દેશી ફેસબુક- દેશી ટ્વીટર
ચીને પણ ફેસબુક અને ટ્વીટરની લોકપ્રિયતા નાથવા પોતાનું સોશ્યલ નેટવર્કીંગ સાઇટ ઉભી કરી હતી. ચીન માનતું હતું કે ફેસબુક અને ટ્વીટરનો ઉપયોગ ચીનનો વિરોધ તરીકે થાય છે. ચીને પોતાની સ્થાનિક સાઇટ ઉભી કરીને પોતાના દેશના યુવાનોને તે તરફ વાળ્યા હતા. ચીને ૨૦૦૮ અને ૨૦૦૯માં ફેસબુક અને ટ્વીટરને બ્લોક કરી દીધી હતી એમ ૨૦૧૧માં ગુગલને બ્લોક કરી હતી.
ફેસબુક અને ટ્વીટર અમેરિકા સ્થિત હોઇ ચીને પગલા લીધા હતા જ્યારે ભારતમાં સરકાર સોશ્યલ નેટવર્કિંગ સાઇટને બ્લોક કરવાની હિંમત બતાવી શકે તેમ નથી.
ભારત સરકાર દેશી ફેસબુક અને દેશી ટ્વીટરનો આઇડિયા કરે છે તે આવકારદાયક છે.
હેલ્થ અને ઇન્ટરનેટ
ઇન્ટરનેટ પર આરોગ્ય વિષયક માહિતીનો ખજાનો આપવામાં આવે છે તે તો ઠીક પણ ઓનલાઇન મેડિકલ એડવાઇસ આપતી અનેક વેબસાઇટો છે. ઓનલાઇન મેડીકલ ટીમ દરેકને મેડીકલ બાબતે સલાહ સૂચનો આપે છે. કેટલીક સાઇટ પર તો તમારે તમારા મેડિકલ રિપોર્ટ સ્કેન કરીને મોકલી આપવાના હોય છે. સામે બેઠેલી ડોકટરોની ટીમ પ્રશ્નોના જવાબ આપે છે. આ લખનારે બ્રેન સ્ટ્રોક અંગેની સલાહ પણ આવી જ વેબસાઇટ પાસેથી લીધી હતી. યુરોપના ડોકટરોની ટીમ સાથે જોડાયેલા અન્ય નિષ્ણાતોને વિગતો મોકલી આપવામાં આવે છે. કેટલીક વેબસાઇટ આવી સલાહ આપવાના પૈસા લેતી હોય છે. જોકે આ પૈસાની સામે વિશ્વના શ્રેષ્ઠ ડોકટરોની સલાહ પણ મળતી હોય છે.
મેજર રોગ માટેની સલાહ પણ અપાય છે પરંતુ ડાયાબિટીસ, દમ, ટીબી વગેરે માટે તો ઇન્ટરનેટ પર ઢગલો મટિરિયલ અને સલાહ-સૂચનો મુક્યા હોય છે. મેડીકસ એસોસીએશનો આવા ડીજીટલ પ્લેટફોર્મ ઉભા કરતા હોય છે. કેટલીક વેબસાઇટ પર નિષ્ણાતોની મોટી ફોજ હોય છે. આ લોકો પેશન્ટની સમસ્યાના જવાબો ૨૪ કલાકમાં આપતા હોય છે. આવી હેલ્થ વિષયક સાઇટનો ઉપયોગ કરવો જોઇએ જેમાંથી અનેક માહિતી ઉપયોગમાં લઇ શકાય છે.
કિસાનો માટે માહિતી
કિસાનો માટે પણ ઇન્ટરનેટ પર ઉપયોગી મટીરીયલ મુકાઇ રહ્યું છે. કૃષિ-સંબંધી વિગતો ભારત સરકાર તેની સ્પેશ્યલ સાઇટ પર મુકી રહ્યું છે. ખાતરનો ઉપયોગ ક્યાં કેટલા પ્રમાણમાં કરવો અને વરસાદની સ્થિતિ અનુસાર બિયારણનો ઉપયોગ જેવી વિગતો સમાવાઇ હોય છે. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર અને કૃષિ મંત્રાલયે સંયુક્ત રીતે કૃષિ ઉપયોગી પોર્ટલ શરૃ કર્યું છે. ુુુ.કચસિીિ.ર્યપ.ૈહ પર કૃષિ પરની મહત્વની બાબતો મળી શકે છે. જમીન કેવી છે, છોડવાને કેવા રોગ થાય છે વગેરે માહિતી ઉપલબ્ધ કરાઇ છે. હાલમાં ભારત સરકારે તૈયાર કરેલું વેબપોર્ટલ અંગ્રેજીમાં છે. તેને ટૂંકમા અનેક ભાષા માટે તૈયાર કરાઇ રહ્યું છે.
કૃષિ સાથે સંકળાયેલા લોકો માટે આ બહુ ઉપયોગી સાઇટ છે. અહીં પ્રશ્ન એ છે કે કિસાનો ઇન્ટરનેટનો વપરાશ કરે છે ખરા?
સર્ફીંગ કરનારાની નજર
ઇન્ટરનેટનો વપરાશ કરનારા ઓનલાઇન ખરીદી માટે લલચાય છે. એક સર્વે અનુસાર ઇન્ટરનેટ પર સર્ફીંગ કરતા શહેરના યુવાનો પૈકી ૪૦ ટકા જેટલા ઓનલાઇન ખરીદી માટે વિચારે છે. આ લોકો તૈયાર કપડાં, પર્સનલ કોમ્પ્યુટર, લેપટોપ, ટેબલેટ વિગેરે ખરીદવા સર્ફીંગ કરતા હોય છે. ઇન્ટરનેટ પર સર્ફિંગ કરનારાઓ ઓનલાઇન ખરીદીની સાથે, સેક્સ, એસ્ટ્રોલોજી, એજ્યુકેશન, ફોરેન યુનિવર્સિટી વગેરે તરફ પણ આકર્ષાય છે.
ગુગલ આ માટે વેબસાઇટોની જાહેરાત પણ આપે છે. જેમાં તે જાહેરાત આપનાર સાઇટને અન્ય વેબસાઇટ પર મુકીને ટ્રાફીક મેળવી આપે છે.
એફડીઆઇ કંપનીને રાહત
મલ્ટી બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે જે વિદેશી કંપની ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ માટે તૈયાર બતાવે તેને ઇ-રીટેલીંગ માટે પણ મંજૂરી આપવાની દરખાસ્ત છે. ગયા ડિસેમ્બરમાં મલ્ટીબ્રાન્ડ રીટેલમાં એફડીઆઇને મંજૂરી આપ્યા બાદ કોઇપણ કંપનીએ રોકાણ માટે એપ્લીકેશન કરી નહોતી કેમ કે સરકારની નીતિ અસ્પષ્ટ હતી તેમજ કંપનીએ રાજ્ય સરકારની મંજૂરી પણ લેવી પડતી હતી. વોલમાર્ટ, ટેસ્કો અને કેરફોર જેવી કંપનીઓ સરકારની સ્પષ્ટતાની રાહ જોઇને બેઠી હતી.
હવે જ્યારે સરકાર આ કંપનીઓને ઇ-કોમર્સ માટે મંજૂરી આપવા વિચારી રહી છે ત્યારે રીટેલ ક્ષેત્રને ફાયદો થશે.
આ અગાઉ સરકારે એફડીઆઇ માટે એપ્લાય કરનાર કંપનીઓ ઇ-રીટેલ કરી શકે નહીં એમ જણાવ્યું હતું. ભારતમાં જ્યારથી ઇન્ટરનેટનો વપરાશ વધ્યો છે ત્યારથી ઇ-રીટેલ ક્ષેત્રે ૪૦ ટકાનો વધારો નોંધાયો છે. ભારતમાં ઇ-કોમર્સના વધતા વ્યાપને જોઇએ તો ઇ-બે અને સ્નેપડીલ જેવી ઇ-કોમ કંપનીઓએ રોકાણ વધાર્યું છે.
સાથે... સાથે...
- ટમ્બલર' નામની બ્લોગીંગ સાઇટને 'યાહુ' ૧.૧ અબજ ડોલરમાં ખરીદી રહ્યું છે...
- સોશ્યલ મિડીયામાં પોતાની હાજરી દર્શાવવા 'યાહુ' જંગી કિંમત 'ટમ્બલર' માટે ચૂકવી રહ્યું છે.
-Gujarat Samachar