20130403

ઉપભોક્તા શિકાર છે ..-સંજય વોરા


સ્વાગત,
વાંચક મિત્રો ..
"ઉપભોક્તા શિકાર છે" .. હેલ્થ કેર ના નામે દાકતરી સેવા,દવાઓ બનાવનાર કંપનીઓ, હોસ્પિટલો અને વીમા કંપનીઓ ની સહિયારી ચુન્ગલ  -  
ભાઈ સંજય વોરા એ જાણવા/સમજવા આચરવા જેવી બાબતો ઉલ્લેખી છે .. વાંચજો અને વંચાવજો ..SP
અમેરિકામાં હૃદયરોગની સારવારનો ૨પ વર્ષનો અનુભવ ધરાવતા નામાંક્તિ નિષ્ણાત ડો. ડ્વાઇટ લુન્ડેલ કહે છે કે 'આપણે ડોક્ટરો આપણા જ્ઞાન, તાલીમ અને અનુભવને આધારે એવા અહ્મથી પીડાવા લાગીએ છીએ કે આપણે કદી ખોટા હોઇ શકીએ નહીં. મને આવો અહ્મ નથી માટે કબૂલ કરું છું કે હૃદયરોગના નિદાન અને ચિકિત્સા બાબતમાં હું ખોટો છું.’ ડો. લુન્ડેલની ગણતરી હૃદયરોગ બાબતમાં ઓથોરિટી તરીકે થાય છે. તેઓ અને તેમના સાથીદારો હૃદયરોગ બાબતમાં ઓપિનિયન મેકર ગણાય છે.


તેઓ કહે છે કે 'વર્ષો સુધી અમે માન્ય કર્યું કે હૃદય રોગનું મુખ્ય કારણ બ્લડ કોલેસ્ટરોલમાં થયેલી વૃદ્ધિ છે. આ કારણે અમે હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડતી દવાઓ આપ્યા કરીએ છીએ અને જેમાં કોલેસ્ટરોલ વધુ હોય તેવો ચરબીયુક્ત આહાર ઓછો લેવાની સલાહ દર્દીને આપીએ છીએ. હવે વૈજ્ઞાનિક રીતે સાબિત થયું છે કે કોલેસ્ટરોલના વધવાથી હૃદયરોગ થતો નથી. હવે એવું માનવામાં આવે છે કે ધમની પહોળી થવાથી હૃદયરોગ થાય છે. આ કારણે હૃદયરોગના પ્રાદુર્ભાવ અને ચિકિત્સા બાબતમાં વિચારવાની આખી દિશા જ બદલાઇ ગઇ છે.’



પોતાની દલીલના સમર્થનમાં આંકડાઓ અને હકીકતોનું વર્ણન કરતાં ડો. લુન્ડેલ કહે છે કે 'આજની તારીખમાં અમેરિકાના ૨પ ટકા નાગરિકો હૃદયરોગથી બચવા માટેની દવાઓ લે છે અને તેમણે પોતાના આહારમાં ચરબીનું પ્રમાણ એકદમ ઘટાડી દીધું છે. તેમ છતાં આ વર્ષે હૃદયરોગથી ક્યારે જ નહોતા મર્યા એટલા અમેરિકનો મરશે.’ અમેરિકન હાર્ટ એસોસિયેશનના આંકડાઓ કહે છે કે અત્યારે ૭.પ કરોડ અમેરિકનો હૃદયરોગથી પીડાય છે. બે કરોડ લોકો ડાયાબિટીસથી પીડાય છે અને બીજા પ.૭ કરોડ લોકો ડાયાબિટીસની સરહદરેખા ઉપર ઊભા છે. જો લોહીનું વહન કરતી ધમનીમાં સોજો ન હોય તો લોહીનું સહેલાઇથી પરિભ્રમણ થાય છે અને હૃદયરોગનો હુમલો આવતો નથી. જો ધમનીમાં સોજો હોય તો તેમાં કોલેસ્ટરોલ અટકી જાય છે અને હાર્ટએટેક આવી શકે છે. આ રીતે હાર્ટએટેકનું ખરું કારણ કોલેસ્ટરોલ નથી પણ ધમનીનો સોજો છે. જે તબીબો હૃદયરોગની સારવાર માટે કોલેસ્ટરોલ ઘટાડવાની દવાઓ આપી રહ્યાં છે તેઓ દર્દીનું અહિ‌ત કરી રહ્યાં છે.



આપણા શરીરમાં સોજો શા માટે આવે છે, તે પણ સમજવા જેવું છે. આપણા શરીરને માફક ન આવે તેવો અથવા ઝેરી પદાર્થ તેમાં દાખલ કરવામાં આવે ત્યારે તેને બહાર ફેંકી દેવા માટે આપણા કાકડામાં સોજો આવે છે. સોજો એ શરીરની કુદરતી સંરક્ષણપ્રક્રિયા છે. પરંતુ આપણે જ્યારે ઇરાદાપૂર્વક શરીરમાં વારંવાર હાનિકારક પદાર્થો ઠાલવ્યા કરીએ ત્યારે આ સોજો અસાધ્ય બની જાય છે, જે શરીર માટે ભારે હાનિકારક છે. ડો. લુન્ડેલ અત્યંત જવાબદારીપૂર્વક લખે છે કે હૃદયરોગથી બચવા માટે તબીબો જે પ્રકારનો આહાર લેવાનું દર્દીઓને કહેતા આવ્યા છે એ આહાર જ હૃદયરોગ માટે કારણભૂત બને છે. તેમના જણાવ્યા મુજબ ઓછી ચરબી અને વધુ કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતો આહાર ધમનીના સોજાનું કારણ બને છે.



કોઇ પણ વ્યક્તિને હૃદયરોગ થાય ત્યારે ડોક્ટરો તેને ઘી - તેલ જેવા ચરબીયુક્ત પદાર્થો આહારમાં લેવાની મનાઇ ફરમાવે છે. તેને બદલે તેને ઓછું કોલેસ્ટરોલ અને વધુ ઓમેગા - ૬ ધરાવતાં સોયાબીન, મકાઇ અને સૂર્યમુખીનાં તેલનો ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવે છે. ડો. લુન્ડેલ કહે છે કે આ પ્રકારનો આહાર જ ધમનીના સોજા માટે જવાબદાર છે. એક સરખામણી આપતાં કહે છે કે જો તમે ચામડી ઉપર દરરોજ સૂકું બ્રશ ઘસ્યા કરો તો શું થાય ? લાલ ચાંદા પડી જાય અને તેમાંથી લોહી નીકળવા લાગે. ત્યારપછી પણ તમે બ્રશ ઘસવાનું ચાલુ રાખુ તો શું થાય? ત્યાં સોજો આવી જાય અને પીડા થાય. ડો. કહે છે કે બ્રશથી જે રીતે બાહ્ય ચામડી ઉપર ઇજા થાય છે, તેમ રૂક્ષ આહાર લેવાથી અંદરની ધમનીઓને ઇજા થાય છે. આ ઇજાગ્રસ્ત ધમનીઓમાં લોહીનું પરિભ્રમણ ઘટી જતાં હૃદય ઉપર દબાણ આવે છે અને હાર્ટએટેક આવે છે.



 હૃદયરોગના ભયથી અમેરિકાની અને મોટા ભાગના વિકાસશીલ દેશોની પ્રજા ચરબી અને વધુ શર્કરા ધરાવતો આહાર લેવા લાગી છે. બજારમાં હૃદયરોગ સામે કહેવાતું રક્ષણ આપતાં ખાદ્ય પદાર્થોનો ખડકલો થયો છે. લોકો જે બટેટાની ચિપ્સ ખાતાં હોય છે, તેને પણ સોયાબીનના તેલમાં તળવામાં આવી હોય છે. પ્રોસેસ્ડ ફૂડમાં ઓમેગા -૬ તેલોનો બહોળો ઉપયોગ થાય છે. આ પ્રકારના ખોરાકને કારણે શરીરમાં ચરબી વધે છે અને ધમનીઓ પહોળી થાય છે. આ પ્રકારનો આહાર નિયમિત લેવાને કારણે જ ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હૃદયરોગ અને છેવટે અલ્ઝાઇમર્સની બીમારી થાય છે.



ડો. લુન્ડેલ આખી વાતનું સમાપન કરતાં કહે છે કે કોલેસ્ટરોલથી બચવા માટે આપણે જે પ્રોસેસ કરેલો આહાર ખાઇએ છીએ તે જ હૃદય રોગ પેદા કરે છે અને તેને વકરાવે છે. તેને બદલે જો આપણે ઘી, તલનું તેલ, માખણ વગેરેના સ્વરૂપમાં સંતૃપ્ત ચરબીયુક્ત આહાર ગ્રહણ કરીએ તો તેમાં ઓમેગા-૬નું પ્રમાણ ઓછું હોય છે અને તે હૃદય માટે લાભકારક બને છે. જો આપણે હૃદયરોગથી બચવું હોય તો આપણાં દાદીમા જે ખોરાક ખાતાં હતાં એ ખોરાક આપણે પણ ખાવો જોઇએ.
sanjay.vora@dainikbhaskargroup.com