એક ગરીબ ગામડિયો ધનવાન બનવા ઇચ્છતો હતો. એમણે દિલ્હીના સુખ્યાત સૂફીસંત હઝરત નિઝામુદ્દીન વિશે સાંભળ્યું હતું. તેણે વિચાર્યું કે એ સંતને ઘણા ધનવાન અમુયાયીઓ છે એટલે એમની મદદ માગવા માટે તે એમને મળવા માગતો હતો. ચાલીને એ દિલ્હી જવા ઉપાડ્યો. રસ્તામાં વિચારતો હતો કે વળતાં તે સુંદર ઘોડા પર સવાર થઈને પાછો ફરશે. થાક્યો, ભૂખ્યો તે સૂફીસંત નિઝામુદ્દીનના ઘર આવી પહોંચ્યો. સંતજીએ એને પ્રેમથી આવકાર્યો. સંતના સેવકોએ એની ભોજન અને આરામની વ્યવસ્થા કરી. આરામ કર્યા પછી આ ગામડિયા ભાઈએ આવવાનો હેતુ કહ્યો. સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, તને ધન મેળવવાની મહેચ્છા શા માટે જાગી છે ?’ ગામડિયા ભાઈએ પોતાની વાત કરતા કહ્યું કે પોતે ગામડામાં રહે છે, માંડ માંડ ગુજરાન ચાલે છે. ક્યારેક તો ખાવાનુંયે મળતું નથી એટલે મારે મારું જીવન બનાવવાનું છે.
આ સાંભળીને સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, તને જેટલા દિવસ ગમે એટલા દિવસ મારી સાથે રહેજે; તારે ભૂખનું દુઃખ નહીં વેઠવું પડે.’ સાંભળીને ગામડિયાએ કહ્યું : ‘સાહેબ, મને તો ગામડામાં રહેવું ગમે અને વેપાર ધંધો માંડવા માટે મારે પૈસાની જરૂર છે.’ સૂફીસંત નિઝામુદ્દીને કહ્યું : ‘ભાઈ, મારે ધન સાથે કંઈ લેવા દેવા નથી. તું મારી પાસે શા માટે આવ્યો ?’ દિલ્હીમાં ઘણાય પૈસાદાર લોકો છે અને સૌથી સંપત્તિવાન છે બાદશાહ. એમની પાસે શા માટે નથી જતો ?’
ગામડિયાએ કહ્યું :’પણ અરે, નિઝામુદ્દીનજી ! મને ખાબે છે કે ધનવાન માણસો પોતાના ધનમાંથી એક કોડીયે ગરીબને ન આપે અને બાદશાહ તો મને મળવાની જ ના પાડે. મેં એવું સાંભળ્યું છે કે, તમે કોઈને ખાલી હાથે જવા દેતા નથી. એટલે જ હું આપની પાસે આવ્યો છું.’
નિઝામુદ્દીને કહ્યું : ‘વાત એમ છે !’ એમ કહી એમણે ફાટેલાં જોડાં પગમાંથી કાઢી ગામડિયાને આપતા કહ્યું : ‘ભાઈ, તારે ઘણો લાંબો ધૂલીયોમ માર્ગ કાપવાનો છે. આ જોડાં તને ઉપયોગી થશે. મેં જે કંઈ પહેર્યું છે એ જ મારું છે. એટલે હું હૃદયના આશીર્વાદ સાથે આ આ જોડાં આપું છું.’
ગામડિયો હતાશ થયો. તે મોટા સંતનું અપમાનેય કરવા માગતો ન હતો. એ તો જોડાં લઈને દુઃખી હૃદયે ચાલતો થયો. તે મનમાં વિચારતો હતો : ‘આ નિઝામુદ્દીન પણ બિચારા મારા જેવા ગરીબ છે !” એણે તો પાઘડીમાં જોડાં બાંધ્યાં અને પોટલું હાતમાં લીધું. ‘અરે ! આ જોડાં હું વેચીએ ન શકું એવાં જૂનાં અને નકામાં છે. અરે ! આને જોઇને તો મારા ગામના ભાઈઓ મારા પર હસશે. એના કરતાં તો આને રસ્તમાં ફેંકી દેવાં સારા !’
પેલો ગામડિયો તો મનમાં વિચાર કરતો કરતો દિલ્હીની બહાર નીકળ્યો. પોતાની આંખ અને પાંપણ પર આવેલા પરસેવાને લૂછવા તેણે હાથ ઊંચો કર્યો. ત્યાં તો ધૂળનો વંટોળિયો એની સામે ઘસ્યો. તેણે જોયું તો એક એક ભવ્ય શ્વેત અશ્વ દેખાણો. આ અશ્વ શહેરમાંથી બહાર આવી રહ્યો હતો. એના આશ્ચર્ય સાથે પેલો ઘોડો અને ઘોડેસવાર એની સામે આવીને ઊભા રહ્યા. સુંદર ઘોડેસવાર ઘોડેથી ઉતરીને ગામડિયાના હાથમાં પોટલું જોઈ આશ્ચર્યથી કહ્યું : ભાઈ, તમે તો સંત નિઝામુદ્દીન પાસેથી આવો છો ને ! આમ પોટલી બાંધીને શું લઇ જાઓ છો ? સંતજીએ કંઈક ભેટ આપી લાગે છે !’
આ સાંભળીને પેલો ગામડિયો તો અવાક્ બની ગયો. તેણે પૂછ્યું : ‘ભાઈ, તમને આ અમૂલ્ય ભેટની કેવી રીતે ખબર પડી ?’ આ સાંભળીને ઘોડેસવારે કહ્યું : ‘તમારી આ પોટલીમાંથી આવતી મારા માલિક સૂફીસંત હઝરત નિઝામુદ્દીનની સુવાસથી હું એને ઓળખી ગયો ! ભાઈ, મને મુર્ખ ન બનાવી શકે ! હું છું અમીર ખૂશરો !’
હવે પેલા ગામડિયાને પોતાની પોટલી ખોલ્યા વગર અને એમાં ફાટેલાં જોડાં બતાવ્યા વિના છૂટકો ન હતો. એના આશ્ચર્ય સાથે જાણે કે સુંદર પ્રસાદીના પુષ્પ હોય એમ અમીર ખૂશરોએ એને હાથમાં લીધાં અને છાતીએ અડાડયાં. પછી એણે ગામડિયાને કહ્યું : ‘ભાઈ, છ મહિનાથી મેં મારા માલિકને જોયા નથી. એમનાં દર્શને હું જતો હતો. ભાઈ, તું મારા પર દયા કર અને આ જોડાં મને વેંચી દે. મને ખબર છે કે આ જોડાં અમૂલ્ય છે. એને બદલે આ સોનાની થેલી, આ ગ્જોડો, મારો કિંમતી લિબાસ લઇ લે !’
સૂફીસંત હઝરત નિઝામુદ્દીનના કવિ શિષ્ય અને સલાહકાર અમીર ખૂશરો વિશેની વાત ગામડિયાએ સાંભળી હતી. આ કવિરાજ પોતાની ફૂરસદની પળો સંત નિઝામુદ્દીન સાથે જ ગાળતા. આજે તેને ખ્યાલ આવ્યો કે આ કવિરાજ છે ગાંડીયા ! એણે તો પેલાં જોડાં કવિરાજને વેંચી દીધાં. બંનેને જાણે કે કોઈ મોટો ખજાનો મળ્યો હોય એમ આનંદ અનુભવતા છૂટા પડ્યાં.
(રા.જ. ૧૧-૦૬(૪૬)/(૩૬૬)
(૨) સત્યમેવ જયતે ...
એક વખત એક રાજા રાજ્યની જેલમાં રહેલ કેદીઓમાંથી એક એકની ચકાસણી કરતાં હતા. એમાંથી એક કેદીને એમણે પૂછ્યું, ‘ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે?’ કેદીએ જવાબ આપ્યો, મહારાજ, મેં તો કોઈ ગુનો કર્યો નથી. પણ મને બધાએ ફસાવીને આવી ખોટી સજા કરી છે. એમાં ક્યાંય મારો વાંક નથી !’
વળી બીજા કેદીને પૂછ્યું, ‘ભાઈ, તેં કયો અપરાધ કર્યો છે?’ એટલે એણે હળવેકથી કહ્યું, ‘મહારાજ, હું તો સાવ નિર્દોષ છું, મેં કોઈ ગુન્હો કર્યો જ નથી, પણ મારી વિરુદ્ધ ખોટા સાક્ષીઓ ઊભા કરીને આવી સજા મને કરાવી છે.
ત્રીજા કેદીને પણ રાજાએ આવો જ પ્રશ્ન પૂછ્યો. કેદીએ વિનમ્રતાથી અને વિવેકથી એનો પ્રત્યુત્તર વાળતાં કહ્યું, ‘મહારાજ, આવો અપરાધ શહેરમાં થયો ત્યારે હું શહેરમાં જ ન હતો !’ આમ દરેકે પોતે નિર્દોષ હોવાની વાત કરી. અંતે એમાંથી એક આવ્યો અને ’કહ્યું, ‘મહારાજ, ચોરી તો મેં કરી છે. મને ખૂબ ભૂખ લાગી હતી અને ભોજન ખરીદવા મારે પૈસાની જરૂર હતી. હું પકડાયો અને મને લાગે છે કે એ લોકોએ મને સાચી સજા કરી છે !’
રાજાને એ જાણીને આનંદ થયો કે આટલા કેદીઓમાંથી એકાદ એવો માણસ નીકળ્યો કે જેણે પોતાની સાચી વાત કરી. એની પ્રમાણિકતા અને સત્યનિષ્ઠા જોઇને રાજાને એના પ્રત્યે સહાનુભૂતિ થઇ. થોડી વાર વિચાર કરીને રાજાએ મોટાં અવાજે આ શબ્દો ઉચ્ચાર્યા, ‘મને લાગે છે કે આ બધા નિર્દોષ લોકોની સંગાથે રહીને તું વધારે બગડ્યો છે. એટલે તને કોઈ બીજી અલગ જગ્યાએ મૂકવો જોઈએ !’
આમ કહીને રાજાએ એ સાચું બોલનાર પ્રમાણિક કેદીને માફી આપી અને જેલમાંથી છોડી મૂક્યો.
સ્વામી વિવેકાનંદનાં માતાએ એક વખત નાના નરેન્દ્રને શિખામણ આપતાં કહ્યું હતું, ‘બેટા ગમે તે પરિસ્થિતિમાં હંમેશાં સત્યને વળગી રહેજે. સત્યથી અળગો ન થતો.’