20130403

તદ્દન વિનામૂલ્યે આપતી અનેરી હોસ્પિટલ

તમામ દર્દીઓને ભેદભાવ વિના તમામ સારવાર તદ્દન વિનામૂલ્યે આપતી અનેરી હોસ્પિટલ દેશમાં મોંઘવારી ફાટીને ધુમાડે ગઈ છે. વધતા ભાવો અને ઘટતી આવકના કારણે આમઆદમી સૌથી વધારે મેડિકલ ક્ષેત્રે પીસાય છે. કારણ કે, આ એક જરૂરિયાત એવી છે જેને આર્થિક સ્થિતિ ગમ્મે તેટલી નબળી હોય છતાં કોઈ પણ સંજોગોમાં અવોઈડ કરી શકાતી નથી. ગમ્મે ત્યાંથી પૈસાનો મેળ કરીને મેડિકલ પાછળ જરૂરી ખર્ચ કરવો જ પડે છે. મોંઘી સારવાર ગરીબ માણસની કમ્મર તોડી નાખે છે. ક્યારેક તો અત્યાધુનિક સારવારના અભાવે ગરીબ માનવી અકાળે કાળનો કોળીયો પણ બની જાય છે. ગંભીર બીમારીના સંજોગોમાં બાળકો અને સ્ત્રીઓની હાલત કફોડી બનતી હોય છે. અને એમાં પણ જો કોઈ બીમારી ગરીબ પરિવારના મોભીને ભરખી જાય તો તે પરિવારના બાળકનું ભવિષ્ય અંધકારમય બની જાય છે. તમે પણ આ તમામ હકીકતોથી વાકેફ તો હશો જ. પરંતુ તમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે ગરીબ પરિવારોને આવી નર્કાગાર સમાન પરિસ્થિતિથી બચાવવા માટે ગુજરાતમાં એક પરબ સમાન હોસ્પિટલ ધમધમે છે જ્યાં આવનારા તમામ દર્દીને તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે છે. નાની-મોટી નહીં પણ ગંભીર બીમારીના મોટા મોટા ઓપરેશન પણ કોઈપણ પ્રકારની ફી લીધા વિના કરવામાં આવે છે. અમે વાત કરી રહ્યા છીએ સ્વામી નિર્દોષાનંદજી માનવસેવા ટ્રસ્ટ સંચાલિત નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલની. આ હોસ્પિટલ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબા ગામે અમદાવાદ-અમરેલી હાઈવેને અડીને આવેલી છે. સસ્તી સારવારના અભાવી રિબાતા ગરીબ પરિવારોને ધ્યાનમાં રાખીને પરમહંસ પરિવ્રાજકાચાર્ય સ્વામી નિર્દોષાનંદ સરસ્વતીએ એક એવી હોસ્પિટલ ઉભી કરવાની પ્રેરણા આપી જ્યાં કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ પ્રકારની સારવાર તદ્દન વિનામૂલ્યે આપવામાં આવે. લોકોએ આ વાતને સહર્ષ વધાવી લીધી. આ હોસ્પિટલના બાંધકામ માટે મનુબેન લવજીભાઈ ભીંગરાડીયાએ હાઈવેને અડીને આવેલી એક લાખ ચોરસ ફૂટ જમીન દાનમાં આપી. 2006માં ખાતમૂહુર્ત બાદ જાન્યુઆરી 2011માં 60000 સ્કે.ફુટનું બાંધકામ પૂર્ણ થતા આ સંકૂલ લોકસેવા માટે ખુલ્લુ મુકવામાં આવ્યું. અને ગુરુદેવે હોસ્પિટલમાં આવનાર તમામ દર્દીઓને તમામ સારવાર વિનામૂલ્યે આપવાના નિર્ધારનો પૂનરોચ્ચાર કર્યો. ત્યારથી નિ:શુલ્ક સારવારની પરંપરાનો પ્રારંભ થયો અને આજે રોજ 400-500 દર્દીઓને રોજ સારવાર અપાય છે. નિર્દોષાનંદ હોસ્પિટલમાં દર્દીઓને માત્ર તપાસ, સોનોગ્રાફી, એક્સ-રે, લેબોરેટરી અને તમામ પ્રકારની દવાઓ કોઈપણ ચાર્જ વિના અપાય છે. આ ઉપરાંત દર્દીઓ તેમજ તેમના સગાંઓને ઉત્તમ પ્રકારનું ભોજન તથા રહેવાની સગવડ પણ આપવામાં આવે છે. આ તમામ સુવિધાઓ પણ સંપૂર્ણ નિ:શૂલ્ક અપાય છે. ભારતભરમાં આ રીતે સંપૂર્ણ વિનામૂલ્યે સેવા આપતા ચિકિત્સાલયો ભાગ્યે જ જોવા મળે છે. નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પિટલમાં સારણગાંઠ, એપેન્ડિક્સ, થાઈરોઈડ, ગર્ભાશયના ઓપરેશનો, સ્તન કેન્સર, આંતરડાના ઓપરેશનો તથા સરકમસિઝન સર્ઝરી વિનામૂલ્યે થાય છે. પ્રોફેશનલ હોસ્પિટલોમાં જે ઓપરેશનો એક લાખ રૂપિયા આપતા પણ ન થાય તેવા ઓપરેશનો અહીં એક પણ રૂપિયો લીધા વિના કરી આપવામાં આવે છે. અહીં દર મહિને સરેરાશ 75થી 80 જેટલી પ્રસુતી થાય છે. પ્રસુતી બાદ પ્રસુતાને એક કિટ અપાય છે. જેમાં ચોખ્ખુ ઘી-ગોળ અને લોટ તેમજ શરો કે રાબ બનાવવા માટે ગેસ અને વાસણ હોય છે. આ ઉપરાંત પ્રસુતાને રજા આપતી વેળા શુદ્ધ ઘીની ઔષધિયુક્ત દોઢ કીલો સુખડીનું બોક્સ આપવામાં આવે છે. નિર્દોષાનંદ માનવસેવા હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં નોર્મલ ડિલીવરી, સિઝેરીયનનું ઓપરેશન, ગર્ભાશયની કોથળીનું ઓપરેશન, માટી ખસી ગઈ હોય તેનું ઓપરેશન (Pro-Asse Uterus), સ્ત્રી નસબંધીનું ઓપરેશન(T.L.), ગર્ભાશયની ગાંઠ અને અંડપીંડની ગાંઠ સહિતના ઓપરેશનની સુવિધા અને સેવા આપવામાં આવે છે. જાન્યુઆરી-2011થી ફેબ્રુઆરી-2013 સુધીમાં એટલે કે 26 માસમાં અહીં 1,87,260 દર્દીઓને ઓ.પી.ડી. સારવાર વિનામૂલ્યે આપવામાં આવી છે. કુલ મળીને 3345 ઓપરેશનો કરવામાં આવ્યા છે. તેમજ અન્ય વિભાગોમાં પણ 40998 દર્દીઓને સારવાર આપવામાં આવી છે. આ તમામ સારવાર-સુવિધાઓ ઉપરાંત દર્દીઓને લાવવા-લઈ જવા માટે તદ્દન રાહતદરે એમ્બુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે. તેમજ ઉનાળાના સમયમાં હોસ્પિટલની આસપાસના વિસ્તારના લોકોના આરોગ્યના રક્ષણ માટે છાશકેન્દ્ર ચલાવવામાં આવે છે. તો શિયાળામાં ઉકાળાકેન્દ્ર ચલાવાય છે. આ હોસ્પિટલમાં ઈ.એન.ટી., યુરોલોજીસ્ટ, ફિઝિશિયન, રેડોયોલોજીસ્ટ, ચેસ્ટ ફિઝિશિયન, પેથોલોજીસ્ટ, ઓર્થોપેડિક, પીડીયાટ્રીક, એનેસ્થેટિક, ઓપ્થાલ્મો, આયુર્વેદીક, ઓડિયોમેટ્રી જેવા વિષયના ખ્યાતનામ અને સ્પેશિયાલિસ્ટ ડોક્ટર્સ સેવા આપે છે. નિર્દોષાનંદ માનવસેવા ટ્રસ્ટ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ટીંબા ગામે હાઈવેપર આવેલુ છે. તેનો સંપર્ક ઈ-મેઈલ આઈડી nirdosh@yahoo.com પર સાધી શકાશે.