સ્વતન્ત્રતા, પરાવલમ્બન અને અંકુશની વૃત્તી
67 માં સ્વાતંત્ર્ય દીવસે હાર્દીક શુભેચ્છાઓ…..
–મુરજી ગડા
જ્યારે સ્વતન્ત્રતાની વાત આવે છે ત્યારે સામાન્ય રીતે એને રાજકીય સ્વતન્ત્રતા વીશે હોવાનું માની લેવાય છે. એ હવે ભુતકાળની વાત થઈ. એ મળી ગઈ અને હવે ક્યાંય જવાની નથી.
ગુલામીનાં બન્ધનોમાંથી મુક્ત થવું એ એક વાત છે અને સ્વતન્ત્રતાનો અનુભવ કરવો એ બીજી વાત છે. બન્ધનમુક્ત થયેલું પક્ષી તરત જ પોતાની સ્વતન્ત્રતા માણવા ઉડી જાય છે. ગાય, ભેંસ, કુતરા જેવાં પ્રાણી ફરી ફરી બંધાવા પાછાં આવે છે. એને ‘વફાદારી’ કહેવાય કે ‘પરાવલમ્બન’ એ બધાની પોતાની વીચારસરણી પર આધાર રાખે છે.
આપણે અહીં વાત કરવી છે વ્યક્તીગત સ્વતન્ત્રતાની. ‘પશુવૃત્તી’ નહીં; પણ ‘પક્ષીવૃત્તી’ કેળવવાની. વ્યક્તીગત સ્વતન્ત્રતા એટલે વીચારવાની અને આચરવાની સ્વતન્ત્રતા. બીજાના દોરવાયા નહીં; પણ પોતાની સમજ અને નીર્ણયથી આચરણ કરનારા સ્વતન્ત્ર કહેવાય છે. આ સ્વતન્ત્રતા બધાનો જન્મસીદ્ધ હક છે અને પોતાની જાત પ્રત્યેની ફરજ પણ છે.
સાથે સાથે પોતાને કે બીજા કોઈને કોઈપણ જાતની હાની ન પહોંચાડવાની જવાબદારી પણ આવી જાય છે. આપણા આચરણથી કોઈને પણ હાની થતી હોય તો તે સ્વતન્ત્રતા નહીં; પણ સ્વન્ત્રતાને નામે ગુનો છે.
સ્વતન્ત્રતાનું મહત્ત્વ બધા માટે અલગ હોય છે. કોઈ નજીવા લાભ માટે એમાં બાંધછોડ કરતા હોય છે; જ્યારે કેટલાક બાંધછોડ કરવાને બદલે ઘણી અગવડ ઉઠાવવા તૈયાર હોય છે. જાત હોમવાના પણ છુટાછવાયા કીસ્સા નોંધાય છે. સ્વતન્ત્રતા સહેલાઈથી મળતી નથી. એની આકરી કીમત ચુકવવી પડે છે.
સ્વતન્ત્રતાના અભાવનું પરીણામ એટલે દેખાદેખી અને પરાવલમ્બન. ઘણા લોકો સ્વતન્ત્રતાના અભાવથી એટલા ટેવાઈ ગયા હોય છે કે નાની એવી બાબત પર સ્વતન્ત્ર નીર્ણય કરી શકતા નથી. બીજાએ જે કર્યું એ આપણા માટે પણ સારું હોવું જરુરી નથી. આપણામાં આ સ્વતન્ત્ર વીચારસરણી ધન્ધા–વ્યવસાયમાં ઘણી પ્રસરી છે. અન્ય ક્ષેત્રોમાં આપણે હજી ઘણા પાછળ છીએ.
સ્વતન્ત્રતાની સૌથી મોટી વીરોધી છે ‘અંકુશની મનોવૃત્તી.’ એ પ્રાકૃતીક છે. આપણા પશુ–પુર્વજો તરફથી વારસામાં મળેલી હોવાથી એને પાશવી પણ કહી શકાય. અન્ય વૃત્તીઓને કેળવવામાં આટલી સાંસ્કૃતીક પ્રગતી કર્યા છતાં; આપણે અંકુશની વૃત્તીમાંથી બહાર નીકળવાની કોશીશ પણ નથી કરતા.
અંકુશ એટલે બીજી વ્યક્તીને એની મુળભુત સ્વતન્ત્રતા આપવાનો ઈન્કાર. ઘણા સામાજીક કાયદા અને નીતી–નીયમોમાં એ સ્પષ્ટ દેખાય છે. ભુતકાળમાં સ્ત્રીઓ પર જાતજાતનાં બંધન લાદી એનું એક યા બીજાં કારણો આપી સમર્થન કરવામાં આવતું. એ ‘પુરુષોની અંકુશની વૃત્તી’ને કારણે હતું. આજે પણ રુઢીચુસ્ત સમાજોમાં એ મોજુદ છે. વર્ણવ્યવસ્થા, અસ્પૃશ્યતા, ગુલામીની પ્રથા આ બધી ‘અંકુશની વૃત્તી’માંથી જન્મેલી સામાજીક વ્યવસ્થાઓ છે. એમનો ઉપયોગ આર્થીક શોષણ કરવામાં થયો છે.
આટલી બધી ધાર્મીક અને આધ્યાત્મીક વીચારધારાઓમાંથી ભાગ્યે જ કોઈએ વ્યક્તીગત સ્વતન્ત્રતાને મહત્ત્વ આપ્યું હશે. કારણ કે બધી જ સંસ્થાકીય વ્યવસ્થાઓને એને લીધે મુશ્કેલી ઉભી થાય છે. સામ્યવાદ અને સરમુખત્યારીમાં પ્રજાની સ્વતન્ત્ર વીચારસરણી સત્તાને પોષાય નહીં. પ્રજાને અંકુશમાં રાખવા રાજ્ય તરફથી ગણતરીપુર્વક એમને ગરીબ અને અજ્ઞાન રાખવામાં આવે છે.
ધર્મમાત્ર ‘શ્રદ્ધા અને ભક્તી’ને નામે વ્યક્તીગત સ્વતન્ત્રતાને શરુઆતમાં દાબી દે છે. જાતી–જ્ઞાતીનાં બંધનો એ આગેવાનોનું રાજ્ય કરતાં પણ વધારે સત્તા ધરાવવાનું સાધન છે. (યુવાન ગાંધીજીને વીદેશથી પાછા આવ્યા પછી દરીયો ઓળંગવા માટે એમની નાતની માફી માંગી, દંડરુપે નાતનું જમણ કરવું પડ્યું હતું એવું ક્યાંક વાંચ્યાનું યાદ છે) ધર્મ, વ્યક્તીપુજા તથા અન્ધશ્રદ્ધાનું; તેમ જ સમાજ પરમ્પરાનું અફીણ ખવડાવી લોકોને સંકુચીત, કટ્ટરપન્થી અને ક્યારેક ઝનુની બનાવતા રહ્યા છે. ગુજરાતમાં થઈ રહેલા વીવીધ સમ્પ્રદાયોનાં કૌભાંડો આનું ઉદાહરણ છે. આપણી બે હજાર વરસની સતત પીછેહઠ માટે આ વૃત્તી ઘણી જવાબદાર છે. એ સ્વીકારવાને બદલે વીદેશીઓ પર બધો દોષ ઢોળવાનું આપણને ફાવે છે.
દેશને સુવ્યવસ્થીત રીતે ચલાવવા માટે અમુક હદ સુધી અંકુશ વાજબી છે. શીસ્ત, કાયદાપાલન અને વ્યવસ્થા માટે તે જરુરી છે. જરુરી અંકુશ વગર અરાજકતા અને ગુનાઈત તત્ત્વો ફેલાતાં આપણે જોઈએ છીએ. સવાલ અંકુશની માત્રાનો છે. એના પરથી આપણે રાજ્યવ્યવસ્થાને પ્રજાતન્ત્ર, સામ્યવાદ કે સરમુખત્યારી તરીકે ઓળખીએ છીએ. વધારે પડતો અંકુશ પ્રગતીને રુંધે છે.
આટલા બધા અવરોધો છતાંયે કેટલીક વ્યક્તીઓમાં સ્વતન્ત્ર વીચારસરણી ટકી રહે છે અને પાંગરે પણ છે. આ સ્વતન્ત્ર વીચારસરણીને લીધે જ ‘બુદ્ધ’ અને ‘મહાવીરે’ વૈદીક ધર્મના હીંસક કર્મકાંડનો વીરોધ કરી ‘કરુણા’ અને ‘અહીંસા’ની વીચારધારાને આગળ કરી હતી. આ ઉપરાન્ત ભારતમાં ધાર્મીક અને આધ્યાત્મીક ક્ષેત્રે પાંગરેલી ઘણી સ્વતન્ત્ર વીચારસરણીઓ લોકમાનસમાં અંકીત થઈ છે. સામાજીક ક્ષેત્રે સુધારાવાદી વીચારસરણી લાવનારાઓનાં નામો લોકજીભે ઓછાં અને ઈતીહાસનાં પાનાંઓમાં વધુ દેખાય છે. જનજીવનમાં નાના મોટા સુધારા લાવનારા અગણીત સ્વતન્ત્રતાના પુજારીઓ ગુમનામ છે.
પંદરમી અને સોળમી સદીમાં આવેલી ક્રાન્તી વૈજ્ઞાનીક કે ઔદ્યોગીક ક્ષેત્ર પુરતી મર્યાદીત નહોતી. એની સાથે ‘વીચારોની અભીવ્યક્તી’માં પણ ધરખમ ક્રાન્તી આવી હતી. એ સંક્રાન્તીકાળ (Renaissance–રેનેસાં) તરીકે ઓળખાય છે. ત્યારે કળા, સાહીત્ય, વીજ્ઞાન વગેરેમાં જુવાળ આવ્યો અને સાથે ધર્મનો અંકુશ ઓછો થયો. આ બધાનાં મુળમાં હતી ‘વ્યક્તીગત સ્વતન્ત્રતાની ભાવના’. એના પરીણામે ત્યારથી અત્યાર સુધી દુનીયા પર એમનું આધીપત્ય રહ્યું છે. હવે અન્ય દેશોમાં જ્યાં સંસ્થાકીય અંકુશો ઓછા થયા છે અને વ્યક્તીગત સ્વતન્ત્રતા સ્વીકારાઈ છે ત્યાં બધા ક્ષેત્રે પ્રગતી શરુ થઈ છે. એના અભાવનું પરીણામ પછાત રહી ગયેલા મુસ્લીમ રાષ્ટ્રોમાં ચોખ્ખું દેખાય છે.
સામાજીક અને ધાર્મીક ક્ષેત્રે ચાલી આવતી અંકુશ વૃત્તીના કારણો સમજી શકાય એમ છે. આધુનીક સમયમાં અને ખાસ કરીને શહેરોમાં એ કોઈને માન્ય ન હોય તો એને અવગણી એનાથી દુર પણ રહી શકાય છે. એની પકડ હવે થોડા થોડા અંશે ઢીલી થઈ રહી છે.
કૌટુમ્બીક સંકુલમાં પોષાતી અંકુશની વૃત્તી જાણવી અને સમજવી અઘરી છે. ક્યારેક તો પોતાના કહેવાતા પર પણ એ અજમાવાય છે. અહીં પ્રેમ, માનમર્યાદા, આજ્ઞાપાલન અને અંકુશની વૃત્તી વચ્ચેનો ભેદ જાણવો અઘરો હોવા છતાં સમજવો જરુરી છે. કુટુમ્બમાં શીસ્ત અને શાન્તી માટે અમુક અંશે અંકુશ જરુરી છે. એની માત્રા કુટુમ્બના દરેક સભ્યની પરીપક્વતા, ઘડતર વગેરે પર આધાર રાખે છે. એના માટે કોઈ નીયમ ન હોઈ શકે. વ્યક્તીગત સ્વતન્ત્રતતાની જેમ દરેક કુટુમ્બને પોતાની આગવી સ્વતન્ત્રતાનો હક છે. જેમાં સમાજનો અંકુશ બીનજરુરી છે.
જુની અને નવી પેઢી વચ્ચેનું ઘર્ષણ જેને જનરેશન ગૅપ કહેવામાં આવે છે તે નવી પેઢીની સ્વતંત્રતાની માંગ અને જુની પેઢીની અંકુશ જાળવી રાખવાની ભાવનામાંથી જન્મે છે. એ જનરેશન ગૅપ કરતાં કમ્યુનીકેશન ગૅપ વધુ છે. વધતા જતા છુટાછેડાની પાછળ પણ અન્ય કારણો ઉપરાંત એક કારણ સ્ત્રીને જોઈતી સ્વતન્ત્રતા અને વડીલોની અંકુશવૃત્તી કામ કરે છે. ચાળીસ વરસની ઉમ્મરની વ્યક્તીને અંગત બાબતોમાં નીર્ણય લેવાની છુટ ન હોય એમાં વડીલોની અંકુશવૃત્તી સ્પષ્ટ દેખાય છે.
હીન્દી સીનેમામાં ઘણી વખત જોયેલું એક દૃશ્ય; જેમાં મરણ પથારીએ પડેલ વ્યક્તી પોતાના સન્તાન પાસે ગેરવાજબી પ્રતીજ્ઞા લેવડાવતી હોય છે. મરણ પછી પણ અંકુશ જાળવવો એ અંકુશવૃત્તીની ચરમસીમા છે. બીજા પાસેથી દબાણ કરી કોઈપણ જાતની પ્રતીજ્ઞા લેવડાવવી એ પણ અંકુશવૃત્તી જ છે.
સૌથી વધુ ગુંગળાવનારી અને હાનીકારક છતાં વ્યાપક અંકુશવૃત્તી બહોળા કુટુમ્બોમાં દેખાય છે. બહોળા કુટુમ્બના કેટલાક વડીલો પોતાનું વડીલપણું સાચા અર્થમાં શોભાવે છે. બીજાના હીતમાં સાચી સલાહ આપી જરુરી મદદ પણ કરે છે. તેઓની સલાહ ક્યારેક અવગણાય તોયે દ્વેષ રાખતા નથી. જ્યારે કેટલાક ફક્ત ઉમ્મર, સમ્પત્તી કે વાક્પટુતાને લીધે વડીલ બની બેઠેલા પોતાના સગાંવહાલાંની કૌટુમ્બીક બાબતોમાં વણમાગ્યાં સલાહસુચન અને દબાણ કરી પોતાની અંકુશની વૃત્તી પોષતા હોય છે. કોઈક મર્યાદા કે નબળાઈને લીધે કોઈ એમને અટકાવી કે અવગણી શકતું નથી. ક્યારેક મજબુરીમાં તો ક્યારેક અનીચ્છાએ ન ગમતાં નીર્ણયો લેવાઈ જાય છે.
સમજ અને ડહાપણ, ઉમ્મર કે પૈસા સાથે સતત વધતાં નથી. બધાની એક ચોક્કસ તબક્કે મર્યાદા આવી જાય છે. ઉમ્મર અને સમ્પત્તીને અપાતા વધુ પડતા મહત્ત્વને લીધે ઘણા યુવાનોના કીમતી અભીપ્રાયો નજરઅંદાજ કરવામાં આવે છે. દુર્ભાગ્યે એનાં પરીણામો પણ એમને જ ભોગવવાં પડે છે. તુટતાં સંયુક્ત કુટુમ્બો પાછળ આ એક મહત્ત્વનું કારણ છે.
કુટુમ્બ બહારની વ્યક્તીનું આપણા પરનું આર્થીક અવલમ્બન કોઈને ગમતું નથી; પણ કોઈ બૌદ્ધીક કે ભાવનાશીલ રીતે આપણા પર આધાર રાખે તે બધાને ગમે છે. એનાથી આપણો અહમ્ અને અર્ધજાગૃત મનની અંકુશવૃત્તી પોષાય છે.
નાની અમથી વાતમાં કોઈની સલાહ લેવા દોડી જવું બૌદ્ધીક પરાવલંબન છે. દરેક નાના મોટા, સારા યા માઠા બધા બનાવોમાં પોતાનો ઉભરો ઠાલવવા કોઈ પાસે જવું પડે એ બાલીશપણું છે. નાના બાળકો સ્કુલમાં થતી રજેરજ વાત ઘરે આવીને પોતાની માને કહે તે સહજ છે. કુટુમ્બની અંદર થતી વીચારોની અને દરરોજના બનાવોની ચર્ચા સમ્બન્ધોને ગાઢ બનાવે છે. જ્યારે પુખ્ત વયની વ્યક્તી જે કોઈ મળે તેને બધું જ કહ્યા વગર ન રહી શકે તે, લાગણીનું પરાવલંબન અને બૌદ્ધીક અપરીપક્વતા છે.
જે લોકોને પોતાના પર ભરોસો નથી એ બીજા પાસેથી આધાર, આશરો અને સહાનુભુતી ઈચ્છે છે અને બદલામાં શરણાગતી સ્વીકારે છે. આવું બૌદ્ધીક અને ભાવનાશીલ અવલંબન કે સહારો, શોધનારા અને પુરો પાડનારાનું એક એકમ બને છે. પુખ્ત વ્યક્તીઓ વચ્ચેના આવા એકપક્ષીય સમ્બન્ધ પ્રેમ અને માન કરતાં સ્વતન્ત્રતાનો અભાવ અને અંકુશવૃત્તીના સુચક વધુ છે. સાચા સલાહકાર એમની સલાહ સ્વીકારવામાં ન આવે તોયે ખોટું લગાડતા નથી. અંકુશવૃત્તીવાળી વ્યક્તી પોતાની મગરુરીથી પ્રેરાઈને એમની અવગણના કરનારની જાહેર નીન્દા કરતાં અચકાતી નથી.
બૌદ્ધીક અને લાગણીની રીતે સ્વતન્ત્ર વ્યક્તીઓ બીજા પાસે પોતાના ઉભરા ઠાલવવામાં સંયમ જાળવે છે. પોતાના પ્રશ્નો બને ત્યાં સુધી પોતે જ ઉકેલી લે છે. તે આવા જુથમાં સમાઈ શકતી નથી. બની બેઠેલા વડીલો એને પોતાની અવગણના માની એમની પાસેથી સ્વતન્ત્રતાની આકરી કીમત વસુલવાની કોશીશ કરે છે.
સમ્પુર્ણ પરાવલમ્બન આપણને જન્મતાંની સાથે જ મળે છે. એ કુદરતી છે. ઉમ્મર સાથે એમાંથી બહાર નીકળવું એ ‘કેળવણી’ છે. કેટલાકને એ એટલું ફાવી જાય છે કે એ મનોદશામાંથી બહાર નીકળવાની કોશીશ પણ કરતા નથી. પરાવલમ્બીપણાને આપણે પ્રેમ, માન વગેરેના ઓઠા હેઠળ પોષીને એનો ગર્વ લઈએ છીયે.
વીચારોની કે બૌદ્ધીક સ્વતંત્રતા અમુક અંશે જન્મજાત હોય છે અને બાકીની કેળવેલી હોય છે. આર્થીક સ્વતંત્રતા કેટલાકને વારસામાં મળે છે જ્યારે બાકીનાઓને એ કમાવી પડે છે. વીચારોની સ્વતન્ત્રતા ગમે તેટલી હોય પણ જ્યાં સુધી આર્થીક સ્વતન્ત્રતા ન મેળવાય ત્યાં સુધી આચરણની સ્વતન્ત્રતા ન આવી શકે. આર્થીક સ્વતન્ત્રતાને અભાવે ઘણી બાંધછોડ કરવી પડે છે. આપણી કુટુમ્બ અને સમાજવ્યવસ્થા આ બાબતમાં ઘણી પાછળ છે. પરીણામે વીચારોની અને આચરણની પુખ્તતા મોડી આવે છે.
નવી દુનીયામાં યુવાનોને ત્રણ પ્રકારની નવી સ્વતન્ત્રતા મળી છે જે જુની દુનીયામાં નહોતી. એ છે પોતાના ‘વ્યવસાય’ની પસંદગી, ‘જીવનસાથી’ની પસંદગી અને ‘વસવાટની જગ્યા’ની પસંદગી. આ ક્ષેત્રોમાં હવે સામાજીક બન્ધન નથી રહ્યાં.
આની સરખામણીએ જે લોકો આર્થીક સ્વન્ત્રતા નથી મેળવી શક્યા એમનું વૃદ્ધત્વ પ્રમાણમાં દુ:ખદાયક બની જાય છે.
ઈચ્છતા હોઈએ તોયે બૌદ્ધીક અને ભાવનાગત રીતે સમ્પુર્ણ સ્વાવલમ્બી બનવું શક્ય નથી. વધુમાં વધુ એને એક ધ્યેય બનાવી શકાય. મોટા ભાગના લોકો આ બે અન્તીમો વચ્ચે ક્યાંક હોય છે. બન્ને વૃત્તીઓના ફાયદા અને ગેરફાયદા છે. સ્વાવલંમ્બી બીજાઓના અનુભવ અને શાણપણનો લાભ ગુમાવે છે, જ્યારે પરાવલમ્બી પોતાનું ગૌરવ ગુમાવે છે. અન્તીમપણાની જેટલી નજીક હોઈએ તેટલી વધારે એની કીમત ચુકવવી પડે છે.
પુખ્ત–પરીપકવ વ્યક્તીઓ વચ્ચે (matured adults) પરાવલમ્બન કે અંકુશના નહીં; પણ પરસ્પરાવલમ્બનના સંબંધો (interdependency) વધુ ઈચ્છનીય છે. ગાઢ મીત્રો વચ્ચે આ સહજ સ્વરુપે દેખાય છે. મોટા ભાગના સમ્બન્ધો આ સ્તરે પહોંચે એવો આદર્શ રાખી શકાય. જે આપણી સાથે પેટ છુટી વાત ન કરતા હોય એમની પાસે બધું જ ન ઠલવાય. વીકસીત દેશોના લોકોમાં આર્થીક સ્વતન્ત્રતાની સાથે વ્યક્તીગત સ્વતન્ત્રતા અને પરસ્પરાવલમ્બનની ભાવના વધુ વીકસી છે.
આ બધામાં એક દુ:ખદ વીરોધાભાસ પણ છે. જે સ્વતન્ત્રતાના હીમાયતી હોય, પોતાની સ્વતન્ત્રતા મેળવવા અને જાળવવા ઘણો સંઘર્ષ કર્યો હોય, તેઓ પણ બીજાઓની સ્વતન્ત્રતા સહજ રીતે સ્વીકારતા નથી. સ્વતન્ત્રતા માટે લડનાર રાજાઓ પોતે સરમુખત્યાર બને છે. અમેરીકાની સ્વતન્ત્રતા માટે લડનાર બધા નેતાઓના ઘરમાં આફ્રીકન ગુલામ હતા. ગુલામોની સ્વતન્ત્રતા સો વરસ અને આન્તરવીગ્રહ પછી આવી. સાચા અર્થમાં સ્વતન્ત્રતા મેળવતાં એમને બીજા એક સો વરસ લાગ્યાં.
આપણી આઝાદી માટે લડનાર નેતાઓ સત્તા હાંસલ કરી પોતે સરમુખત્યાર નહોતા બન્યા. એમણે પ્રજાતન્ત્ર સ્થાપી આખરી સત્તા પ્રજાના હાથમાં આપી. આપણે એનો સદુપયોગ નથી કરી શકતા એ જુદી વાત છે. આ બધું કહેવાતા કળીયુગમાં થયું છે. કહેવાતા સતયુગમાં કોઈએ પ્રજાતન્ત્ર નહોતું સ્થાપ્યું કે વ્યક્તીગત સ્વતન્ત્રતાની હીમાયત નહોતી કરી. બધા રાજાઓ પાસે અસંખ્ય દાસ–દાસી (ગુલામ) હતા. સુવર્ણકાળ ગણાતા આર્યાવર્તમાં અડધી પ્રજા ક્ષુદ્ર, દાસ, ગુલામ હતી. સાંસ્કૃતીક રીતે આપણે ની:શંકપણે પ્રગતી કરી રહ્યા છીએ.
પુરાણોમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષને પુરુષાર્થનાં પ્રેરક બળ માનવામાં આવ્યાં છે. સ્વતન્ત્રતાની ખેવના અને અંકુશની વૃત્તી પણ એટલાં જ શક્તીશાળી પ્રેરક બળ છે. આ ઉપરાન્ત બીજી કેટલીક કુદરતી તેમ જ કેળવેલી બાબતો માણસ પાસે ઘણો પુરુષાર્થ કરાવે છે. પુરાણોમાં પણ કંઈક અધુરું કે ખામીયુક્ત હોઈ શકે એ માનવું અને સ્વીકારવું ઘણા માટે અઘરું છે. પ્રગતીશીલ વીચારસરણીવાળા એ સ્વીકારી શકે છે.
–મુરજી ગડા
તાકાતવાન બનાવનાર TOP 8 FOOD, ખાશો તો જાણશો!
જો તમારી ઉપર વધુ કામનો બોઝ હોય તો ઝડપથી નબળાઈ અને થાક મહેસૂસ થવા લાગે તો તમે પોતાના ડાયટચાર્ટમાં કેટલીક એવી વસ્તુ સામેલ કરો જેને ખાવાથી તમને તરત જ એનર્જી મળી જાય. ખાવા-પીવાની કેટલીક એવી વસ્તુઓ હોય છે જેને તમે કોઈ પોતાના ડાયટચાર્ટમાં સામેલ કરી લો તો શરીરની એનર્જીથી ભરપૂર રહે છે આવો આજે અમે તમને એવી જ સાત વસ્તુ વિશે બતાવીએ જેને તમે પોતાના ભોજનમાં સામેલ કરીને તાકાતવાન બની બની શકો છો.
જામફળઃ- જામફળને દિલનો હીરો કહે છે કારણ કે દિલની બીમારીઓને દૂર રાખીને અને કબજિયાત જેવી સામાન્ય સમસ્યાને ખતમ કરવામાં તેની કોઈ જોડ નથી. સુગર અર્થાત્ મધુમેહને અટકાવવા માટે પણ આ ફળનો ઔષધીની જેમ ઉપયોગ કરવામાં આવે છે.
કોબીજઃ-શરીરમાં બનતા ઝેરીલા પદાર્થોને રોકવા માટે આ કોબીજની મહત્વપૂર્ણ ભૂમિકા હોય છે. શાકભાજીની કોઈપણ પ્રકારની તુલનામાં તેમાં પૌષ્ટિકતા સૌથી વધુ હોય છે. લીલા ફૂલ કોબીજ જન્મની સાથે જ થતી બીમારીઓ સામે લડવામા કોબીજ ખૂબ જ કારગર સાબિત થાય છે. તે માત્ર આપણામાં રોગ પ્રતિરોધક
ક્ષમતાને જ વધારતી નથી પણ હડકાંને મજબૂત કરવાની તેમાં ગજબની ક્ષમતા હોય છે.
ગાજરઃ- રોગો સામે લડવાની ક્ષમતા વધારવામાં ગાજરને કોઈ મુકાબલો નથી. એક કપ કાપેલા ગાજરમાં 52 કેલેરી હોય છે તેમ છતાં તેમાં કોલેસ્ટ્રોલ બીલકુલ નથી હોતા. બાળકોના વિકાસમાં આ સૌથી વધુ મદદરૂપપ થાય છે. ફેફસા, સ્કીન ને મુખના કેન્સરથી બચવા માટે તેને રામબાણ માનવામાં આવે છે.
પાલકઃ- 100 ગ્રામ પાલકમાં 26 કિલો કેલેરી ઊર્જા, પ્રોટીન 2.0% કાર્બોહાઈડ્રેટ 2 .9 % નમી 92 % વસા 0 .7 %, રેસા 0 .6 % , ખનીજ લવણ 0 .7 % અને રેશા 0 .6 % હોય છે. પાલકમા ખનીજ લવણ જેવું કેલ્શિયમ, લોહ તથા વિટામીન એ, બી, સી જેવા પ્રચુર માત્રામાં જોવા મળે છે. આ ગુણને લીધે લાઈફ
પ્રોટેક્ટિવ ફૂડ કહેવામાં આવે છે. તેમાં અનેક વિટામિન એકીસાથે જોવા મળે છે. પાલકમાં સ્કીન અને બ્રેસ્ટ કેન્સર સામે લડવાની સૌથી વધુ તાકાત હોયછે. મજાની વાત એ છે કે તેમાં કોલેસ્ટ્રોલ બીલકુલ નથી હોતું.
ફણસઃ-ફણસના ફળમાં ઘણાં મહત્વપૂર્ણ પ્રોટીન્સ, કાર્બોહાઈટ્રેડ્સ ઉપરાંત વિટામિન્સ છે તેથી નબળાઈ ધરાવતા વ્યક્તિઓને ખાસ ખાવાની સલાહ આપવામાં આવે છે. ફણસના પાકેલા ફળને ખાવાથી શક્તિ આવે છે, વજન વધે છે અને સેક્સ લાઈફમાં પણ ફાયદો આપે છે. પાકેલા ફણસનો ૫૦ ગ્રામ છુંદો બરાબર મિશ્રણ કરી અડધા લીટર પાણીમાં ઉકાળી લેવામાં આવે અને આ મિશ્રણને ઠંડું કરી એક ગ્લાસ પીવામાં આવે તો એક ટૉનિક જેવું કાર્ય કરે છે. ફણસનાં ફળનું અને બીજનું શાક, અથાણું અને પાપડ બનાવવામાં આવે છે. ફણસની કળીઓ વાટીને ગોળી બનાવીને તેને ચૂસવાથી ગળાના રોગમાં રાહત રહે છે. ફણસના પાનની રાખ અલ્સરના ઈલાજ માટે બહુ ઉપયોગી થાય છે. ફણસના ૪-૫ પાનને લઈને ચૂર્ણ બનાવી લેવામાં આવે અને પેટમાં અલ્સરની ફરીયાદવાળા રોગીઓને આપવામાં આવે તો ઝડપથી આરામ મળી જાય છે.
અંજીર:- વિશ્વના સૌથી મીઠા ફળમાં અંજીર સ્વાદમાં જેટલું મીઠું છે એટલું જ તે લાભદાયક છે. આ ફળને પકવવામાં ઇયળો મદદ કરે છે. તેથી આ ફળમાં પ્રોટીન અને તેમાં રોગ પ્રતિકારકક્ષમતા સારા પ્રમાણમાં હોય છે આ ઉપરાંત આ ફળમાં કેલ્સિયમ, ફાઈબર તથા વિટામીન એ, બી, સી, કેલ્શિયમ, લોહ તત્વ આર્યન વગેરે પણ સારા પ્રમાણમાં હોય છે. અંજીર શરીરને ચુસ્ત અને મગજને શાંત રાખે છે. આ ફળ ડાયાબિટીસમાં, એનીમિયામાં ઘણું જ લાભપ્રદ છે ઉપરાંત આ ફળ શરદી, કફ, અસ્થમા અને અપચન જેવી બીમારીઓએ દૂર કરે છે. તાજા અંજીર ખાઈને ઉપરથી દૂધ પીવું વધારે શક્તિશાળી હોય છે. લોહીના વિકારમાં સુકા અંજીરને દૂધ તથા ખાંડની સાથે સતત એક અઠવાડીયું સેવન કરવાથી વિકાર નાશ પામે છે.
દૂધ અને કેસર : શિયાળામાં ૨૫૦ ગ્રામ ઓટાવેલા દૂધમાં ચાર-પાંચ કેસરની પાંખડીઓ સારી રીતે મેળવી સાકર નાંખેલા દૂધને સવારે અથવા રાત્રે સૂતાં પહેલાં લો. તેનાથી નબળાઈ દૂર થાય છે. ર્સ્ફૂતિ આવે છે. લોહીનો સંચાર વધે છે. શરીરના રંગમાં નિખાર આવે છે
કિશમિસઃ-મોટી કિસમિસ ગળાના રોગોની સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કિસમિસ શરીરમાં લોહતત્વ અને રોગપ્રતિકારક શક્તિનો વધારો કરે છે તથા પુરુષો માટે પુરુષત્વનો વધારો અને સ્ત્રીઓને શક્તિ આપે છે. રાત્રિનાં સમયે લગભગ ૧૦ – ૧૨ કિસમિસને ધોઈને પાણીમાં પલાળી. બીજે દિવસે સવારે તેને બરાબર ચાવીને ખાવાથી કે તેનો જ્યુસ બનાવીને પીવાથી શુધ્ધ લોહીનો વધારો થાય છે . 2 કપ દૂધમાં ૧૦ થી ૧૨ દ્રાક્ષ, એક ચમચી ઘી તથા ખાંડ મેળવી ગરમ કરીને પીવાથી વિર્યનો, હૃદય, આંતરડા અને લોહીનો વિકાર, નબળાઈ અને કબજીયાત દૂર થાય છે.