સતત ભુતકાળમાં રાચતા અને એને વટાવતા વર્ગની એક ખાસીયત એ છે કે નાની અમથી વાતમાં એ તરત ‘પહેલાના જમાનામાં’ પહોંચી એની ભવ્યતાની વાતો કરવા માંડે છે. એમનો એ પહેલાનો જમાનો એટલે રામાયણ અને મહાભારતમાં વર્ણવાયેલ વૈદીક કાળ. ‘જુનું એટલું સોનું; નવું એટલું નકામું’ એ એમનો મંત્ર છે. તે સીવાય અન્યત્ર જ્યારે પણ ભારતીય સંસ્કૃતીની વાત આવે છે ત્યારે એની વીશીષ્ટતાનો બધો યશ આ વૈદીક સમયકાળને ફાળે જાય છે.
આ સમયકાળ ઉપરાન્ત પણ ભારતના ભુતકાળમાં ઘણું બધું બની ગયું છે. ઘણાંને એનો ખ્યાલ નહીં હોય કે પછી એનાથી એમનો હેતુ સરતો નહીં હોય એટલે રસ ન હોય. ક્યાંક સાંભળેલું કે વાચેલું આગળ ચલાવવાની વૃત્તી પણ એમાં ભાગ ભજવે છે.
આ વૈદીક કાળ સાચે જ કેવો હતો, એનું યોગદાન કેટલું અને કેવું રહ્યું, એની ભવ્યતાના ખ્યાલ ક્યાંથી અને ક્યારે આવ્યા એની થોડી ચર્ચા કરીએ.
ઈતીહાસે છેલ્લાં 2500 વરસની આછીપાતળી નોંધ રાખી છે એને ઐતીહાસીક સમય કહેવાય છે. એના પહેલાંનો 1000 વર્ષ લાંબો એવો સમય વૈદીક કાળ કે પૌરાણીક કાળ ગણાય છે. એની પહેલાં પણ 2000 વરસ સુધી ઉત્તર અને પશ્વીમ ભારત તેમ જ આજના પાકીસ્તાનમાં હરપ્પન સંસ્કૃતી વીકસી હતી. કમનસીબે આજે એના વીશે ઘણી ઓછી માહીતી ઉપલબ્ધ છે. ભુતકાળની આ પ્રસ્તાવના અને ચર્ચા વર્તમાનને સમજવા તેમ જ ભવીષ્યની શક્યતાઓને આલેખવા જરુરી છે.
એક વીચારધારા પ્રમાણે વીદેશીઓએ કરેલ ભારતીય સંસ્કૃતીના તેજોવધના પ્રત્યાઘાતરુપે 17મી સદી અને ત્યાર પછીના ઈતીહાસકારોએ ભારતનો વૈદીક સમય હતો એના કરતાં ઘણો જ વધારે ભવ્ય ચીતરવાનો શરુ કર્યો. એ મનોવૃત્તી અને ખ્યાલ ત્યારથી પાંગરતાં આવ્યાં છે.
જે ઈતીહાસમાં નોંધાયેલું હતું એને વધુ પડતું બદલાવવું શક્ય નહોતું; પણ પૌરાણીક કાળને જોઈએ એટલો અને એવો ઓપ આપી શકાતો હતો. એના માટેનો મંચ પણ તૈયાર હતો, જેનો ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો. વૈદીક કાળની આ વીશીષ્ટ માર્કેટીંગને લીધે બીજા બધા સમયકાળની સીદ્ધીઓને યથાયોગ્ય સ્વીકૃતી નથી મળી. આજના ભારતના વારસા પાછળ બધા જ સમયકાળનું યોગદાન છે. એની પાછળ જે અગણીત લોકોનો પુરુષાર્થ રહેલો છે તેઓ હમ્મેશને માટે ગુમનામ થઈ ગયા છે.
વ્યક્તી, બનાવ અને વીચારસરણીના માર્કેટીંગની અસર તેમ જ એના અભાવનાં પરીણામોની ઉંડાણપુર્વકની ચર્ચા આ પહેલાં સ્વતંત્ર લેખમાં કરવામાં આવી છે.
વીદેશી ઈતીહાસકારો જ્યારે પ્રાચીન સભ્યતાઓની વાત કરે છે ત્યારે ઈજીપ્ત, મેસોપોટેમીયા, ગ્રીસ, ચીન વગેરેનું નામ પહેલાં લેવાય છે. ભારતનું નામ પછી લેવાય છે. આની પાછળ એમનો ભારતદ્વેષ નહીં; પણ પુરાવાના અભાવ ઉપરાન્ત એમના ખ્યાલો આપણાથી અલગ હોવાની શક્યતા વધુ છે. ઈજીપ્ત અને ગ્રીસની પ્રાચીન સભ્યતાના પ્રતીક સમા અવશેષો ત્યાં હજી ઉભા છે અને એમની સીદ્ધીઓની પ્રતીતી કરાવે છે. આપણી પાસેના પ્રતીક એવા બૌદ્ધ સ્તુપ, શીલાલેખ, નાલંદા વગેરે બધા વૈદીક કાળના નહીં; બલકે ત્યાર પછીના ઐતીહાસીક સમયના અવશેષ છે.
પુરાતત્ત્વ ખોદકામથી મળી આવેલી બધી વસ્તુઓ હરપ્પન સભ્યતાની છે. જેમાં ખેતીનાં અને બીજાં ઓજારો છે; પણ યુદ્ધને લગતાં હથીયાર ખાસ નથી. આ એમની શાન્તીપ્રીયતાની નીશાની છે. વૈદીક સભ્યતાના પ્રતીક એવાં શસ્રો, અસ્ત્રો, રાજાઓના મુગટ, તુટેલા રથના ભાગ વગેરે વસ્તુઓ હજી સુધી કોઈ ખોદકામમાંથી મળી નથી.
હરપ્પન સંસ્કૃતી વીશે ભલે મર્યાદીત માહીતી હોય; પણ એના પછીના સમય પરની એની અસરને અવગણી ના શકાય. અહીંસક વીચારધારા ધરાવતા બૌદ્ધ અને જૈન ધર્મનાં મુળ શાન્તીપ્રીય હરપ્પન સભ્યતામાં હોવાની શક્યતા વધારે છે. યુદ્ધવીરોને બીરદાવતી લડાયક વૈદીક સભ્યતામાં હોવાની શક્યતા ઘણી ઓછી છે.
વૈદીક કાળની સૌથી મોટી પુંજી છે ગ્રંથો, મહાગાથાઓ અને અન્ય પુસ્તકો. વીવીધ વીષયો પરનું લખાણ ત્યારથી જ શરુ થયું છે. એમાં સમાયેલું વીસ્તૃત જ્ઞાન આજે પણ એટલું જ સુસંગત છે. છતાંયે પુસ્તકોની કેટલીક મર્યાદાઓ હોય છે. એ ક્યારે લખાયાં અને પાછળથી એમાં કેટલા અને કેવા ફેરફાર થયા એ વીશે ચોક્કસપણે કંઈ કહી શકાતું નથી. શું હોવું જોઈએ અને શું હોઈ શકે છે, એવી લેખકની કલ્પનાઓ અને અપેક્ષાઓ પુસ્તકોમાં વધુ હોય છે. એ બધું સો ટકા વાસ્તવમાં હતું એમ માની લેવામાં ભોળપણ છે. વૈદીક કાળનું જ્ઞાન સૈદ્ધાન્તીક વધુ છે. એનો વ્યાવહારીક ઉપયોગ ઘણી સદીઓ પછી થયો હતો. આજે પણ નવી શોધના વ્યાવહારીક ઉપયોગ માટે સદીઓ નહીં; તો દાયકાઓ તો લાગે જ છે.
પૌરાણીક દન્તકથાઓ અવાસ્તવીકતા, અસંગતતા અને વીરોધાભાસથી ભરપુર છે. એની ચર્ચા કરવી એટલે કે વીવાદનો મધપુડો છંછેડવા બરાબર છે. ચમત્કારોથી ભરપુર વાર્તાઓ લોકોને વધુ ગમે છે. પણ દન્તકથાઓને જ્યારે ઈતીહાસના નામે ફેલાવવામાં આવે છે ત્યારે અજ્ઞાન અને અન્ધશ્રદ્ધા પાંગરે છે. ભુતકાળનું ગૌરવ હોવું એ એક વાત છે અને એના નશામાં પડ્યા રહેવું એ બીજી વાત છે. દરેક પ્રકારનો નશો પ્રગતીની આડે આવી, હાનીકારક બને છે.
વર્ણવ્યવસ્થાને પરીણામે શરુ થયેલી અસ્પૃશ્યતા પણ વૈદીક સભ્યતાની જ ઉપજ છે. આ ભારતીય સંસ્કૃતી પરનું સૌથી મોટું કલંક રહ્યું છે. વૈદીક સમય બ્રાહ્મણો અને ક્ષત્રીયો માટે ભલે સુવર્ણકાળ હોય, આમપ્રજા માટે તો નહોતો જ.
છેલ્લાં 2500 વરસની ઈતીહાસની નોંધ પ્રમાણે ઉત્તર ભારતનો સુવર્ણકાળ મૌર્યવંશ, ગુપ્તવંશ અને પછી ઠેઠ મોગલકાળના પુર્વાર્ધ દરમીયાન ગણવામાં આવે છે. આ ઉપરાન્ત ભારતમાં એક લાખથી પણ વધારે રાજાઓ થઈ ગયા. એમાંથી ઈતીહાસમાં ગૌરવશાળી સ્થાન પામેલા રાજાઓની સંખ્યા સો બસોથી વધુ નહીં હોય.
રાજાશાહીના જમાનાની ફક્ત ઉપલા વર્ગની વાતો જ નોંધાયેલી છે. 99 ટકા પ્રજાની કથા–વ્યથાનો ક્યાંય અણસાર નથી. પ્રજાનો એક મોટો ભાગ દલીત ને દાસ હતો. એમના માટે સમ્પત્તી રાખવાનું શક્ય અને માન્ય નહોતું. બીજો વીશાળ વર્ગ ખેડુતોનો હતો. તેમના પર કરનો બધો ભાર હતો. પુષ્કળ રાજકીય અને સામાજીક બન્ધનો હતાં. શીક્ષણ અને સ્વતન્ત્રતાનો સદન્તર અભાવ હતો. પડોશી રાજ્યો વચ્ચેનાં યુદ્ધો એક સામાન્ય ઘટના હતી. વેપારી વર્ગ સીવાયની વ્યક્તીઓ માટે આર્થીક પ્રગતી શક્ય નહોતી.
સદીઓ સુધી ચાલેલી આ રાજકીય અરાજકતા છતાંયે ભારતીય સંસ્કૃતી પાંગરતી રહી છે. ભવ્ય મન્દીરોનું નીર્માણ, શીલ્પ–સ્થાપત્ય, ચીત્રકામ, સંગીત, સાહીત્ય વગેરે જે આજે પણ મોજુદ છે એનો મોટો ભાગ આ સમય દરમીયાન થયેલો છે. કમનસીબે ઈતીહાસે એની ખાસ નોંધ લીધી નથી.
વર્તમાનને વખોડનારાઓને નહીં દેખાય; પણ ભારત માટે સાચો સુવર્ણકાળ હવે આવ્યો છે. સાચો એટલા માટે કે પહેલાંની જેમ એ ફક્ત ખાસ વર્ગ પુરતો મર્યાદીત નથી; પણ દેશ આખા માટે છે. આ માત્ર આર્થીક પ્રગતી નહીં; પણ બધી બાબતોને લાગુ પડે છે.
પહેલીવાર ભારત એક રાષ્ટ્રીય એકમ તરીકે ઉભરી આવ્યો છે. ગુંગળાવી નાંખતી પુરાણી સમાજવ્યવસ્થા અને શોષીત આર્થીક વ્યવસ્થામાંથી દલીત, ગરીબ અને સ્ત્રી વર્ગ બહાર નીકળી રહ્યો છે. રાજકીય સ્વતન્ત્રતા કરતાં આ સામાજીક અને આર્થીક સ્વતન્ત્રતા એમના માટે વધુ મહત્ત્વ ધરાવે છે. શીક્ષણ વધ્યું છે. ચેપી રોગો અંકુશમાં આવ્યાથી આવરદા લંબાઈ છે. બધાને વીવીધ ક્ષેત્રોમાં પોતાની કુશળતા અજમાવવાની તક મળે છે. કળા, મનોરંજન, વ્યવસાય વગેરે બધાં ક્ષેત્રોમાં આ સ્પષ્ટ દેખાય છે. જાતીવાદ, અસ્પૃશ્યતા, પરપ્રાન્તના લોકો પ્રત્યેનો અણગમો અને અવીશ્વાસ ઓછા થઈ રહ્યા છે. વીકસતાં શહેરો, પરીવહન અને સંદેશાવ્યવહારનો આની પાછળ ઘણો મોટો ફાળો રહેલો છે.
આર્થીક પ્રગતીના આંકડામાં ન દેખાતી આ બધી બાબતો સમાજ અને દેશને શક્તીશાળી બનાવવામાં અને ટકાવી રાખવામાં ખુબ અગત્યનો ભાગ ભજવે છે.
છેલ્લા બે દાયકામાં આર્થીક ક્ષેત્રે સાધેલ પ્રગતીને લીધે ભારત આજે આગલી હરોળના દેશો વચ્ચે સ્થાન મેળવી શક્યું છે. આની પાછળ આપણી મહેનત અને કાબેલીયત ઉપરાન્ત કુદરતની કૃપા અને આન્તરરાષ્ટ્રીય સંજોગોએ પણ મોટો ભાગ ભજવ્યો છે. આઝાદીએ આપણને આબાદીની જે તક આપી છે, એનાં ફળ બધાને એકસરખાં અને આપોઆપ નથી મળી જવાનાં. એ મેળવવાની સ્વતન્ત્રતા મળી છે, જે પુરાણી સમાજવ્યવસ્થામાં નહોતી. લાયકાત આપણે પોતે કેળવવાની છે.
બદલાતી સામાજીક અને આર્થીક વ્યવસ્થાથી જેમને કંઈક ગુમાવવાનું છે એ લોકો ‘ધર્મદ્રોહ’, ‘નૈતીક અધ:પતન’, ‘સંસ્કૃતીનો નાશ’ વગેરે જેવા નારા લગાવીને એનો વીરોધ કરતા રહેવાના. એમની વાતોમાં જે થોડુંઘણું પણ સત્ય હોય તે એકંદરે થયેલ પ્રગતીની ચુકવવી પડતી કીમ્મત ગણાશે.
કોઈ ગમે તેટલો વીરોધ કરે પણ જે પરીવર્તન ચાલુ થયું છે તે અટકવાનું નથી; કારણ એમાં આપણે એકલા નથી. આપણા પુરતું એને ધીમું પાડી શકીએ એટલું જ.
પહેલી વખત મોટાભાગની દુનીયા એક જ દીશામાં જઈ રહી છે. એ છે ‘લોકશાહી રાજ્યપદ્ધતી’ અને ‘મુક્તવેપારની આર્થીક નીતી’. બીજા વીશ્વયુદ્ધની સમાપ્તી અને ભારતની આઝાદી વખતે ફક્ત 25 દેશોમાં લોકશાહી હતી. 60 વરસમાં એ સંખ્યા વધીને 125 જેટલી થઈ ગઈ છે. જે દેશોએ હજી સુધી લોકશાહી નથી અપનાવી, એમણે પણ મુક્ત આર્થીક નીતી અપનાવી છે. દુનીયાથી અલીપ્ત રહેવાની સનાતની મનોવૃત્તી અધોગામી છે.
આપણી જ પ્રગતીથી અંજાઈને આપણે આત્મગૌરવથી આગળ વધી આત્મપ્રશંસા / આત્મશ્લાઘા સુધી જવા લાગ્યા છીએ. બેઠામાંથી ઉભા થઈ ચાલવા માંડ્યું છે. દોડવાનું તો હજી બાકી છે, ત્યાં જીતવાની વાતો થાય છે. કેટલાક લોકોને મહાસત્તા બનવાનું હાથવેંતમાં લાગે છે.
ઉંચું ધ્યેય રાખવામાં કંઈ ખોટું નથી; પણ પગ જમીન પર હોવા જરુરી છે. સફળતા કોઈને સારો કે ખરાબ નથી બનાવતી. માણસમાં કે સમાજમાં મુળભુત ગુણ કે અવગુણ, જે પણ હોય એને તે બહાર લાવે છે. આ નીયમ માણસની જેમ રાષ્ટ્રને પણ લાગુ પડે છે.
હવે વાસ્તવમાં એક ડોકીયું કરીએ. દુનીયાની કુલ વસ્તીનો છઠ્ઠો ભાગ ભારતમાં વસે છે. જ્યારે આપણે દુનીયામાં થતા કુલ ઉત્પાદનના છઠ્ઠા ભાગ જેટલું ઉત્પાદન કરીએ, દરેક ક્ષેત્રની ‘એકસો શ્રેષ્ઠ’ની યાદીમાં 17 નામો ભારતીયોનાં આવતાં થાય ત્યારે આપણે દુનીયાની સરેરાશમાં આવ્યા કહેવાઈશું. આગેવાન બનવાની વાત પછી આવશે. રમતગમત જેવાં કેટલાંક ક્ષેત્રોમાં હજી તો ખાતું માત્ર ખોલ્યું છે.
રાષ્ટ્રીય ઉત્પાદનમાં જે રાષ્ટ્રોથી આગળ નીકળવાની સંભાવના છે એમના કરતાં આપણે વીસ્તારમાં દસ ગણા અને વસતીમાં પંદર ગણા જેટલા મોટા છીએ. વૈશ્વીકીકરણ અને ઔદ્યોગીકીકરણના આ જમાનામાં જ્યારે માનવ સંખ્યા એ ખરી સંપત્તી છે, ત્યારે વસતી પ્રમાણે દેશોના ક્રમ અને મહત્ત્વ રહે એ સ્વાભાવીક છે. આપણું વાજબી સ્થાન હોવું જોઈએ એ તરફ આગળ વધી રહ્યા છીએ એટલું જ. આજે વસતીની રીતે ભારત દુનીયાનો બીજા નંબરનો અને ક્ષેત્રફળની રીતે દુનીયાનો સાતમા નંબરનો મોટો દેશ છે (ક્ષેત્રફળમાં ભારતથી ઘણા મોટા દેશ એવા કેનેડા અને ઓસ્ટ્રેલીયાની જેટલી વસતી છે એટલો વસતીવધારો ભારતમાં બે વર્ષમાં થાય છે !)
આર્થીક પ્રગતીથી ન્યાયતંત્રની જડતા, કાયદો અને વ્યવસ્થાનો અભાવ, ભ્રષ્ટાચાર, ટ્રાફીકની સમસ્યા, જાહેર જગ્યાઓની ગંદકી વગેરે પ્રશ્નો હલ નથી થઈ જવાના. એમ કહેવાય છે કે અંદરથી સડો લાગ્યા સીવાય બહારથી પડી ભાંગવું સહેલું નથી. આને જ બીજી રીતે જોતાં એમ કહેવાય કે બીજાઓ પર સરસાઈ મેળવવી હોય તો અંદરનો સડો દુર કરવો આવશ્યક છે. મહાસત્તા બનવા માટે આ બધું કરવું જરુરી છે.
રાજકારણીઓ ભલે આન્તરીક વીવીધતાને આપણી શક્તી કહેતા હોય; પણ એ એક પ્રચાર જ છે. વાસ્તવમાં આપણો જાતીવાદ, ધર્મવાદ વગેરે પ્રગતીમાં હમ્મેશાં બાધારુપ–અડચણરુપ રહ્યા છે. આપણું રાજકારણ એનો પડઘો પાડે છે.
ભાગ્યમાં માનતી અને મન મનાવીને બેસી રહેતી અશીક્ષીત, ગરીબ પ્રજા હવે એટલી ભોળી નથી રહી. આનો યશ ટી.વી.ને ફાળે જાય છે. એમની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ વધી છે. આર્થીક અસમાનતા પ્રત્યેના એમના પ્રતયાઘાતો પ્રગતીમાં અવરોધ બની શકે છે.
આટલાં બધાં નકારાત્મક પરીબળો ઉપરાન્ત વર્તમાનકાળ આગલા કોઈપણ સમયકાળ કરતાં પ્રજા માટે વધારે સારો છે. ભારતના સાચા સુવર્ણકાળની આ હજી શરુઆત છે. મધ્યાહ્ને પહોંચવામાં હજી ઘણી વાર છે. જ્યારે પણ ત્યાં પહોંચીએ એનો યશ પ્રગતીશીલ નવી વીચારસરણીને હશે. પરીવર્તન વીરોધી જુનવાણી માનસને નહીં.
ધર્મ, સંસ્કૃતી, ઈતીહાસ બધાં એકબીજાં સાથે વણાયેલાં છે. આ બધું લખાણ કોઈ એક ચોક્કસ ધર્મ કે સંપ્રદાયને લક્ષમાં રાખી કરવામાં નથી આવ્યું. કેટલીક બાબતો સામાજીક સ્તરે, કેટલીક રાષ્ટ્રીય સ્તરે જ્યારે મોટાભાગની માનવસમુદાયને સમ્બોધે છે. એટલા માટે એનો સન્દર્ભ જોવો જરુરી છે.
–મુરજી ગડા
લેખક સમ્પર્ક: શ્રી. મુરજી ગડા, 1, શ્યામવાટીકા સોસાયટી, વાસણા રોડ, વડોદરા – 390 007 ફોન: (0265) 231 1518 સેલફોન: 97267 99009 ઈ.મેઈલ:mggada@gmail.com
કચ્છી જૈન સમાજ, અમદાવાદનું મુખપત્ર ‘મંગલ મંદીર’ માસીકના 2007ના નવેમ્બર માસના અંકમાં પ્રકાશીત થયેલો લેખકનો આ લેખ, લેખકશ્રીની પરવાનગીથી સાભાર…