોર સેવીંગ માઈ લાઈફ.'
     મંદ સ્મિત અને તેજસ્વી નજરે સ્થિર મુખમુદ્રા ધારણ કરી થોડીવારની શાંતિ બાદ શંભુનાથે કહ્યું, “લગભગ એકાદ વર્ષ પહેલા મે પણ બોરિયાં બિસ્તર બાધી અમદાવાદ છોડી વતન ભણી જવાનો નિર્ણય કરેલો.કેરીયરની શરૂઆત તમારા જેમ જ વ્યવસાયી તકલીફ,આવક ના બરાબર પણ એક શનિવાર એક શ્રીમતીએ દુકાને આવી મને પુછ્યું ‘સતરંગ સાપ્તાહિક રાખો છો?’ અને મારો નિર્ણય બદલાઈ ગયો.હું પણ તમારો આભારી છું...એ તમે જ છો તમારો પરિકેત પરનો વિશ્વાસ જ છે જેણે મને કલમ નથી છોડવા દીધી...કાંઈક નવું લખવા પ્રેરક બળ પુરુ પાડ્યું છે.”
      અચાનક કાન ચીરી નાખતા વ્હિસલના અવાજ વચ્ચેથી પવન વેગે 'ફ્લાઇંગ-ક્વીન' પસાર થઈ. બે ડબ્બા વચ્ચેની જગ્યામાંથી હું તૂટક-તૂટક નજરે બીજી બાજુ નમ આંખે એકબીજામાં નજર પરોવી ઊભેલા અનુરાધા અને શંભુનાથ...પરિકેતને જોઈ જ રહ્યો જાણે કે મારી નજર સમક્ષ સિટી લાઈટ ફિલ્મનું અંતિમ દ્ગશ્ય ફિલ્માઈ રહ્યું હતું...સર ચાર્લ સ્પેન્સર  ચેપ્લીન અને મેડમ વરજીનીયા ચેરીલ જીવંત ઊભા હતા.
                                                                -જય સોમનાથ-
                                                                                                                        - પ્રણવ ત્રિવેદી
                                                                                                              pranavtrivedi08@gmail.com