NORTON MOTORCYCLE
Click the link (sound on)
નીપુણ મહેતા, ઉમ્મર વરસ છત્રીસ, અમેરીકામાં નીવાસ. અમેરીકાની યુનીવર્સીટીમાંથી કમ્પ્યુટર સાયંસની ડીગ્રી મેળવી અમેરીકામાં રહેતો યુવાન છત્રીસ વરસની ઉમ્મરે સામાન્યત: શું કરે ? જીન્દગીનો સ્થુળ આનન્દ માણવામાં પોતાનાં કીંમતી વર્ષો વેડફી નાંખે. નીપુણને સતત એક વીચાર પજવતો હતો : ‘દુનીયાને વધુ સારી કઈ રીતે બનાવવી ?’ માણસ પ્રત્યેક ક્ષણે બીજાનો વીચાર કરે, બીજાના માટે જીવે, બીજાને મદદરુપ થાય તેવું બની શકે ? ક્રીસ્ટમસના દીવસોમાં એ યુવાન પત્ની સાથે ભારત આવ્યો. ભારતમાં એક હજાર કીલોમીટરની પદયાત્રા કરવાનો સંકલ્પ કર્યો. ઈરાદો એક જ. સમાજમાં માનવતા, પ્રેમ, બીજાને મદદરુપ બનવાની ભાવના ફેલાવવી.
નીપુણભાઈએ ‘સેવા–કાફે’ની સ્થાપના કરી ‘સ્માઈલ કાર્ડ્ઝ’ બનાવ્યા કોઈને માટે ભલાઈનું કામ કરવાનું; અને પાછળ ‘સ્માઈલ કાર્ડ’ છોડતા જવાનું. એક વહેલી સવારે અમદાવાદની સડક પર નીપુણભાઈએ જોયું કે કૉર્પોરેશનનો એક કર્મચારી રાજમાર્ગ પર સફાઈ કરી રહ્યો છે. તેમણે કર્મચારીને વીનન્તી કરીને તે કામ થોડીક મીનીટો માટે પોતે સંભાળી લીધું. ‘મોર્નીન્ગ વૉક’માં નીકળેલા સુખીયા જીવોને આ દૃશ્ય જોઈને આશ્ચર્ય થયું. થોડીવારમાં ત્યાં સફાઈ કામમાં સેવા આપવા ઈચ્છતા માણસોનું ટોળું જમા થઈ ગયું. નીપુણભાઈએ કહ્યું, ‘પાછળ ક્યુમાં ઉભા રહો !’ દસ મીનીટ સફાઈ કામ કરીને પ્રધાનોની જેમ ફોટું ખેંચાવ્યા વગર, નીપુણભાઈએ પોતાની પાછળ ઉભેલા બીજા સજ્જનને ઝાડુ પકડાવી દીધું. એક શ્રમજીવીને થોડોક સમય આરામ મળી ગયો. તેને બદલે કામ કરનારાઓને નીજાનન્દની પ્રાપ્તી થઈ.
પાડોશમાં પાંચ વર્ષનો છોકરો રમતાં રમતાં પડી ગયો. માથામાં લોહી વહી રહ્યું છે. પાડોશી પાસે કાર નથી. તમે બધાં જ અર્જન્ટ કામો પડતાં મુકીને પોતાની કારમાં છોકરાને હૉસ્પીટલમાં પહોંચાડો છો. સારવાર થાય ત્યાં સુધી થોભો છો અને પછી કાળજીપુર્વક છોકરાને તેની માતા સાથે કારમાં ઘરે પહોંચાડો છો. તેમનું ઘર છોડતી વખતે નીપુણભાઈએ તૈયાર કરેલા સ્માઈલ–કાર્ડમાંનું એક કાર્ડ તેમને ત્યાં છોડતા જાઓ છો. એ કાર્ડ પર લખ્યું છે : ‘ભલાઈના કામ માટે કોઈ એક ગુમનામ માણસ તમારા સુધી પહોંચ્યો. હવે એવું જ ભલાઈનું કામ કરવાનો તમારો વારો છે. કોઈના માટે કંઈક સારું કામ કરો અને આ કાર્ડ તેમની પાસે છોડતા જજો, જેથી સારું કામ કરવાની, ભલાઈની આ ભાવના તથા શૃંખલા આગળ વધતી રહે નીપુણભાઈની વેબસાઈટ પર વીનન્તી પહોંચાડવાથી આવા સ્માઈલ કાર્ડઝ તમારા ઘરે પહોંચતા કરવામાં આવશે, કોઈ કીંમત લીધા વગર, માત્ર ભલાઈની ભાવના સાથે.’
નીપુણભાઈએ ગુજરાતમાં તથા ભારતનાં અન્ય રાજ્યોમાં સમાજસેવા અને લોકસેવાનો સંકલ્પ પહોંચાડવા પદયાત્રાનો નીર્ણય કર્યો ત્યારે નક્કી કર્યું કે રસ્તામાં જ્યાં સુરજ ઢળે ત્યાં મુકામ કરી લેવો અને જે મળે તે ખાઈ લેવું. રોજ એક ડૉલર (પંચાવન રુપીયા)થી વધુ ખર્ચ પોતાના માટે ન કરવો. અમેરીકા છોડતી વખતે મમ્મીએ રડતાં રડતાં પુછ્યું, ‘બેટા, ત્યાં તારી જમવાની વ્યવસ્થા કેવી રીતે ગોઠવાશે ? તને પુરણપોળી ભાવે છે. રસ્તામાં તને એ બધું ક્યાંથી મળશે ?’ નીપુણભાઈનો જવાબ મળ્યો, ‘મમ્મી, અહીં તું કોઈ અજાણ્યા માણસને અહીં આવું ભોજન કરાવતી રહેજે, તો ત્યાં મારી સંભાળ લેનારું કોઈને કોઈ મળી રહેશે !’ નીપુણભાઈનાં મમ્મી અમેરીકામાં કોઈ અજાણ્યા મહેમાનોને પુરણપોળી ખવડાવતાં ખવડાવતાં કહેતાં સંભળાય છે: ‘મારો નીપુણ અત્યારે પત્ની સાથે ગુજરાતની યાત્રા પર છે.’ પછી રડતાં રડતાં ઉમેરે છે, ‘તેની સંભાળ રાખનારા ભલા માણસો તેમને મળી રહે તો સારું.’ ‘એક્ટ ઓફ ગીવીન્ગ’ અને ‘જોય ઓફ ગીવીન્ગ’ કોઈના માટે કંઈક કરી છુટવાનું, આપવાનું કાર્ય અને આપવાનો આનન્દ એ સંદેશ પોતાનાં કાર્યો દ્વારા, પોતાના આચરણ દ્વારા સમાજ સુધી પહોંચાડવો એ નીપુણભાઈ અને તેમના સાથીદારોનું જીવનલક્ષ્ય છે.
નીપુણભાઈએ પદયાત્રા દરમીયાન થયેલા અનુભવોનું વર્ણન કર્યું. તેઓ પત્ની સાથે મોડી રાતે એક નગરમાં પહોંચ્યાં અને રાત્રીનીવાસ માટે નજીકના મંદીરમાં ગયાં. ભોજન મળ્યું નહોતું એટલે ભુખ લાગી હતી. મંદીરમાં માંડ માંડ આશ્રય મળ્યો; પરન્તુ ત્યાં પતી–પત્ની એક જ ઓરડામાં સાથે નહીં રહી શકે તેવો નીયમ હતો. સ્ત્રી–પુરુષ ભેગા નહીં રહી શકે તેવા નીયમના ભાગરુપે નીપુણભાઈ અને તેમનાં પત્નીને મંદીરના વરંડામાં એક દીવાલની આજુબાજુ રહેવાની છુટ આપવામાં આવી (એક્ટ ઓફ કાઈન્ડનેસ !). ભોજન મળે એમ નહોતું પતી–પત્નીને બેગના ખુણેથી બચેલું બીસ્કીટ હાથ લાગ્યું. ગુરીબહેને ‘મને ભુખ નથી’ એવું બહાનું કાઢી એ બીસ્કીટ પતીના હાથમાં પકડાવી દીધું. નીપુણભાઈએ ‘સરખા હીસ્સે વહેંચીને ખાવું’ એ સીદ્ધાંત આગળ ધરી પત્નીને અડધું બીસ્કીટ પધરાવી દીધું. ગુરીબહેને એ બીસ્કીટ હાથમાં છુપાવી રાખી. નીપુણભાઈએ બીસ્કીટનો નાસ્તો પતાવ્યો એટલે પત્નીએ અડધું બીસ્કીટ આગળ ધરીને કહ્યું, ‘સરખે હીસ્સે વહેંચીને ખાવાનું છે ! લો, આ તમારો અડધો ભાગ.’ ગુરીબહેને બીસ્કીટનો ચોથા ભાગનો ટુકડો આરોગીને સંતોષ માન્યો. ‘એક્ટ ઓફ ગીવીંગ એન્ડ જોય ઓફ ગીવીંગ !’
અમદાવાદ, બેંગલોર અને અન્ય સ્થળે નીપુણભાઈએ ‘સેવા–કાફે’ ખોલ્યાં છે. ‘એક્ટ ઓફ ગીવીંગ એન્ડ જોય ઓફ ગીવીંગ’ આ રેસ્ટોરાંનો સેવામંત્ર છે, ‘લીવીંગ ઈઝ ગીવીંગ’આપવું એટલે જીવવું અથવા એમ પણ કહી શકાય કે જીવવું એટલે આપવું ! જ્યારે તમે ‘સેવા–કાફે’માં ભોજન લેવા જાઓ છો ત્યારે તમે ગ્રાહક નથી; અતીથી છો અને તેથી દેવના સ્થાને છો. અહીં તમને પરીવારના સભ્ય તરીકે આવકારવામાં આવે છે. જ્યારે માણસ કોઈની સેવા કરે છે ત્યારે તે દીવ્યતાના પંથનો પ્રવાસી બને છે. અહીં પુર્ણત: વેજીટેરીયન ફુડ પ્રેમથી બનાવવામાં આવે છે અને માનવ–સાધનાના ‘અર્ન એન્ડ લર્ન’ – ‘કમાવ અને શીખો’ અંતર્ગત તાલીમ પામેલા સ્નાતકની ડીગ્રી ધરાવતા સેવકો (વેઈટર્સ !) દ્વારા ભોજન પીરસવામાં આવે છે. અહીં ભારતીય અને કોન્ટીનેન્ટલ પ્રકારની વૈવીધ્યપુર્ણ વાનગીઓ ઉપલબ્ધ છે. અહીં તમને પ્રાપ્ત થતું ભોજન વીનામુલ્યે પુરું પડાય છે. (‘ફ્રી લંચ જેવું કંઈ હોતું નથી’ તે કહેવતને ખોટું પાડનારો પ્રયોગ !) તમે જ્યારે બીલ ચુકવવાની કોશીશ કરો છો ત્યારે તમને કહેવામાં આવે છે, ‘તમારી અગાઉ આવેલા ગ્રાહકે આપનું બીલ ચુકવી દીધું છે. આપ ઈચ્છો તો આપના પછી આવનાર ગ્રાહક માટેનું બીલ સ્વેચ્છાએ ચુકવી શકો છો !’
‘સેવા–કાફે’ની ફીલોસોફી સમજવા જેવી છે, આ દુનીયામાં તીવ્ર અસમાનતા અને ભેદભાવની દીવાલ, એકબીજાથી જુદાઈ રાખીને આપણે સ્વયમ્ ઉભી કરી છે. અહીં કોઈએ બીલ ચુકવવાનું ન હોવાથી તમામ મહેમાનો સમાનતાનો ભાવ અનુભવે છે, આનન્દથી જમે છે અને કોઈને લઘુતાગ્રંથી પજવતી નથી. માણસ માણસ વચ્ચે ઉદારતાપુર્વકની ભલાઈની લાગણી અહીં જન્મે છે અને સૌ એકબીજાની સાથે સમાન કક્ષાએ સંવાદ કરી શકે છે. અન્યને માટે આપવાનું એક દીવ્ય ચક્ર સર્જાય છે. જેના તમે એક ભાગ બનો છો જે તમામ સહભાગીઓને પરીવારના સભ્ય હોવાની અનુભુતી કરાવે છે.
નીપુણભાઈ કહે છે, ‘અહીં ભાગ્યે જ કોઈ એવા મહેમાન(ગ્રાહક નહીં !) પધારે છે જે પોતાના પછી આવનારા માટે બીલ ચુકવ્યા વગર જતા હોય, લગભગ કોઈ જ નહીં. ‘સેવા–કાફે’માં જે આવક થાય છે તેનો સમ્પુર્ણ હીસાબ પારદર્શી છે. સંસ્થા દ્વારા નફાની પુરેપુરી રકમ સમાજની સેવામાં ખર્ચાય છે. નીપુણભાઈની આ સેવાસંકલ્પના વીશ્વભરમાં આવકાર પામી છે, એમને દુનીયાભરમાંથી આ પ્રયોગની વાતો સંભળાવવા માટે નીમંત્રણો મળે છે, અનેક આંતર રાષ્ટ્રીય એવોર્ડ્ઝ પણ તેમના સુધી પહોંચવા માંડ્યા છે.
અમદાવાદના એક રીક્ષાવાળાએ નીપુણભાઈનો સંદેશો ઝીલીને પોતાની સેવાઓ આપવા માંડી છે. રીક્ષામાંથી ઉતરતા મહેમાનને પ્રેમથી જણાવવામાં આવે છે : ‘સર, આપનું ભાડું કોઈએ ચુકવી દીધેલું છે… આપ ઈચ્છો તો સ્વેચ્છાએ આપના પછી આવનારા મહેમાન માટે ભાડું ચુકવી શકો છો !’
નીપુણભાઈના એક સ્માઈલ–કાર્ડ પર લખ્યું છે, ‘મેં એક ભલાઈનું કામ કર્યું, હવે આપનો વારો છે.’ ‘એક્ટ ઓફ ગીવીંગ, એક્ટ ઓફ કાઈન્ડનેસ’ના નીપુણભાઈના સુંદર વીચારો મેં આપના સુધી તો પહોંચાડ્યા… હવે આપનો વારો છે, ઈટ ઈઝ યોર ટર્ન નાઉ !
મેઘધનુષ
પ્રેમ, સમજ, સંગઠન શું પ્રગટાવી ન શકે સુખની જ્યોત ?
નીંદા, ઈર્ષ્યા, સ્પર્ધા ભુલી હવે ચાલો ભણીએ
પ્રેમ અને એકતાના પાઠ. મોડું ન કરો, નહીંતર તુટશે
વ્યક્તી… વ્યક્તી… પવીત્ર માળાનું વીખેરાશે મોતી… મોતી…
–અમૃતા પ્રીતમ
–ડૉ. શશીકાન્ત શાહ
સુરતના દૈનીક ‘ગુજરાતમીત્ર’માં દર બુધવારે વર્ષોથી પ્રકાશીત થતી જીવનઘડતરની લેખક લોકપ્રીય કટાર ‘માણસ નામે ક્ષીતીજ’માંથી (તા. 2જી જાન્યુઆરી, 2013ના અંકમાંથી) ગુજરાતમીત્ર અને લેખકશ્રી. શશીકાન્તભાઈની પરવાનગીથી સાભાર…
સર્જક–સંપર્ક : 35–આવીષ્કાર રો હાઉસ, તાડવાડી, સુરત– 395 005 ફોન : (0261) 277 6011 મોબાઈલ : 98252 33110 ઈ–મેઈલ: sgshah57@yahoo.co.in