20120913

વાળ વિશેની માન્યતાઓ અને ખુલાસાઓ..

વાળ આપણી સુંદરતામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. સાહિત્યકારો અને કવિઓ પોતાની રચનામાં કેશને આગવું સ્થાન આપે છે. પ્રેમિકાનો કેશ કલાપ જોઇને પ્રેમીનું હૃદય ધબકારો ચૂકી જાય છે અને તેના સંયમના બંધ તૂટી પડે છે. જો કે આધુનિક યુગમાં લાંબા વાળ કરતાં ટૂંકા અને સ્ટાઇલમાં કપાવેલા વાળની બોલબાલા વધુ જોવા મળે છે. આ સાથે જ વાળ સંબંધિત અનેક માન્યતાઓ અને સમસ્યા પણ પ્રવર્તે છે. જેમ કે વાળને દરરોજ ધોવાથી તે ઉતરી જશે અને ટાલ પડશે. વાળની ઝડપી વૃધ્ધિ માટે તેને નિયમીત ધોરણે ટ્રીમ કરવા જોઇએ. આવી કેટલીક વાતોમાં આપણે વિશ્વાસ પણ ધરાવીએ છીએ .જો કે નિષ્ણાતો કહે છે કે ઘણી વાતો પાયા વિહોણી છે અને તેને ટેકો આપે તેવા વૈજ્ઞાાનિક પુરાવા નથી .આથી લોકો જે પણ કહે તે વિશે નિષ્ણાતો શું કહે છે તે જાણી લેવું જોઇએ. માત્ર સાંભળેલી વાતો પર વિશ્વાસ મૂકવો નહિ. આજના લેખમાં આવી જ કેટલીક માન્યતાઓના ખુલાસા કરવામાં આવ્યા છે.
*શેમ્પૂ કર્યા બાદ બધાએ કન્ડિશનર વાપરવું જ જોઇએ.
હકીકતઃજો તમારા વાળ તૈલી હોય તો તમને શોમ્પૂની જરૃર નથી. ઊલટુ ં આનાથી તમારા વાળમાં તૈલી તત્વનો ઉમેરો જ થશે. તૈલી વાળ ધરાવનારે કન્ડિશનર વાપરવું નહિ. તેના બદલે નરીશિંગ હેર પેક લગાડવો.
*એક દિવસમાં કાંસકાના ૧૦૦ સ્ટ્રોક મારવાથી વાળ મજબૂત અને ચમકીલા થાય છે.
હકીકતઃવાળમાં કાંસકો ફેરવવાથી તમારા માથામાં રહેલું કુદરતી તેલ સરખી રીતે પ્રસરે છે.વાળને વધુ પડતાં ઓળવાથી તે તૂટશે. વાળની ગૂંચ કાઢવા માટે બોલ ટીપ દાંતા ધરાવતો કાંસકો વાપરવો.
*હેર પ્રોડકટ વાપરવાથી બે મોઢાળા વાળની સમસ્યા દૂર થાય છે.
હકીકતઃહેર કેર પ્રોડકટથી વાળ એકબીજા સાથે ચીપકેલા રહે છે એટલે કામચલાઉ ધોરણે તેના બે મોઢા દેખાતા નથી. જયારે તમે વાળ ધોશો ત્યારે તે હેર પ્રોડકટ ધોવાઇ જશે અને બે મોઢાળા વાળ દેખાશે. બે મોઢાળા વાળ કાપવાથી જ દૂર થાય છે.
*દરરોજ વાળ ધોવાથી તે વધુ ઉતરે છે.
હકીકતઃતમે રોજ વાળ ધુઓ કે ન ધુઓ પણ ૧૦૦ વાળ તો ઉતરશે જ .જો તમે ત્રણ દિવસ પછી વાળ ધોશો તો તમારા ૩૦૦ વાળ ઉતરશે. લાંબો સમય વાળ નહિ ધુઓ તો તમારા માથામાં રહેલા તૈલી ગ્રંથિના છિદ્રો પુરાઇ જશે અને ઇન્ફેકશન થશે.
* વાળ ટ્રીમ (નીચેથી થોડા કાપવાથી) કરવાથી તે ઝડપથી વધે છે.
હકીકતઃદર થોડા સમયે વાળ ટ્રીમ કરવાથી બે મોઢાળા વાળની સમસ્યા દૂર રહેશે પરંતુ તેના લીધે વાળ ઝડપથી વધશે કે તે મજબૂત બનશે એવું નથી.
*સારા શેમ્પૂમાં ફીણ વધુ વળે છે.
હકીકતઃફીણને શેમ્પૂની ગુણવત્તા સાથે કોઇ સંબંધ નથી. વધુ ફીણથી વાલ વધુ સારા સ્વચ્છ થાય છે એવું પણ નથી.
*શેમ્પૂ અને કન્ડિશનર બંને હોય તેવું ઉત્પાદન વધુ સારું.
હકીકતઃશેમ્પૂ અને કન્ડિશનર ભિન્ન ભિન્ન ભૂમિકા ભજવે છે. શેમ્પૂ વાળને સ્વચ્છ કરે છે જયારે કન્ડિશનર વાળની સ્નિગ્ધતા જાળવે છે. આ બંને ઉત્પાદનનું કામ અલગ અલગ હોવાથી તેને ભેગા કરવા ઉચિત નથી.
*એકના એક શેમ્પૂને વાપરવાથી લાંબે ગાળે તેની અસર થતી નથી.
હકીકતઃદર થોડા વખતે શેમ્પૂ બદલવાની સલાહ આપવામાં આવે છે કારણકે એમ માનવામાં આવે છે કે સમય જતાં શેમ્પૂ બિનઅસરકારક બને છે. જો કે આ વાત પુરવાર કરે તેવો વૈજ્ઞાાનિક પુરાવો નથી. તમને જે ઉત્પાદન માફક આવતું હોય તે અસર કરતું બંધ થઇ જાય એવું કોઇ દેખીતું કારણ હોતું નથી.
*મહેંદી વાળ માટે સારી છે.
હકીકતઃબજારમાં મળતાં મોટાભાગના મહેદી પાઉડરમાં કૃત્રિમ રંગ હોય છે. આ રંગમાં નુકસાનકારક રસાયણ હોય છે જેથી વાળ શુષ્ક અને બરડ થઇ જાય. જો ખરેખર મહેંદી લગાડવી હોય તો તેના પાનને વાટીને તેની પે સ્ટ બનાવી લગાડવી.
*માથામાં તેલ નાંખીને રાખવું.
હકીકતઃમાથામાં તેલેનો મસાજ કરવાથી રુધિરાભિસરણ વધે છે અને શાંતિની અનુભૂતિ થાય છે. આમ છતાં લાંબા સમય સુધી વાળમાં તેલ લગાડી રાકવાનો વિચાર યોગ્ય નથી. તેલને કારણે વાળને ઓક્સિજન મળતો નથી . આથી વાળ ખરે છે માટે વાળને સરખી રીતે ધોવા જરૃરી છે.


-Gujarat Samachar