સૌંદર્ય પ્રસાધનોની જે વિલાસી ચીજ વસ્તુઓનો વિશ્વભરમાં વેપાર થઈ રહ્યો છે તેને મહિલા ઓ દ્વારા જ પ્રોત્સાહન આપવામાં આવે છે. આવી ચીજવસ્તુઓ મોટાભાગે પ્રાણીઓનાં શરીરમાંથી જ બનાવવામાં આવતી હોઈ આપણી ફરતેના પ્રાણી જગતનું નિકંદન કાઢવામાં ખાસ કરીને સ્ત્રી જ સૌથી વઘુ જવાબદાર છે. શું તમે કોસ્મેટિક્સ, પરફ્યુમ કે એરોસોલ્સનો ઉપયોગ કરો છો? પ્રાણીઓનાં વાળ કે ચામડીની બનેલી બિનજરૂરી વસ્તુઓ ખરીદો છો કે મોતીનાં આભૂષણો અથવા સિલ્કનાં વસ્ત્રો પહેરો છો? જો આનો જવાબ હા, હોય તો પ્રાણીઓના સામૂહિક વધ માટે અને જૈવિક સૃષ્ટિના વિનાશ માટે તમે જ સંપૂર્ણ જવાબદાર છો. વઘુમાં પૃથ્વી પરના નિર્દોષ અને અબોલ પ્રાણીઓને યાતના આપી અને રિબાવી-રિબાવી મારી નાખવાની કોટડી બનાવવા માટે તમે જ અપરાધી છો, ડ્રેસંિગ ટેબલની સામે બેસી તમે કેવી-કેવી હીન પ્રવૃત્તિઓ કરી રહ્યાં છો એનો ચિતાર નીચે મુજબ છે.
તમે જે ટેલ્કમ, લિપસ્ટિક અને હેરડાઈનો ઉપયોગ કરી રહ્યાં છો તે તમારા માટે કેવી સલામત ગણાય? ઉછળ-કૂદ કરતાં હજારો વાંદરાઓનાં નાનાં-નાનાં બચ્ચાંઓને એક નાના પાંજરામાં પૂરી રાખવામાં આવે છે. સૌંદર્ય પ્રસાધનોની ચીજ-વસ્તુઓની ઝેરી અસર ચકાસવા માટે તેઓની પર અખતરાઓ કરવામાં આવે છે. બચ્ચાંઓનાં ગળામાં રબરની કે સ્ટીલની ભૂંગળી ભરાવીને વસ્તુની અસર તેના પર કેવી થાય છે. તે ચકાસવામાં આવે છે અને તે મૃત્યુ ન પામે ત્યાં સુધી તેને આવી જ હાલતમાં રાખવામાં આવે છે.
પરફ્યુમ બનાવવા માટે જ બાહી બિલાડીના નામના (સિવેટ) એક નાના પ્રાણીના પેટમાં રહેલી કસ્તુરીનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રાણી પોતાનું માથું પણ ન ઊંચકી શકે તેવા ૨૫ બાય ૩૦ સે.મી.ના કદના પાંજરામાં તેઓને પૂરી રાખવામાં આવે છે. દરેક દસ દિવસે તેને મારી તેની પર ત્રાસ ગુજારવામાં આવે છે. કેમ કે આનાથી થતાં દર્દ અને વેઠવી પડતી યાતનાઓને કારણે જ તેની કોથળીમાં કસ્તુરી એકઠી થાય છે. ત્યારબાદ તેની કોથળી ફાડીને તેમાંથી કસ્તુરી બહાર કાઢવામાં આવે છે. આ નાનું પ્રાણી મૃત્યુ ન પામે ત્યાં સુધી તેની સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે. આ પ્રાણી પર આચરવામાં આવતા અત્યાચારને પગલે તેની સામાન્ય આવરદા કરતાં ચોથા ભાગથી પણ ઓછા સમયમાં તે મૃત્યુ પામે છે.
જંગલમાં ચારે તરફ દોડાદોડ કરતાં સસલાં સાથે પણ કઠોર વ્યવહાર કરવામાં આવે છે. સસલાંના માથાને લોખંડના સ્ટેન્ડ સાથે જકડી દેવામાં આવે છે અને ત્યારબાદ લોખંડની ક્લિપો વડે બળજબરીપૂર્વક તેની આંખોને હંમેશાં ખુલ્લી રાખવાનો પ્રયાસ કરવામાં આવે છે અને તેની આંખમાં શેમ્પૂ નાખવામાં આવે છે. લોખંડની પકડમાંથી છૂટવા માટે સસલું મરણિયો પ્રયાસ કરે છે. પરંતુ તે નિરર્થક સાબિત થાય છે. પ્રત્યેક વર્ષે ફક્ત શેમ્પૂ બનાવવા માટે જ આશરે દસ લાખ જેટલાં સસલાંની આંખનો અને સસલાંનો ભોગ લેવામાં આવે છે. બોલો હવે આવા પ્રયોગો પછી બનેલાં શેમ્પુ તમે વાપરશો?
ભારતમાં હવે લગભગ ઓછી સંખ્યા ધરાવતાં બીકણ હરણોને હિમાલયમાં ગીચ જંગલોમાંથી લલચાવીને બહાર કાઢવામાં આવે છે અને તેને જાળમાં ફસાવવામાં આવે છે. અગાઉ ગોઠવાયેલા છટકા મુજબ જાળમાં ફસાતી વેળાએ જ હરણનાં બંને પગ નકામા થઈ જાય છે. ઊંડા ખાડામાં પડી ગયા બાદ તે બહાર નીકળી શકતું જ નથી. હરણના પેટમાં પણ કસ્તૂરી હોય છે. હવે જો પકડાયેલા હરણના પેટમાં કસ્તૂરીનું પ્રમાણ ન હોય તો તેને બહાર કાઢવામાં આવતું નથી. અંતે તે ત્યાંને ત્યાં શ્વાસ છોડી દે છે.
હેન્ડબેગ, ચંપલ, બૂટ અને લેધરની અન્ય વસ્તુઓ સાપ, મગર અને કાંચિડાની ચામડીમાંથી બનાવવામાં આવે છે. મગરને સરકતા દોરડાવાળા ફંદા વડે પકડી તેને પાણીની બહાર ખેંચી કાઢવામાં આવે છે. ત્યારબાદ તેના ગળાના ભાગ પર છરાના ઘા મારી તેની કરોડની નસને તોડી કાઢવામાં આવે છે. લેધર માટે મગરના પેટના ભાગની અંદરની ચામડીનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે બીજી બાજુ સાપ જીવંત હોય ત્યારે તેની ચામડી વઘુ ઈલાસ્ટિક હોવાને કારણે તેને ઝાડ ઉપરથી પકડી તેના માથા અને પૂંછડીના ભાગ પર પગ મૂકી તેની ચામડી ઉતારી લેવામાં આવે છે. કાંચિડાની ચામડી મેળવવા માટે પણ આવી જ પઘ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય પ્રકારનું લેધર મેળવવા માટે ગાય, ભેંસ અને કૂતરા જેવા પ્રાણીઓને હણવામાં આવે છે.
હમણાં એક નવી વાત બહાર આવી છે. કોસ્મેટિક માટે ઘોડીનો ઉપયોગ કરવામાં આવે છે. ઘોડી સગર્ભાવસ્થામાં હોય ત્યારે કોસ્મેટિક માટે ઉપયોગમાં લેવામાં આવતા એસ્ટ્રોજનનું પ્રમાણ તેમાં વઘુ હોય છે. સૌંદર્ય પ્રસાધનોની વસ્તુઓ માટે એસ્ટ્રોજન મેળવવા માટે ઘોડીને મોટેભાગે આવી હાલતમાં જ રાખવામાં આવે છે! આફ્ટર શેવ લોશન પીડાશામક કેવી રીતે બની શકે? સસલાં જેવા નાનાં નાજુક પ્રાણીઓનાં શરીર પરના એક એક વાળને ગુંદરવાળી ટેપ વડે ખેંચી કાઢવામાં આવે છે ત્યારબાદ આપણે ઉપયોગમાં લઈએ છીએ તે આફ્ટરશેવના મિશ્રણને તેના શરીર પર લગાવવામાં આવે છે. આફ્ટર શેવ માટેનાં વિવિધ રસાયણોનું મિશ્રણ યોગ્ય રીતે ન થઈ જાય ત્યાં સુધી આ જ પ્રાણી પર આવા વૈજ્ઞાનિક પ્રયોગ ચાલુ રાખવામાં આવે છે. જેથી ખબર પડે છે આ લોશન માનવી તેના ચહેરા પર લગાવે ત્યારે કોઈ આડ અસર તો નથી થતીને!
અત્યંત મુલાયમ રેશમના કીડાને ઉકળતા પાણીમાં નાખવામાં આવે છે. કીડામાંથી દોરો બહાર ન આવે અને સિલ્કમાં તેનું રૂપાંતર ન થાય ત્યાં સુધી તેને ઉકાળવામાં આવે છે. ફક્ત એક કિલો જેટલા સિલ્કના કાપડને બનાવવા માટે વીસ હજાર જેટલા રેશમના કીડાઓને જીવતા ઉકાળવામાં આવે છે. તમે એક સાડી પહોરો છો તે ઓછામાં ઓછા પચાસ હજાર જેટલા રેશમના કીડાઓનાં શરીરમાંથી બનેલી હોય છે. શું તમે કરાકુલ ટોપી પહેરવાનું પસંદ કરો છો? ઘેટાના વાળમાંથી બનતી આવી ટોપીને અગાઉ કાશ્મીરના મુખ્યપ્રધાન પહેરતા હતા. સગર્ભાવસ્થા પૂરી થાય તે પહેલાં જ બચ્ચાને જન્મ અપાવવા ઘેટીના માથા પર અસંખ્ય વખત લોખંડના સળિયા ફટકારવામાં આવે છે. ઘેટીના શરીર પરના વાળને (ફરને) આસાનીથી ઉતારી શકાય એ માટે તેના બચ્ચાને તેની આંખો સામે જ રાખવામાં આવે છે. આ નરમ, રેશમ જેવા વાળમાંથી બનાવેલી ટોપી વિશ્વનાથ પ્રતાપસંિહ જેવા નેતાઓ પહેરતા હતા. બાળકોનાં વસ્ત્રો અને ફેન્સી બેગઝ માટે ઉપયોગમાં લેવામાં આવતું સફેદ ફર પ્રાપ્ત કરવા માટે આવી જ ઘાતકી અને હીન લીલાઓ આચરવામાં આવે છે. હાલમાં સરકાર દ્વારા પ્રોત્સાહન પ્રાપ્ત કરી રહેલાં સસલાંનાં ઉછેર કેન્દ્રો વાસ્તવમાં તેઓને મૃત્યુ તરફ ધકેલવાનાં કેન્દ્રો જ બની ગયાં છે.
નાનાં સસલાંઓને અમુક કદનાં પાંજરામાં રાખવામાં આવે છે અને તેઓનાં શરીર પરથી વાળ ઉતારી લેવાયા બાદ તેઓની હત્યા કરવામાં આવે છે. સસલાનાં વાળ લોહીવાળા ન બને એ માટે કેટલી વખત તેઓને ગૂંગળાવીને મારી નાખવામાં આવે છે.
શું તમને હાથી દાંતની બંગડીઓ પહેરવાનું ગમે? મહાકાય હાથીનો વધ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે મૃત્યુ પામેલા હાથીના શરીર પરથી તેના દાંતને કાઢી શકાય છે. આથી હાથી દાંતનો ગેરકાયદે રીતે વેપાર કરનારાઓ હાથીના માર્ગમાં મોટા-મોટા અણીદાર ખીલાઓ ઠોકી બેસાડે છે અને ત્યારબાદ તેને કોઈપણ ચીજ ખાવા માટે લલચાવી આવા રસ્તા પરથી દોડાવાય છે. ખીલાવાળા માર્ગ પર દોડવાને કારણે હાથીના પગમાં ઊંડા-ઊંડા ઘા પડી જાય છે અને તેથી થયેલા ગેંગરીનને કારણે તે મૃત્યુ પામે છે અથવા તો ઝાડ પર ઝેરી ફળોને લટકાવી હાથી તેનાં મનગમતાં ફળો ખાય ત્યાં સુધી રાહ જોવામાં આવે છે. આવાં ફળ ખાધા પછી હાથી મૃત્યુ પામે છે. આખા વિશ્વમાં હાથીદાંત વેચવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ભારતમાં પણ આવો પ્રતિબંધ લાગુ પડતો હોવા છતાં આપણને હાથી દાંતની ચીજવસ્તુઓ કોઈપણ ભોગે જોઈએ છે. તેથી વિશાળ કદના હાથીનો વધ કરવાની પ્રવૃત્તિ અટકતી નથી. હાથી કુદરતી રીતે મૃત્યુ પામે પછી તેના દાંત કાઢી લેવાય એ સામે કોઈ વાંધો નથી. પરંતુ જલ્દી પૈસા કમાવતાં તંદુરસ્ત હાથીને અકાળે મારી નાંખી દાંત ખેંચી કાઢવા એ નર્યું ઘાતકીપણું છે.
પ્રાણીઓનાં વાળમાંથી બનાવેલા શેવંિગ બ્રશ, વાળ ઓળવા માટેના બ્રશ, બુટ પોલીશ બ્રશ, આઈ લાઈનર અને રોલ બ્રશનો તમે ઉપયોગ કરો છો. મોટા ભાગના કિસ્સાઓમાં પ્રાણીઓ જ્યારે જીવતાં હોય છે ત્યારે જ તેઓનાં શરીર પરના વાળ ઉતારી લેવામાં આવે છે. દાઢી કરવા માટે વપરાતાં શેવંિગ બ્રશ માટે ડુક્કરનો ભોગ લેવાય છે. નાના બાળકની જેમ આ પ્રાણીઓ પણ આક્રંદ કરતાં હોય છે.
આમ છતાં નિર્દય રીતે તેઓ પર આવી લીલાઓ આચરવામાં આવે છે. ઉપર જણાવેલી ચીજવસ્તુઓમાંથી એક પણ ચીજવસ્તુ તમારા આરોગ્ય કે ખુશી માટે અગત્યની નથી. આવી ચીજવસ્તુઓના વિકલ્પો પણ શોધાયા છે. કેટલીક કંપનીઓ પ્રાણીઓનો ભોગ લીધા વિના ફૂલો, છોડવા અને વૃક્ષોનો ઉપયોગ કરી સૌંદર્ય પ્રસાધનોની ચીજવસ્તુઓ બનાવે છે.
-રાગિણી
-Gujarat Samachar