20120913

સૌંદર્યવર્ધક સંતરાં



દ્રાક્ષ પછી રસમધુર ફળોમાં બીજે નંબરે લીંબુની જાતના સંતરા આવે છે. સંતરા ઉર્ફ નારંગી એ પ્રકૃતિનું મહત્ત્વપૂર્ણ અને બહુમૂલ્ય ફળ છે. લીંબુની માફક સંતરા કે એ કેવળ વિટામીન સી થી જ ભરપૂર નથી, બલ્કે એમાં સાકરની માત્રા પણ ભરપુર છે. સંતરા પીળી છાલવાળા રેસાદાર અને રસાદાર ફળ છે. લીંબુ વંશના બીજા ફળો જેવા કે માલ્ટા, મોસંબી, ગ્રેફ્રૂટ વિગેરે કરતાં સંતરાનું ઉત્પાદન વધારે છે.
ભારતમાં નાગપુરના સંતરા ખૂબ જાણીતા છે. નાગપુરની આબોહવા, જળ, વાયુ અને જમીન સંતરાની ખેતી માટે અત્યંત અનુકૂળ છે.
વનસ્પતિ શાસ્ત્રીઓ તેને નારંગક કહે છે. જો કે આમ આદમી તેને નારંગીના નામથી જ ઓળખે છે. એની અંદરના મુલાયમ અંશમાં સાકર રહેલી હોય છે. સંતરાની છાલનો બહારનો ભાગ નાની ગ્રંથિઓનો બનેલો હોય છે. આ ગ્રંથિઓમાં ઉડી જાય એવું તેલ હોય છે. જેમાંથી સુગંધી પદાર્થ બનાવવામાં આવે છે. સંતરાના રસમાં સાઈટ્રીક એસિડ અને ખનીજ લવણ (મીનરલ સોલ્ટ) હોય છે. આ બધા ઘટકોને લીધે સંતરાની ગણના બહુમૂલ્ય આહારમાં થાય છે.
આહાર વિજ્ઞાનીઓનું કહેવું છે કે દરરોજ એક ગ્લાસ સંતરાનો રસ જો તમે પીઓ તો તમારું આયુષ્ય લંબાય.
વિટામીન ‘સી’ માં રોગો સામે લડવાની ક્ષમતા હોય છે. આ વિટામીનની ખામી સંતરાના સેવનથી દૂર થાય છે. પંજાબમાં ગળાને સંગ કહેવામાં આવે છે. તેથી ગળાને તર અથવા ભીનું રાખતા ફળને સંતરા કહે છે. પંજાબના લોકોમાં આજે પણ સંતરાનોે રસ ખૂબ લોકપ્રિય છે.
સંતરા એક સ્વાદિષ્ટ ફળ તો છે જ ઉપરાંત તેના ઔષધીય ગુણો પણ ઘણા છે. વળી તેનું વ્યવસાયિક મૂલ્ય પણ ઓછું નથી.
સંતરામાં કુદરતી મીઠું ઘણા પ્રમાણમાં હોવાને લીધે સ્વાભાવિક રીતે જ તે રેચકનું કામ કરે છે. અને કબજિયાત દૂર કરે છે તે લોહીને શુદ્ધ કરે છે અને કલેજાને ઠંડક પહોંચાડે છે.
ગરમીથી માથાનો દુઃખાવો થતો હોય તો સંતરા ચૂસવાથી ફાયદો થાય છે. મોટે ભાગે ડોક્ટરો પણ પિત્ત ઉપર સંતરાની સલાહ આપે છે. સંતરા ચૂસવાથી ઉલ્ટી બંધ થાય છે. મૂત્રને લગતી કોઈ તકલીફ હોય તો તે પણ સંતરાથી મટે છે.
વ્યવસાયિક રૂપે પણ સંતરામાં અનેક ગુણ છે. તેની છાલ કેક, પેસ્ટ્રી વિગેરેમાં સુગંધ લાવવાના કામમાં આવે છે. છાલને સૂકવીને સાચવી રાખવાથી અને ચ્હામાં નાખવાથી સુગંધ આવે છે. ચ્હા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે.
સંતરાની છાલને સૂકવીને તેમાંથી પાવડર બનાવવામાં આવે છે. તે પછી તેમાં બીજા દ્રવ્યો મેળવીને દંતમંજન બનાવાય છે. રસ કાઢી લીધા પછી વધેલા કુચામાંથી જામ બનાવવામાં આવે છે. તેમજ કેટલીક જાતના દારૂ બનાવવામાં માટે પણ તેનો ઉપયોગ થાય છે. સંતરાની તાજી છાલ મોં ઉપર ઘસવાથી મોં ઉપર ચમક આવે છે. અને ખીલ મટે છે. ચહેરાની ચિકાશ દૂર થાય છે અને રંગમાં નિખાર આવે છે.
ફળ તરીકે સંતરા તો શ્રેષ્ઠ છે જ, પણ તેનું લાકડું પણ ખૂબ કામનું છે. તેનું પીળા રંગનું લાકડું બહુ કઠણ હોય છે. તેના ઉપર નકશીકામ બહુ સરસ થાય છે. મજબૂત કબાટ બનાવવામાં પણ તેનું લાકડું કામ લાગે છે. સંતરાના ઝાડની ડાળમાંથી સોટી બને છે. આમ નારંગી અનેક ગુણોથી ભરપૂર છે.
-ઈશિતા


-Gujarat Samachar