ચેતનાની બદલાયેલી સ્થિતિમાં ચમત્કારો સર્જાય છે !!
- જાદુ અને ચમત્કાર ઘણીવાર એકસરખા લાગે છે પણ બન્ને વચ્ચે મોટો ભેદ છે. દ્રષ્ટિભ્રમ, હાથચાલાકી, યુક્તિથી 'જાદુ' થાય છે, જ્યારે ચેતનાની બદલાયેલી સ્થિતિમાં 'ચમત્કાર' થાય છે
ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ સમક્ષ મનની શક્તિનો એક પ્રયોગ કરાયો હતો. શિવઅવતાર શર્મા નામની વ્યક્તિ 'દિવ્યદ્રષ્ટિ'ધરાવે છે એવી પ્રમાણભૂત માહિતી મળતાં તેના પર સંશોધકો અને વિજ્ઞાાનીઓએ પ્રયોગ કરવાનું નક્કી કર્યું હતું. શિવઅવતારે વિજ્ઞાાનીઓ અને રાષ્ટ્રપતિના વિચારો દૂરથી જાણી લેવાના હતા અને તે લખી આપવાના હતા. સર્વપ્રથમ ડો.રાજેન્દ્ર પ્રસાદે એક ઓરડામાં નિયત સમયે કંઇક વિચારીને એના આધારે કોરા કાગળ પર થોડા વાક્યો લખ્યા. બીજા ઓરડામાં રહેલા શિવઅવતાર શર્માએ 'દૂરદર્શન'ની ચૈતસિક શક્તિથી તે વિચારો જાણી કાગળ પર લખાયેલા વાક્યો પોતાના કોરા કાગળ પર લખી કાઢ્યા હતા. બન્નેના લખાણને સરખાવવામાં આવ્યું તો તે એકદમ એકસરખું જ હતું. તેમાં એક અક્ષરનો પણ ફરક નહોતો ! આ જોઇને રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્રપ્રસાદ આશ્ચર્યચક્તિ થઇ ગયા હતા. આ શક્તિથી પ્રભાવિત થઇ તેમણે કહ્યું હતું, 'શિવઅવતાર શર્માજી, તમારી દિવ્યદ્રષ્ટિ પ્રશંસનીય છે. તમે આ આધ્યાત્મિક વિજ્ઞાાનને વિકસિત કરવાનો પ્રયત્ન કરતા રહો.'
વિચારતરંગોનું આદાન-પ્રદાન અથવા પ્રસારણ થઇ શકે એવી ભૂમિકા બે વ્યક્તિના મન વચ્ચે સધાતી હોય છે. દૂરદર્શનની આ પ્રક્રિયામાં ઇન્દ્રિયોની મદદ વગર જ માહિતીનું આદાન-પ્રદાન થતું હોય છે. અમેરિકાની એલેક્ષ ટેનુસ નામની ચૈતસિક શક્તિ ધરાવનાર વ્યક્તિમાં પણ દૂરની વસ્તુઓને જોઇ લેવાની અદ્ભૂત ક્ષમતા છે.તે પોતાની ચેતનાને દેહથી અલગ કરી દુનિયાના કોઇપણ સ્થળની અને ભૂતકાળ, ભવિષ્યકાળ કે વર્તમાનકાળના સમયની માહિતી જાણી લે છે. એકવાર એલેક્ષે એક પ્રયોગ દરમિયાન પોતાની ચેતના ભૂતકાળમાં લઇ જઇને રશિયાના કોઇ સ્થળ પર ઇ.સ.૧૯૧૮માં થયેલી લોહિયાળ ક્રાંતિની ઘટનાઓને નિહાળી તેનું બારીક વર્ણન કરી બતાવ્યું હતું. ભવિષ્યની કોઇ ઘટના વિશે કહેવાનું એને જણાવ્યું ત્યારે પણ તેણે તે બરાબર જાણી લીધું હતું. સંશોધક વિજ્ઞાાનીઓની ટુકડીમાંની એક યુવતીએ તેને પૂછ્યું હતું- મારી માતા વિશે હું ચિંતિત છું. તેના જીવનમાં ખાસ તેના સ્વાસ્થ્ય અંગે ભવિષ્યમાં શું થશે તે તમે કહી શકશો ? એલેક્ષે તેની દૂર-દર્શનની શક્તિથી તે જોઇને તેને તે જ વખતે કહી દીધું હતું. તમારી માતા અત્યારે મોટી બીમારીને કારણે હોસ્પિટલમાં દાખલ કરાયેલ છે. બધા એમની બીમારી વિશે એમ માને છે કે એમને કેન્સર થયું છે. પણ તે કેન્સર નથી એવું સાબિત થશે. અંતે એવું નિદાન થશે કે તેમને ફેફસાનો રોગ છે. તેમના જમણા ફેફસાનો થોડો ભાગ કાઢી નાંખવામાં આવશે. એ માટે જ સર્જિકલ ઓપરેશન કરવામાં આવશે તે સફળ થશે. તે ઓપરેશન એક કલાક અને પીસ્તાલીસ મિનિટ સુધી ચાલશે. તેમને દસ દિવસ પછી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવશે. એલેક્ષની ભવિષ્યને લગતી દૂર-દ્રષ્ટિ પણ સાવ સાચી સાબિત થઇ. તેણે કહ્યું હતું તે પ્રમાણે જ બધુ બન્યું તેથી તેના પર પ્રયોગો કરનારા વિજ્ઞાાનીઓ આશ્ચર્યમાં પડી ગયા હતા. વર્તમાન કે ભૂતકાળની કોઇ વાત કદાચ દૂરદ્રષ્ટા કોઇ યુક્તિથી જાણી લે પણ ભવિષ્યમાં બનનારી ઘટના આટલી ચોક્કસ વિગતો કોઇ આવી ચૈતસિક શક્તિ વિના કહી ના શકે.
'અમેરિકન સોસાયટી ફોર સાઇકિકલ રીસર્ચ'ના ડાયરેક્ટર ડો.કાર્લિસ ઓસિસે પણ કડક પ્રાયોગિક નિયંત્રણો હેઠળ એલેક્ષની શક્તિઓનું પરીક્ષણ કર્યુ હતું. તેમાં પણ તેણે દૂર બેઠા બેઠા તેમના મશીનની ભીતર સતત બદલાતી રહેતી સ્થિતિનું દરેક વાર સાચું વર્ણન કરી બતાવ્યું હતું. મશીનની મોટર સંચાલિત ચિત્રોની ટેપ સતત ઘૂમ્યા પછી બંધ થાય ત્યારે મશીન બોક્ષની અંદર જોવા માટે રાખેલા નાના છિદ્રમાંથી જોતાં જે ચિત્ર દેખાય તે દૂર કાચની કેબીનમાં બેઠેલો એલેક્ષ એની દૂર દ્રષ્ટિથી જોઇ લેતો અને તેનું વર્ણન કરતો.
કેટલાક લોકો એમની અલૌકિક શક્તિથી 'તત્વ રૃપાંતરણ'પણ કરી શકતા હોય છે. થોડા વર્ષ પહેલાં આવી સિદ્ધિ ધરાવનાર એક વ્યક્તિએ બિરલા ભવનમાં અનેક આદરણીય અને વિશ્વાસપાત્ર વ્યક્તિઓ તથા બુદ્ધિજીવીઓ અને નેતાઓ સમક્ષ તાંબામાંથી સોનુ બનાવી દેવાનો પ્રયોગ કર્યો હતો. યોગશક્તિ સિદ્ધ કરી ચૂકેલા એક સાધુએ પણ આવો પ્રયોગ બતાવ્યો હતો. તેણે એક નંબરવાળી ઇંટ મંગાવી તે ત્યાં ઉપસ્થિત બધાને બતાવી, એની ચકાસણી કરાવી બધાની વચ્ચે મૂકાવી તેના પર કાપડનો પાતળો ટુકડો ઢંકાવ્યો. થોડીવાર તેની સામે ધ્યાનાવસ્થામાં બેસી હોઠના આછા ફફડાટ સાથે મંત્રોચ્ચારણ કર્યુ. પછી પેલો રૃમાલ જેવો કપડાનો ટુકડો હટાવી લેવા જણાવ્યું તો ત્યાં ઇંટને બદલે સાકરના મોટા ટુકડાઓ જોવા મળ્યા. આ કોઇ દ્રષ્ટિભ્રમ નથી તે બતાવવા બધાને તે સાકર ખાવા માટે અને ઘેર લઇ જવા માટે આપી દેવામાં આવી હતી.
ભારતના યોગી પુરુષોમાં અનેક સિદ્ધિઓ જોવા મળે છે. પૂર્વે આદિ શંકરાચાર્યજીએ મંડન મિશ્રની પત્ની સાથે શાસ્ત્રાર્થ કરવા પરકાયા પ્રવેશ કર્યો હતો, નર્મદાના જળને વહેતા રોકી દીધુ હતું. આકાશમાર્ગથી ગમન કર્યુ હતું. બુદ્ધના શિષ્ય મૌદ્ગલ્યાયન અને પિણ્ડોલે પણ રાજગૃહમાં અદ્ભુત ચમત્કાર બતાવ્યો હતો. ત્યાં એક વ્યક્તિએ ૬૦ હાથ ઊંચા વાંસ પર એક કમંડળ લટકાવી દીધુ હતું અને એવી ઉદ્ઘોષણા કરાવી હતી કે જો કોઇ સાચો અર્હંત હોય તો એને આકાશ માર્ગે જઇને લઇ બતાવે. કોઇ એને વાંસ પરથી ઉતારી શક્યું નહી. જંગલમાં શિકારીઓ આના વિશે વાત કરતા હતા કે અત્યારે કોઇ સાચા અર્હંત રહ્યા નથી. કોઇ યોગસિદ્ધિથી એને ઉતારી શકનાર નથી... આ વાત મૌદ્ગલ્યાયન અને પિણ્ડોલે સાંભળી અને એમને લાગી આવ્યું હતું. તેમણે પડકાર ઝીલી લીધો હતો અને આકાશમાં શૂન્ય માર્ગે સૂક્ષ્મ રૃપે જઇ કમણ્ડલને વાંસ પરથી ઉતારી લીધું હતું. આ ચમત્કાર જોઇ લોકોએ તેમની ખૂબ પ્રશંસા કરી હતી. પણ ભગવાન બુદ્ધ તેમના પર નારાજ થયા હતા અને બધાને આદેશ આપ્યો હતો કે લૌકિક કાર્ય માટે ભવિષ્યમાં કોઇએ આવો યોગશક્તિનો ચમત્કાર બતાવવો નહી. દુનિયાના દરેક ધર્મના અવતારી પુરુષોમાં પણ અસાધારણ કહેવાય તેવી દૈવી શક્તિઓ જોવા મળી છે. એપોલિનિયસના જીવનચરિત્ર પરથી પણ જાણવા મળે છે કે ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળની ઘટનાઓને સ્પષ્ટ જોઇ શકતા હતા. તેમણે અનેક બીમાર લોકોને રોગમુક્ત કર્યા હતા અને મૃત વ્યક્તિઓને પણ જીવિત કરી હતી. જીસસ ક્રાઇસ્ટમાં પણ અનેક દૈવી શક્તિઓ હતી અને તેના થકી તેમણે લોક કલ્યાણ અર્થે ચમત્કારો કર્યા હતા. પવિત્ર ગ્રંથ બાઇબલમાં ઉલ્લેખ છે કે તેમણે કેવળ હસ્તસ્પર્શથી અનેક લોકોનો કોઢનો રોગ મટાડયો હતો, જન્મથી અંધ લોકોને દેખતા કર્યા હતા, પાંચ માણસ જમી શકે એટલા ભોજનમાંથી પાંચ હજાર વ્યક્તિઓને ભોજન કરાવ્યું હતું અને કેટલાક મૃત લોકોને ફરીથી જીવિત કર્યા હતા. સ્પેનના મહાત્મા ઇસીડોરમાં પણ અસાધારણ શક્તિ હતી અને તેનાંથી ચમત્કાર સર્જાયા હતા. ઇસાઇ ધર્મસાહિત્યમાં એગ્નિસની દૈવી શક્તિઓનો પણ ઉલ્લેખ છે. એમની પ્રાર્થના સાંભળીને ઇસુ ખ્રિસ્તે એમને એવી રોટી આપી હતી જેનાથી ૨૦૦ જેટલી એમની સાથે રહેતી સાધિકાઓની ભૂખ તૃપ્ત થઇ હતી. અનેક દિવસો સુધી એમણે એ ભોજન માટે વાપરી છતાં એ ખુટતી નહોતી. અવતારી પુરુષો, સંતો, મહાત્માઓ અને યોગીજનો કોઇ દિવ્ય શક્તિથી આવા ચમત્કારો સર્જે છે. ચેતનાની સ્થિતિ બદલાય ત્યારે આવી દૈવી શક્તિ પ્રગટ થાય છે.
-Gujarat Samachar