20130314

નેટોલોજી - ઈ ગુરુ


ફેસબુકથી પેરન્ટ્સને ટેન્સન

ફેસબુકનો  ક્રેઝ વધતો જાય છે. અમેરિકામાં તો પેરન્ટ્સ તેમના સંતાનોને ફેસબુકની ચુંગાલમાંથી છુટવા પૈસા આપીનેને પ્રલોભન આપે છે. પાઉલ બૅરના મેસેચેટ્સ ખાતેના એક ૧૪ વર્ષની છોકરીના પિતાએ તેને ઓફર કરી કે જો તું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટીવેટ કરાવીશ તો તને ૨૦૦ ડૉલર આપીશ!! શરૃઆતના ૫૦ ડૉલર પિતાએ તેને આપી દીધા છે અને બાકીના ૧૫૦ ડૉલર ૨૬ જુને આપવાના છે. શરત હતી કે પાંચ મહિના માટે ફેસબુકથી દૂર રહેવું!!
ફેસબુકના વળગણથી ઘણાં ટીનેજર્સ વ્યસ્ત રહે છે અને સમય બગાડે છે. પેરન્ટ્સ તેમને આ વળગણમાંથી છોડાવવા મથે છે. એટલે વિવિધ પ્રલોભનો આપે છે. ઘણાં પેરેન્ટ્સ એ જાણવા મથે છે કે તેમના સંતાનો ઈન્ટરનેટ પર શું ફેંદયા કરે છે. સંતાનો સોશ્યલ નેટવર્કીંગ પર શું કરે છે તે જાણવા પેરન્ટ્સ આતુર હોય છે. તાજેતરમાં થયેલા એક સર્વે અનુસાર ૫૦ ટકા પેરન્ટસ માને છે કે તેમના સંતાનો ઈન્ટરનેટ પર શું જુવે છે તે પર તેમનો કંટ્રોલ હોવો જોઇએ. ૪૬ ટકા માને છે કે તેમના સંતાનોએ તેમની પ્રોફાઇલ પેરન્ટ્સને બતાવવી જોઇએ. ૪૨ ટકા પેરન્ટ્સ તેમના સંતાનના નામ ફેસબુક પર શોધે છે. ૩૧ ટકા જેટલા પેરન્ટ્સ માને છે કે તેમના સંતાનની સોશ્યલ નેટવર્ક પરની પ્રોફાઇલ તૈયાર કરવામાં મદદ કરે.
ગ્રેમીની યુ ટયુબ પર ધૂમ
ગત્ ૧૦મી ફેબુ્રઆરીએ લોસ એંજલસ ખાતે યોજાયેલ ૫૫મા ગ્રેમી એવોર્ડમાં વિશ્વનાં લોકપ્રિય સંગીતકારો ઉમટયા હતા. અહીં ગ્રેમી એવોર્ડ વિજેતા દર્શાવ્યા છે સાથે સાથે યુ ટયુબ પર તેમના સંગીતને કેટલી હીટ્સ મળી છે તે દર્શાવ્યું છે. જેમ કે બેસ્ટ પોપ પરફોર્મન્સનો એવોર્ડ મેળવનાર એડલીને યુ ટયુબ પર ૯૩૩ મીલીયન હીટ્સ મળી છે. રેકોર્ડ ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર ગોટયેને યુ ટયુબ પર ૪૩૧ મીલીયન હીટ્સ મળી છે. બેસ્ટ રેપ સોંગનો એવોર્ડ મેળવનાર જય-ઝેડને યુ ટયુબ પર ૩૪૧ મીલીયન હીટ્સ મળી છે. આલ્બમ ઓફ ધ યરનો એવોર્ડ મેળવનાર ફનને યુ ટયુબ પર ૧.૪ મીલીયન હીટ્સ મળી છે. એડલીને જ્યારે ૯૩૩ મીલીયનની હીટ્સ મળે ત્યારે તે અધધધ... કહી શકાય..
સ્માર્ટ ફોન પછી આઈ-વૉચ
સ્માર્ટ ફોન પછી હવે સ્માર્ટ આઈ-વૉચ બજારમાં આવી રહી છે. ઍપલ આ આઈ-વૉચના આઈડિયા સાથે બજારમાં આવશે. ગેજેટ્સના શોખીનો માટેની તમામ સવલતો આઈ-વૉચમાં રાખવામાં આવી છે. જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં આવા ગેજેટ્સ જોવા મળે છે પરંતુ એપલ હવે તેને ખૂબ ઉપયોગી બનાવીને બજારમાં મૂકી રહ્યું છે. માણસના કાંડાની સાઇઝ પ્રમાણે આઈ-વૉચ તૈયાર કરાઇ છે. કોઇ કાંડા ઘડીયાળ રાખી હોય એમ લાગશે. આઈ વૉચમાં ટચ સ્ક્રીન સુવિધા હશે. આ એક એવો પટ્ટો હશે કે તેમાં આવતા મેસેજ વખતે હાથમાં વાયબ્રેશનનો અનુભવ થશે. જેનો જવાબ પણ આપી શકાશે. આઈ-વૉચની ખાસિયત એ હશે કે તેમાં વાળી શકાય તેવા કાચની ટેકનોલોજી હશે એટલે તે વાળીને ખિસ્સામાં મૂકી શકાશે. જુલાઇ-ઓગસ્ટ પછી એપલ આઈ-વૉચ બહાર પાડશે. જો આઈ-વૉચ સફળ થશે તો સ્માર્ટ ફોનના બજાર માટે જોખમ ઊભું થશે..
સાથે.. સાથે..
- ન્યુયોર્ક સ્થિત ત્રણ ભારતીયો પુનીત મહેતા, સોનપ્રીત ભાટીયા અને અર્ચના પ્રતીચીરંજને માય સીટી વે ઈન્ડિયા નામની એપ્લીકેશન તૈયાર કરી છે. તે ભારતના ૧૫ ટુરીસ્ટ સ્પોટની માહિતી આપે છે. તે ફ્રી છે.
- બાળકોના શોષણ અંગેની એક એડ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. જેમાં એક બાળક વારંવાર કપડાં ઊંચા કરીને નિર્દેશ આપે છે. તેના મા-બાપ માંડ સમજે છે કે તેના કાકા તેને નગ્ન કરતાં હતા..
- ક્લોથીંગ લાઇન એચ એન્ડ એમ માટેની એડમાં ડેવીડ બેકહામને અંડરવેર સાથે દર્શાવ્યો છે. ૬.૪ મીલીયન લોકોએ તે વીડીયો જોયો છે.
- અમેરિકાના કેન્સાસના બે વર્ષના ટીટસ એશબાય નામનો છોકરાનો બાસ્કેટ બોલથી ગોલ કરતો વીડીયો લોકોને બહુ ગમે છે. ૬ મીલીયન નેટીઝને તે જોયો છે.

નેટોલોજી - ઈ ગુરુ

ફેસબુક વપરાશમાં ભારત બીજા નંબરે

ભારતમાં  ફેસબુકનો ક્રેઝ વધ્યો છે. વિશ્વમાં ફેસબુકનો વપરાશ કરનારામાં ભારત બીજા નંબરે છે. ભારતના સેલિબ્રીટીનો ફેસબુક પર દબદબો છે. ભારતના કોઈ સેલિબ્રીટી ફેસબુક પર સૌથી વધુ હીટ્સ મેળવતા હોય તો તે છે એ.આર. રહેમાન ૭.૩૫ મીલીયન લોકો તેમને લાઈક કરે છે. બીજા નંબરે સોનુ નિગમ આવે છે. તેને ૫.૫૩ મીલીયન લોકો લાઈક કરે છે. શ્રેયા ઘોસલ ૫.૨૭ મીલીયન સાથે ત્રીજા ક્રમે છે. સલમાનખાનને ૪.૭૮ મીલીયન લોકો જ્યારે ક્રિકેટ કેપ્ટન એમ.એસ. ધોનીને ૩.૩૪ મીલીયન લોકો લાઈક કરે છે. પ્રિયંકા ચોપરા ૩.૩૧ મીલીયન સાથે ૭મા ક્રમે છે જ્યારે અમિતાભ બચ્ચન ૩ મીલીયન લાઈક મેળવે છે. હનીસિંહ ૨.૫૬ મીલીયન અને અક્ષયકુમાર ૨.૧૦ મીલીયન લાઈક્સ મેળવે છે. જે સેલિબ્રીટી ફેસબુક પર હીટ છે તે બ્લોક ઓછા લખે છે. બ્લોગ લખવામાં અમિતાભ બચ્ચને નિયમિતતા જાળવી રાખી છે.

ઓનલાઈન ચીટર્સ...
ઓનલાઈન છેતરપીંડી કરનારની સંખ્યા વધી રહી છે. ઈ-કોમર્સની સાઈટ સાથે ડીલીંગ કરનારાઓને દરેક ટ્રાન્ઝેક્શન સાથે પાસવર્ડ બદલી નાખવાની સુચના આપવામાં આવે છે. ઓનલાઈન છેતરપીંડી કરનારા તો સક્રિય છે પણ આવી રીતે ક્રેડીટ કાર્ડમાંથી ઓનલાઈન ઉચાપતના કેસમાં ક્રેડીટ કાર્ડ ઈસ્યુ કરતી બેંકો પાસે છેતરપીંડી કરનારનો કોઈ ટ્રેક નથી હોતો. આવી બેંકો ક્રેડીટ કાર્ડ ફાળવતી વખતે અનેક પ્રોમીસ આપે છે પરંતુ જ્યારે ગ્રાહકના કાર્ડમાંથી ઉચાપત થાય છે ત્યારે તપાસ માટે ૪૫ દિવસનો સમય માગે છે. આ સમય દરમ્યાનનું વ્યાજ ગ્રાહકને ભરવું પડે છે અને તેનું ટેન્સન પણ ગ્રાહકને રાખવું પડે છે.
સત્તાવાળાઓએ આવી બેંકોને સક્રિય થવાનું કહી શકતા નથી કે આવો કોઈ ટ્રેક શોધી શકતા નથી. જો ગ્રાહક પોતે સક્રિય નથી હોતો અને છેતરપીંડીની ફરીયાદ અંગે કોઈ ફોલોઅપ નથી કરતો તો બેંક ગ્રાહકની કોઈ ફીકર પણ નથી કરતી !!

ઓનલાઈન આકર્ષણો
એક તરફ ઓનલાઈન છેતરપીંડીની માત્રા વધેલી છે તો બીજીતરફ ઓનલાઈન આકર્ષણો પણ વધ્યા છે. જેમ કે ઓનલાઈન પરચેઝ, ઓનલાઈન માર્કેટીંગ, ઓનલાઈન પેમેન્ટ વગેરે... સામાન્ય બજારો કરતાં ઓનલાઈન ખરીદીમાં વધુ વળતર અને વધુ ચોઈસ મળી રહે છે. લોકો ઘર બેઠાં ખરીદીનો આનંદ મેળવે છે પણ તેની સામે છેતરપીંડી થવાનું જોખમ પણ ઉઠાવી લે છે. છેતરપીંડી કરનારાના સર્વર ભારતની બહાર હોઈ સરકાર કોઈ પગલાં લઈ શકતી નથી.
ઓનલાઈન આકર્ષણો આપનારા વપરાશ કરનારાને છેતરપીંડી નહીં થવાની કોઈ ગેરંટી નથી આપતા. ઓનલાઈન આકર્ષણો આવકાર્ય છે પણ તેની સાથે લપાતી-છુપાતી છેતરપીંડી પણ આપે છે માટે સર્ફીંગ કરનારે ચેતવું જોઈએ.

ટેબલેટ ૭ ઈંચ ટુ ૨૭ ઈંચ
'ટેબલેટ'ની ડીમાન્ડ વિશ્વભરમાં વધી રહી છે. એજ્યુકેશન ક્ષેત્રે ટેબલેટ કોમન બની ગયું છે. ભારત સરકારે આકાશ-ટુ દ્વારા ઘણાં વિદ્યાર્થીઓને ટેબલેટની સમજ આપી છે. વિશ્વના સૌથી સસ્તા ટેબલેટ તરીકે આકાશ-ટુ ની ગણના થાય છે. સામાન્ય રીતે ટેબલેટ ત્રણ સાઈઝના આવે છે. જેમ કે ૭ ઈંચ, ૮ ઈંચ અને ૧૦ ઈંચ...
૭ ઈંચનું ટેબલેટ શરૃઆતમાં કોઈ વાપરવા તૈયાર નહોતું કેમ કે આ સ્ક્રીન સાઈઝથી વ્યક્તિનો કોઈ પ્રભાવ નહોતો પડતો પરંતુ તેની ઓછી કિંમત બેટરીની લાઈફ લાંબી હોવાથી તેના વેચાણમા જોરદાર વધારો થયો હતો. ઈ-રીડર તરીકે આવું ટેબલેટ ઉપયોગી બની જાય છે. પરંતુ કોઈ સ્પેશ્યલ ઈફેક્ટ મુવી કે એવું કંઈક જોવું હોય તો નિરાશ થવું પડે છે.
૯ કે ૮ ઈંચનું ટેબલેટ પણ ઉપયોગી બની રહ્યું છે. એપલનું મીની આઈપેડ-ટુ ૭ ઈંચનું છે. પરંતુ કમનસીબી એ છે કે તે હથેળીમાં બરાબર બંધ નથી બેસતું એવી ફરીયાદ છે. પરંતુ તે સાઈઝમાં પાતળું હોઈ ગેમ રમી શકાય છે અને ફિલ્મ પણ જોઈ શકાય છે. તેની બેટરી લાઈફ પણ સારી છે.
૯.૭ કે ૧૦ ઈંચના ટેબલેટે તો માર્કેટ સર કરવાનો પ્રયાસ કર્યો છે. પરંતુ બેસ્ટ ટેબલેટ એ છે કે તમે તેને ગમે ત્યાં આસાનીથી લઈ જઈ શકો. તેને હાથમાં પકડીને બધા જુવે તેમ ફરવું પડે છે. માટે તે અયોગ્ય લાગે છે. કોર્પોરેટ કંપનીઓમાં આવું ૧૦ ઈંચનું ટેબલેટ પ્રિય બન્યું છે.
ભવિષ્યનાં ટેબલેટ ૨૭ થી ૩૨ ઈંચના ડેસ્કટોપ જેવું આવશે. વાયરલેસ કી બોર્ડ અને વાયરલેસ માઉસથી ચાલતા આ ટેબલેટનો ઉપયોગ આખું ફેમીલી કરી શકશે. જેમ કે દિવાલ પર ટંગાડીને તેમાં બધા ફિલ્મ પણ જોઈ શકશે. જો આ ટેબલેટ સફળ થશે તો દરેક તે વસાવશે કેમ કે ઘરની દરેક માહિતી અને મનોરંજન સમાવતો પીસ બની રહેશે.

-Gujarat Samachar