ગ્રે સીલ્સની સંવનન અને પ્રજનનની પ્રક્રિયામાં થતું પરિવર્તન
આવા પરિવર્તન પામેલા પર્યાવરણના પ્રતાપે નરગ્રેસીલ્સમાં એક નહિ બે નહિ પરંતુ અનેક માદા સીલ્સ સાથે જાતિય સમાગમ કરવાની ઉત્તેજના અને આવેગ જાગૃત થવા પામે છે. પરિણામે ગ્રેસીલ્સની વસતીમાં પણ નોંધપાત્ર વધારો જોવામાં આવ્યો છે એવું ડરહામ યુનિવર્સિટી ખાતે બાયોલોજીકલ સવિન્સના પ્રોફેસર ડૉ.સોન ડી.ટ્વીસે જણાવ્યું હતું.
પ્રો.સોને એવું પણ જણાવ્યું હતું કે આવા હવામાનમાં થતા ફેરફારોને કારણે વિવિધ વાતાવરણથી ટેવાઈ ગયેલાં પ્રાણીઓ સ્થળાંતર કરે છે કે કેમ અને તેમના જાતિય જીવનમાં કેટલે અંશે પરિવર્તન જોવામાં આવે છે. જાતિય ઉપરાંત અન્ય કોઈ સામાજીક વ્યવસ્થા ઉપર પણ કોઈ પ્રભાવ પડે છે કે કેમ તેનો પણ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો છે.
વાતાવરણમાં થતા ફેરફારો અને ગ્રેસીલ્સ પ્રાણીઓના જાતિય વ્યવહાર અને વર્તન વચ્ચેના આંતર સંબંધને લગતા અભ્યાસને હાથ ધરવા પાછળનો મૂળ હેતુ એ છે કે ગ્રે સીલ્સ અમુક મોસમમાં જ અને તે વર્ષમાં એક જ વાર સંવનન કરે છે. ગ્રે સીલ્સ ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં માત્ર ૧૮ દિવસ માટે જ જાતિય જીવનમાં વ્યસ્ત રહે છે અને ત્યારબાદ આગામી વર્ષે આજ સમય દરમિયાન પ્રજનનની પ્રક્રિયા શરૃ થાય છે અને આ પ્રક્રિયા પૂરી થયા બાદ તુરત જ ૧૬ દિવસ બાદ પાછી ફરીથી સમાગમની પ્રવૃત્તિનો પ્રારંભ થઈ જાય છે.
માદા સીલ્સના સંવનન અને જાતિય જીવનની એક વિશેષ ખાસીયત એ પણ છે કે તે આખું વર્ષ ભલે ગમે ત્યાં હશે પરંતુ સંવનન, જાતિય સમાગમ અને પ્રજનનના સમયે તે પાછી પોતાના એ કાયમી સ્થળે બરાબર ચોક્કસ સમયે પહોંચી જાય છે. પસંદગીના ખાસ ભૌગોલિક સ્થળે માદા સીલ્સના આ સામૂહિક સ્થળાંતરના પરિણામે નર સીલ્સ પણ આવા સ્થળે અચૂક પહોંચી જાય છે કારણ કે આ સ્થળે નર કરતાં માદા સીલ્સની સંખ્યા અનેક ઘણી વધારે હોવાથી નર સીલ્સને અનેકાનેક માદા સીલ્સ સાથે જાતિય સમાગમ કરવાનો સુઅવસર પ્રાપ્ત થાય છે.
વરસાદની મોસમમાં પણ ઘણી અનિયમિતતા આવી હોવાને કારણે ઉત્તર એટલાંટીક મહાસાગરના ઘણા ટાપુઓમાં વરસાદના પાણીનાં ખાબોચિયાંની સંખ્યામાં પણ ઘટાડો થવાને કારણે આવાં ખાબોચિયાંની શોધમાં માદા સીલ્સ દ્વારા મહાસાગરમાં ઘણે દૂર દૂર સુધી પ્રવાસ કરવો પડતો હોય છે.
માદા સીલ્સના આટલા લાંબા અંતરે થતા સ્થળાંતરના પરિણામે હવે નર સીલ્સ દ્વારા પણ માદાઓને શોધવા માટે ઘણા લાંબા અંતર સુધી ફાંફાં મારવાં પડે છે. પરિણામે નર સીલ્સને જોઈતી સંખ્યામાં માદા સીલ્સ મળી રહેતી નથી. પરિણામે નબળા નર સીલ્સ જેમને અત્યાર સુધી માદા અને સીલ્સ માટે વલખાં મારવાં પડતાં હતાં. તેમને ઓછાવત્તા પ્રમાણમાં માદા સીલ્સ મળી રહેતાં તેમને માદા મેળવવામાં કોઈ વિશેષ પ્રયાસ કરવો પડતો ન હતો. માદા સીલ્સ પણ પોતાના માનીતા નર સીલ્સ સાથે જ સમાગમ કરવાનો આગ્રહ ન રાખી તે સમયે જે નર મળી રહેતો તેની સાથે સમાગમ કરી લેવામાં સંતોેષ માની લેતી. જાતિયજીવનમાં આવી બાંધછોડ અને સમાધાની વૃત્તિના પરિણામે પણ ઘણી એકલદોકલ (સમૂહમાં નહિ) માદા સીલ્સ ગર્ભવતી થતી હોવાને કારણે પણ સીલ્સની સંખ્યામાં વધારો જોવામાં આવતો.
લગભગ ૧૯૯૬થી ૨૦૦૪ સુધીના નવ વર્ષના સમયગાળા દરમિયાન હાથ ધરવામાં આવેલા આ અભ્યાસ દરમિયાન એટલું તો જાણવામાં આવ્યું કે ચોમાસા દરમિયાન સર્જાતા ખાબોચિયાં દરમિયાન અનુકૂળ મોસમમાં થતા સંવનન અને જાતિય સમાગમ દ્વારા થતા પ્રજનન કરતાં પ્રતિકુળ મોસમ દરમિયાન થતા સ્થળાંતરના પરિણામે થતા સંવનન અને સમાગમના આધારે પ્રજનન વધુ પ્રમાણમાં થતું જોવામાં આવ્યું હતું. આ ઉપરથી સંશોધકો એવા નિષ્કર્ષ પર પહોંચ્યા હતા કે મોસમમાં થતા ફેરફારો નર અને માદા બંને સીલ્સના જાતિય જીવનને વધુ પ્રભાવિત કરતા હતા અને પ્રતિકુળ મોસમમાં નર માટે માદાની પસંદગીમાં પણ બાંધછોડ કરવાની ફરજ પડતી હોવાના પ્રસંગો નોેંધવામાં આવ્યા હતા. આમ તો આ અભ્યાસ ગ્રે સીલ્સ પૂરતો મર્યાદીત હતો તેમ છતાં આના આધારે એ પણ જાણવામાં આવ્યું હતું કે ગ્રે સીલ્સ ઉપરાંત આ પ્રદેશનાં અન્ય જળચર પ્રાણીઓની યોનિઓ પણ પર્યાવરણમાં થતા ફેરફારો અને વાતાવરણમાં આવતા પરિવર્તનના પ્રતાપે પ્રભાવિત થતી જોવામાં આવી હતી.
હવામાનમાં થતા ફેરફારો એક તરફ જો કે અમુક જળચર જીવસૃષ્ટિના જાતિય જીવનમાં પરિવર્તન લાવી તેમની સંખ્યામાં વધારો કરવા નિમિત્ત બનતા તો વળી બીજી અમુક યોનિઓના જાતિય જીવનમાં એવું પરિવર્તન પણ લાવતા કે પ્રજનનની પ્રક્રિયા નબળી પડતાં તેમની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો કરવામાં પોતાનો વિશેષ ફાળો પ્રદાન કરતા.
ઉત્તર એટલાંટીક મહાસાગરના પ્રદેશમાં અતિશય ઠંડી પડતી હોવાથી જ્યારે પણ આ તમામ વિસ્તારમાં થોડા સમય માટે પણ જો ગરમાટાનું વાતાવરણ ઉભું થતું તો આ વિસ્તારની અનન્ય ગ્રેસીલ્સની યોનિના નર-માદાઓના જાતિય ઉત્તેજના, આવેગ અને ઉન્માદના પ્રમાણમાં પણ ભારે ગરમાટો જોવામાં આવતો અને તેનો બારોબાર પ્રભાવ આ યોનિની પ્રજનન પ્રક્રિયા પર પડતો.
-Gujarat Samachar