20130416

હાસ્ય ઉખાણાં – નિર્મિશ ઠાકર


1]
નવરો પૂછે પ્રશ્ન, ને….
નવરાં દિયે જવાબ
ગરવી આ ‘ગરબડ’ પછી
ખાણાં કરે ખરાબ !
(જવાબ – ઉખાણાં)
[2]
કલમે કાઠો છે, છતાં
નહીં કવિ નહીં લેખક
‘કૃતિ’નાં કાઢે છોતરાં
કદી ચૂકે ના તક !
(જવાબ – વિવેચક)
[3]
કામ તમે ચીંધો પછી
આંખો એની ફેણ !
તૂર્ત રકાબી ફોડશે
નહીં સાંધો નહીં રેણ !
(જવાબ – રામો)
[4]
કંથ સમો બબડે કદી
કોઈ ન સાંભળનાર
ટીવીએ ઘર ઝૂંટવ્યું
કાઢ્યો ઘરની બહાર !
(જવાબ – રેડિયો)
[5]
આવર્તન પૂરું થતાં
ફરી કવિને દ્વાર
પ્રિયા બની અળખામણી
છતાં નથી એ નાર !
(જવાબ – ‘પાછી આવેલી કવિતા’)
[6]
ધ્યાન ધરે બીજે, છતાં
ગુણલા ‘મા’ ના ગાય
કન્યા સમ લટકા કરી
આ કયું જનાવર ગાય ?
(જવાબ – ગરબે ઘૂમતા પુરુષો !)
[7]
સર્જક ને સુખ દે નહીં
મુડ બગાડે નાહક
છોલે પણ છાપે નહીં
(એ) વાદ્ય વિનાનો વાદક !
(જવાબ – સંપાદક)
[8]
જે ખાતાં કિસ્મત ખૂલે
બંધ રહે છે મુખ !
ઓડકાર આવે નહીં
ને બમણી લાગે ભૂખ
(જવાબ – લાંચ)
[9]
કલ્પીને એવી લખો
કથા મસાલેદાર
‘હું’ ને પણ મોટો કરો
કોઈ નથી પૂછનાર
(જવાબ – આત્મકથા)
[10]
લખી લખી જેના વિના
લેખક લથડી જાય
કૃતિઓ પણ પસ્તી દીસે
કહો ચેલા કેમ થાય ?
(જવાબ – લેખન (પુરસ્કાર વિના))
[11]
જે ખાતાં તન તરફડે
મન અંદર મરડાય
શ્વાન કદી સૂંઘે નહીં
પણ ઘરવાળો ખાય !
(જવાબ – પત્નીની ‘નવી’ વાનગી)
[12]
હકથી આવરતો બધું
ખર્ચ ઘણો, શું ખાળો ?
બ્હેની કેરું નામ લઈ
ઘરમાં કરતો માળો
(જવાબ – સાળો)
[13]
ધમણ ખરી, ભઠ્ઠી નથી
લમણે વાગે સૂર
આંગળીઓ કૂદે અને
શ્રોતા ભાગે દૂર
(જવાબ – હાર્મોનિયમ)
[14]
ક્રોધિત પત્ની હાથમાં –
ધરે, કરે રમખાણ
કાંપે થરથર કંથ, જે –
કરતું બહુ ધોવાણ
(જવાબ – વેલણ)
[15]
મરનારો ભુલાઈ ગયો
હસવા લાગ્યાં લોક
વરસીનો વિવાહ થયો
શોક બની ગ્યો જોક !
(જવાબ – હાસ્યકાર બેસણામાં પધારતાં)
[16]
વેલ નથી પણ તેલ છે
કહું આટલું મોઘમ
ઝાઝું પીતાં દોડશો
બહુ ન લેવું જોખમ !
(જવાબ – દિવેલ)
[17]
આપ ચિતાએ જો ચડો
તો એ દેતી ફળ
એ ઝાલી ઘરનાં ગણે
આપની એક એક પળ !
(જવાબ – વીમા-પૉલીસી