20130817

વિધ્યા-વિશાલ ('અમદાવાદ સફારી' સંગ્રહમાંથી)

 સમીર માઈક્રોવેવ ઈજનેરીમાં જરૂરી કામ પતાવી પોવાઈ માર્કેટ છોડ્યું ત્યારે કાંડા ઘડીયાળ રાતના સાડા સાત સુચવી રહી હતી.રિટર્ન ટ્રેન બાંદ્રા-ભાવનગરનો ડિપાર્ચર સમય રાતના ૧૦ વાગ્યા નો સાંભરતા મેં રિક્ષા રોકવા ઊતાવળે પગ માંડ્યા. વહેલી સવાર અમારા આગમન સમયથી જ ઝરમર ધારે પધરામણી કરેલ મેઘરાજા હવે વિકરાળ રૂપ ધારણ કરી ચુક્યા હતા.'કહીં બુંદો કા જરના કહીં ઝરનો કા બહેના' બુંદોની છમ છમ એ વ્હિકલના પો-પો સાથે અજબ સુગમ સાધી સંગીત રચ્યું હતું.રસ્તા પર ચહેરાનુ વૈવિધ્યને રૂપનો નિખાર છતરીમાં ઢંકાઈ ગયો હતો. ધીમી માદક ગતીથી ચાલતી ગુલાબી છત્રીઓ સાથે કાળી ઊતાવળે ડગલે ઘસાતે જતી છત્રીની ફિઝા સ્પર્શના શોર્યે ફુલાતી.મ્યુનસિપલ બસે રોડ પર ચાલવાનું છોડી તરવા માંડ્યુ હતુ. નાળાઓ પાણીમા ગરકાવ થઈ ગયા હતા.હાર્બર લાઈન બપોરથી જ થંભી ગઈ હતી.સુરજ ઢળતા વેસ્ટર્ન પણ ઘુટણીયે પડી જેનો સ્પષ્ટ પ્રત્યાઘાત રિક્ષાવાળાના શબ્દો પર પડ્યો. 'મિટર સે ડબલ લેગા મેં ઔર દાદર વેસ્ટ તક નહી જાયેગી ભાઈગંજ સર્કલ ઊતરના પડેગા'.મજબુરી બીજુ કાંઈ કરે ન કરે સમાધાન કરતા શિખવી દે છે એવુ મેં મનોમન અનુભવ્યું. ખૈર મારા માટે ચિંતનનો વિષય રિક્ષાવાળો ન હતો ન મુબંઈનો વરસાદ ન ટ્રેનનો સમય ચિંતા હતી તો બસ...'વિશાલ.. ઈડીયડ પીક અપ ધ કોલ' બળાપો કાઢી મેં ફરી એક વાર નંબર ડાયલ કર્યો.
     વિશાલ શાસ્ત્રીની વાત કરુ તો ગામના પ્રખ્યાત રામજી મંદિરનાં પુજારી શાસ્ત્રીજીનો દિકરો.મંદિરની આવક ઊપરાત પિતા છ દુધણી ગાય અને ૬૦ વિઘાના માલીક.એકના એક ગ્રેજ્યુટ પુત્ર માટે પિતાએ બાજુના ગામના પંડીતની દિકરી સાથે વિવાહ નક્કી કર્યા હતા. તડામાર તૈયારીઓ વચ્ચે સગા-સબંધીયો ઊપરાંત ગામના દરેક ઘરે કંકોત્રી  વહેંચાઈ ગઈ હતી.બાકી હતી તો માત્ર એક ઘરે પરણીને મુંબઈમાં સ્થાઈ થયેલી બહેન વિધ્યાના સાસરે.જો કે વિધ્યાને કંકોત્રી આપવાનો નિર્ણય પણ કુટૂંબના સભ્યોની અનેક બેઠક,ચર્ચા વિચારણા અને સર્વસંમતિ બાદ નીકળેલો.
     ૧૯૯૯ માં જ્યારે ભાનુશંકર શાસ્ત્રીજી એ વિધ્યાને અમદાવાદમાં એકલા રહી કોલેઝ કરવાની સંમંતી આપી ત્યારે શાસ્ત્રીજી નો નિર્ણય બે અલગ અલગ સ્ત્રી શિક્ષાના હિમાયતી મુખે ગવાતો અને વિપરીત મુખે વગોવાતો છતા ત્રણ ભાઈઓ વચ્ચે એક જ ઘેર જન્મેલી લક્ષ્મી માટે શાસ્ત્રીજી ને વહાલ અને પોતાના સંસ્કાર સિંચન પર વિશ્વાસ હતો.'વિશ્વાસ વફાદારી માંગે' થી અજાણ કોલેઝ ધરમ્યાન વિધ્યા પરજ્ઞાતીના યુવાન સાથે પ્રેમમાં પડી. રૂઢી ચુસ્ત પરિવાર બીજી જ્ઞાતીના યુવાન સાથે લગ્ન કરવાની સંમતી ક્યારેય નહીં આપે એમ વિચારે ફાઈનલ એક્ઝામ બાદ વિધ્યાએ અનિરુધ્ધ સાથે કોર્ટ મેરેઝ કર્યા. અઠળક મિલકતનાં માલીક મુબંઈ નિવાસી કોન્ટ્રાકટરના પુત્ર અનિરુધ્ધની મર્સિડીઝમાં જ્યારે નવ વિવાહીત સજોડે પિતાના આશિર્વાદ લેવા આવ્યા ત્યારે પહેલી વાર મર્સિડીઝના આગમને ગામ ટોળે વળ્યું પણ શાસ્ત્રીજીના પરિવારની હાલત અલગ જ હતી. ગામનાં પુજારી, વગદાર બ્રાહ્મીણ વહાલસોયી પુત્રીને પર જ્ઞાતીના યુવાન સાથે જોઈ લોક લજ્જા ને વિશ્વાસધાત ના દોષે હ્રદય ઘાતથી મુર્છા ખાઈ ઢળી પડ્યા. શોકાતુર પરિવાર જનો એ વિધ્યાને કંઈ કેટલી ખરી ખોટી સંભળાવી પરિવારમાં થી બેદખલ કરી અને એ સાથે ૨૧ વર્ષના સબંધ પર એક મિનિટમાં જ પુર્ણ વિરામ લાગી ગયું.વિશાલની ઊંમર એ સમય ૧૪ એક વર્ષ. પિતા અને પરિવારની હાલત જોઈ આઘાત અનુભવેલ તરૂણ વઈમાં ડગ માંડવા જઈ રહેલા માનસે બહેન પ્રત્યે તિરસ્કાર અને ધ્રૂણા ઊદ્ભવી. ત્યારથી લઈ લગભગ આઠ વર્ષ સુધી વિશાલ કે પરિવારના કોઈ સભ્ય એ વિધ્યાને મળવાનો કે વાત સુધ્ધા કરવાનો પ્રયત્ન  ન કરેલ. ક્યારેક મુંબઈથી વતન ફરતા શેઠીયાઓ પાસેથી દિકરીની જાહો જલાલી અને વૈભવ વિષયે જાણવા મળતું કે વિરહનો આઘાત અનુભવી રહેલા કુટૂંબી જનો ને મને-ક-મને દિકરીનુ સુખ સાંભળી ટાઢક વળતી.અંતે સમય મરહમનુ કામ કરે છે એ ન્યાયે પરિવાર જનો એ રંજીશ ભુલાવી વિધ્યાને વિશાલના લગ્નમાં નોતરવાનું નક્કિ કર્યું અને એ માટે સાસરામાં દિકરીના રૂતબાનો ખ્યાલ કરી વિશાલને પોતે જ આમંત્રણ લઈ મોકલવામાં આવ્યો.
     આગલે દિવસ રાત્રીએ જ્યારે અમારી ટ્રેન કાલુપૂર જંક્શનથી ઊપડી ત્યારથી વિશાલની આંખોમાં મિલન ની ઝંખના નો તરવટા હું જોઈ શકતો છતા શબ્દો પર હજી અહંમ હાવી હતો.
     'વિધ્યા સ્વાર્થીતો છે જ કેમ ? તારુ શું માનવું છે...એ શુ વિચારતી હશે કે પિતાજી ગમે તેવો છોકરા સાથે વગર વિચાર્યે તેને પરણાવી દેત...વધુ પડતી છુટનુ જ પરિણામ આવ્યુ.' આઠ વર્ષ વિતવા છતા વિધ્યા જાણે કાલે જ ઘર છોડી ગઈ હોય એવો બળાપો વિશાલના શબ્દોમાં ઝળકતો 'આઈ ટેલ યુ હા દુનિયા ભલે ગમે તેટલી આગળ વધે સરકાર ગમે તેટલી સ્ત્રી શિક્ષાની પીપુડી વગાડે પણ છોકરીઓ ઘરે જ સારી.' થોડી વાર અટકી વળી પાછો આગળ વધતો, '...ને પૈસાનો ઘમંડતો જુઓ આઠ વર્ષ થઈ ગયા ક્યારેય મળવાનો...મળવાનો છોડ ફોન કરી ખબર અંતર પુછવાનો પ્રયત્ન નથી કર્યો.' પછી નિસાસો નાખી ધીમેથી અણગમો પ્રગટ કરતો, 'હું તો બંગલાની બહાર વોચમેનને જ કંકોત્રી આપી આવતો રહેવાનો છું સ્વાર્થી માણસોથી દુરી જ સારી.' વિશાલનાં શબ્દમાં ગુસ્સાથી વધુ અકળામણ ની ઝાંખી થતી હતી.મેં મનોમન અનુભવ્યું, એવુ ન હતુ વિશાલ વિધ્યાને પ્રેમ ન હતો કરતો બસ દુખી હતો લાંબા સમયના વિરહ, વિધ્યાનુ નમતુ મુકી ઘેર પાછા ન ફરવાના વલણને લઈને.
     'દેખો સા'બ દાદર સ્ટેન્ડ તક પહોંચા દિયા અબ આપકો જો સમજ કે દેના હૈ દે દો' શબ્દ એ મનોમંથન પર રોક લગાવી.ઝરમર મેઘે પલળવાથી બચી,વિશાલનો વિચાર બાજુ પર મુકી હું ઊતાવળે ડગલે રિક્ષાવાળાને ૧૦૦ની નોટ પકડાવી  ટ્રેનની સ્થિતી જાણવા ઈન્ક્વાયરી કાઊન્ટર પર પહોંચ્યો. પાછા વળતી વેળા ખુશી બેવડાયેલી હતી કારણ એક તો ટ્રેન નિર્ધારીત સમયે જ ઊપડવાની હતી અને બીજી ફ્રંટ રો માં બાકડા પર બેસી વેઈટ કરી રહેલા વિશાલ પર મારી નજર ફરી ચુકી હતી.
     બાકડા પાછળથી જ ફટકાર લગાવતા મેં કહ્યું 'શું વાત છે વહેલો પહોંચી ગયો ને કાંઈ...વોચમેન ને જ પકડાવી ભાગી આવ્યો કે શું ? ને ફોન કેમ નથી ઊઠાવી રહ્યો ક્યારનો કોલ કરૂ છુ?.' મારા સવાલના જવાબમાં વિશાલની અફર સ્થિતી જોઈ હું અકળાયો.બાકડા પાછળથી સામે આવી વિશાલ તરફ જોયુ તો ઢાળેલી નજરો માં રતાશ પણુ કોઈ ઘાવની સાક્ષી પુરી રહ્યો હતો. બે વખત પુછવા છતા કોઈ જવાબ ન મળતા મેં વિશાલને ખભ્ભા પકડી હલાવ્યો થોડી વાર મારી સામે કોઈ અજાણ્યાની જેમ જોઈ રહ્યા બાદ 'ઘણી મોટી ભુલ થઈ ગઈ મારાથી' શબ્દ સાથે વિશાલની આંખોમાંથી દડ દડ આંસુ વહી રહ્યા.ટ્રેન ઊપડવાની વ્હીસલ સંભળાતા મહામુસીબતે વિશાલને ઊભો કરી ટ્રેનમાં પહોંચાડ્યો કોઈ ગંભીર બાબતના દબાણે અમારા બન્ને માંથી કોઈના પગ સિટ પર બેસવા આગળ ન વધ્યા એટલે અમે ટ્રેનનાં દરવાજા પર જ અટક્યાં.ત્રીજી વ્હીસલના અવાજ સાથ ટ્રેને ધીમી ગતીએ ચાલવાની શરૂઆત કર્યા બાદ ચુપકી તોડી સ્વસ્થતા ધરી વિશાલે મને દિવસ દરમ્યાનનો સંપુર્ણ ઘટના ક્રમ કહી સંભળાવ્યો...    
     અંધેરીથી છુટા પડ્યા બાદ મેં પારનેલ માટેની બસ પકડી જેમ જેમ બસ આગળ વધી રહી હતી તેમ તેમ મારી અકળમાણ વધી રહી હતી અને ધીરજ જવાબ આપી રહી હતી.જેની સાથે જીવનનાં ૧૫ વર્ષ ગાળ્યા એ બહેન મળશે ત્યારે શું કહેવુ એ મને સમજાતુ ન હતું. બીજી દ્વીધા એ હતી પારનેલ ઊતરી ફૈબાએ આપેલ નંબર પર વિધ્યાને કોલ કરવો કે જાતે શોધ આદરવી.પણ ઘણા બધા સવાલોનું સમાધાન પારનેલ સ્ટોપ પર જ રાહ જોઈ રહ્યુ હતુ. બસ સ્ટોપ પર પગ મુકતા જ મને 'વિશાલ... વિશાલ' નો પુકાર સંભળાયો.અવાજની દિશામાં ફરી જોયુ તો રોડના સામે છેડે મેલી ફાટેલી સાડી વિટાળેલી કોઈ સ્ત્રી હાથના ઈશારા વડે રસ્તો ક્રોસ કરવા સુચવી રહી હતી. સૌથી પહેલો જ સવાલ એ ઊદ્ભવ્યો એ સ્ત્રી કોણ હતી...વિધ્યા ?...શક્ય જ નથી...કદાચ એણે કોઈને લેવા મોકલી હશે...પણ તો પછી આટલે દુરથી મને કઈ રીતે..? જેમ જેમ અંતર ઘટતુ ગયુ ગયુ તેમ તેમ ઓળખાણ વધતી ગઈ.સાચુ કહું દોસ્ત મેં જ્યારે પણ વિધ્યાને વિચારી તો મને લાલ સાડીમાં સજ્જ કોઈ ગ્રૂહીણી મર્સિડીઝમાંથી ઊતરતી દેખાતી...પણ આ એ વિધ્યા ન હતી.મારા અકળામણને પામી ગયેલી વિધ્યાએ જ ગળે વળગી શક્ય એટલી સ્વસ્થતા ધરી કહ્યું...,'શું વાત છે ઘણો બદલાઈ ગયો...યુ આર લુકિંગ ડેસીંગ યંગ મેન.' હું પણ ઘણુ કહેવા માંગતો હતો ગળે મળી પ્રેમ આપવામાં માંગતો હતો,માથે હાથ મુકી સાંત્વના આપવા માંગતો હતો.ખોરવાયેલા ચહેરાનો નિખાર અને આંખ ફરતે કાળા કુંડાળાનુ કારણ પુછવા માંગતો હતો પણ અહંકાર નિચે દબાયેલો માત્ર એટલુ જ બોલી શક્યો.. 'સમય પણ ઘણો થયો ને.'
     પારનેલ સ્ટેશન પર તો દરીદ્રતાની પહેલી ઝલક હતી જ્યારે રિક્ષા અમને બન્ને ને લઈ પોશ એરિયામાંથી સ્લમમાં પ્રવેશી ત્યારે મારી નજર સમક્ષ એક રૂમ રસોડાનુ ઘર હતું મિલકતના નામે અભરાઈ પર ચાર જોડ થાળી વાટકા,બે ટીનના ડબ્બા અને પાણીનો ગોળો. એટલામાં વિધ્યાના એક અવાજ 'ધ્યાના બેટા જો તો કોણ આવ્યું છે'  છ વર્ષની બાળા પહેલી વાર મામા ને જોઈ દોડી વળગી પડી એ જ માસુમ ચહેરો,એ જ નિખાલસ સ્મિત જે ક્યારેક વિધ્યાના ચહેરા પર રહેતું. થોડી વાર અટકી સમગ્ર વાત દરમીયાન પહેલી વાર વિશાલે મારી નજર સાથે નજર મેળવી ભાવવિભોર બની કહ્યું... 'મારે છ વર્ષની ભાણી છે...ધ્યાના.' જાણે કે આઠ વર્ષ બાદ વિધ્યાનો ભાઈ હોવાનો અહેશાસ જાગ્રત થયો હતો.
     વાત આગળ વધારવા કે પછી વિધ્યાની દશાનુ કારણ જાણવા મારાથી પુછાઈ ગયું,'અનિરુધ્ધ કુમાર ?' ઉંડો નિસાસો નાખી વિશાલે વાત આગળ વધારી અમારા જેમ કુમારના પિતાએ પણ લગ્ન નામંજુર રાખ્યા.ગુસ્સો શાંત થઈ ફરી પુત્રને સ્વિકારે એ પહેલા જ એમનુ અકાળે અવશાન થયું બન્ને ભાઈઓ એ કપટથી અંતિમ સમયે બધી જ જાયદાદ પોતાના નામે ફેરવી અનિરુધ્ધકુમારને બેદખલ કર્યા.લગ્નનાં બે વર્ષ બાદ માનસીક આઘાતને લીધે એમને બોન એટેક આવ્યો અને લગભગ ૭૦ ટકા શરીર પેરેલાઈઝ બન્યું.અત્યારે પણ અનિરુધ્ધ કુમારની એ સ્થિતિ મારી નજર સમક્ષ તરવરે છે જ્યારે હું ઓરડામાં ઠાળેલા ખાટલા પર એમને મળવા ગયો ત્યારે મહા મુસીબતે બન્ને હાથ જોડી મને નમસ્કાર કર્યા.ભીની આંખે કરાયેલા એ નમસ્કાર મને ઘણું બધુ કહી રહ્યા હતા જાણે કે મારી ભુલની સજા વિધ્યાને ન આપશો... જાણે કે વિધ્યાને તમારી જરૂર છે એ ને બચાવી લ્યો... જાણે કે મારી માસુમ દિકરીને તમારા પ્રેમની જરૂર છે... હું સાચો જ હતો વિધ્યા ખરેખર સ્વાર્થી છે એના સુખમાં તો નહી પણ દુખમાં પણ અમને સહભાગી ન બનવા દિધા.
     મને વિદાય કર્યો ત્યારે 'મમ્મી પપ્પાનુ ધ્યાન રાખ જે... મારી ચિંતા ન કરતો' જેવી સલાહ આપી પછી થોડીવાર અટકી સવાલ કરી બેઠી, '...ફરી આવીશ ને ?' પાછળ કાચમાં મને એકીટશે જોઈ રહેલી વિધ્યા દેખાતી હતી.હું બસ રોકવા માંગતો હતો પણ રોકી ન શક્ય ઘણું બધુ કહેવા માંગતો હતો પણ કહી ન શક્યો મારાથી ઘણી મોટી ભુલ થઈ ગઈ... હે પ્રભુ આઠ વર્ષ સમય પાછો લઈ જા. ભુલ સુધારવાનો એક મોકો દે... વિલાપ અને વિનંતી સભર શબ્દ સાથે વિશાલની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યા.
     જીંદગીમાં ઘણી વાર સમયની સુઈ એવી જગ્યાએ આવી થંભે છે કે સાંત્વના ના દરેક શબ્દ ઓછા પડે છે દરેક ફિલોસોફી અધુરી લાગે છે.મેં એના ખભ્ભા પર હાથ મુકી સાંત્વાના આપવાનો પ્રયત્ન કર્યો.થોડી વાર અમારા બન્ને વચ્ચે શાંતિ છવાઈ રહી. વિશાલ દરવાજાની બહાર ઝડપથી પસાર થતી ઘાટીઓ જોઈ રહ્યા જાણે એની નજર સમક્ષ વિધ્યાએ એકલા વિતાવેલા આઠ વર્ષના દુખોની એક એક પળ પસાર થઈ રહી હતી.થોડી વારે નિરવતા તોડી વિશાલને સાંત્વના આપવાનો મેં છેલ્લો પ્રયત્ન કર્યો 'વિશાલ હજી મોડુ નથી થયું આઠ વર્ષથી કરેલ ભુલનુ વળતર ચુકવવાનો સમય આવી ગયો છે પ્રાયશ્ચીત તો અશક્તને શોભે તારે ભુલ સુધારવાનો પ્રયત્ન કરવો જોઈએ.' ઘનઘોર અંધકાર વચ્ચે વાદળોને ખસેડી ચંદ્રએ ફલક પર દસ્તક દિધી.વિશાલનાં આંસુ ગાલ પર સુકાઈ ગયા હતા સામે છેડેથી મુંબઈ શહેર દુર થતુ દેખાઈ રહ્યું હતું. વિશાલ જાણે એકીટશે મુંબઈ શહેર ને જોઈ વિધ્યાએ છુટા પડતી વેળાએ પુછેલા સવાલનો જવાબ આપી રહ્યો હતો 'બહુ જલદી હું પાછો ફરીશ.' જાણે કે મુંબઈ શહેરને પડકારી રહ્યો હતો હવે મુસીબતમાં વિધ્યા એકલી નહી હોય એનો પરિવાર સાથે ઊભો હશે...    
                                                                                                                             પ્રણવ ત્રિવેદી.