20130314

પ્રાણીઓને જીવંત રાખતી વ્હીલચેર...!


શોધ-સંશોધન - વસંત મિસ્ત્રી

અપંગ થઈ ગયેલું શ્વાન જ્યારે શરીરને જમીન પર ઘસડીને ચાલે છે ત્યારે આપણને ખૂબ દુઃખ થાય છે. તેને કોણે મદદ કરવી જોઈએ? અને શી મદદ કરવી જોઈએ? એ પ્રશ્નોનો ઉત્તર કોઈને મળતો નથી.
જ્યારે ડૉગ પોતાનો પગ ગુમાવી ચૂક્યો હોય ત્યારે વ્હીલચેરનો ઉપયોગ થઈ શકે છે. ધારો કે પાછળના બે પગો નકામા થઈ ગયા હોય તો ખાસ પ્રકારની વ્હીલચેર તેના શરીર સાથે બાંધી દેવાથી તે ચાલી શકે છે. ઈમ્પોર્ટેડ વ્હીલ ચેર ૩૬,૦૦૦ રૃા.ની થઈ જાય છે. પરંતુ તેને આપણા દેશના તાપમાન સાથે અનુકૂળ બનાવવી પડે છે.
દા.ત. થાઈલેન્ડ જેવા ભેજવાળા દેશમાં લેધરના પેડવાળી વ્હીલચેર ડૉગને વધુ ગરમ પડે છે. તે આરામદાયી હોતી નથી અને કેટલીકવાર તે જંતુઓ માટેનું બ્રિડિંગ ગ્રાઉન્ડ બની જાય છે. એટલે દેશના તાપમાન પ્રમાણે વ્હીલચેરને કસ્ટમાઈઝ કરવી પડે છે. એને માટે  વેટની સલાહ જરૃરી છે.
વ્હીલચેર બનાવતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૃરી છે. આ બાબતો છે (૧) વ્હીલચેરનું મટીરિઅલ અને વજન (૨) પૈડાનું કદ (૩) રોગનો પ્રકાર (૪) પ્રાણીની ઉંમર. વ્હીલચેર કેટલી ઉપયોગી નીવડે તેનો આધાર કાળજી કરનાર માલિક અને પ્રાણી કેટલી ઝડપથી ગોઠવાઇ જાય તેના પર છે. વ્હીલચેર બનાવ્યા પછી પ્રાણી કેટલી સરળતાથી ચાલે છે તેનું બારીક ધ્યાન જરૃરી છે.
પ્રાણીને વ્હીલચેર પહેરાવ્યા પછી હંમેશને માટે તેમજ રાખવી ના જોઈએ. અવારનવાર પ્રાણીને તેનાથી મુક્ત કરવું જોઈએ. વ્હીલચેર ફક્ત શ્વાન માટે જ નહિ પણ સસલાં અને બિલાડી માટે પણ તૈયાર કરવામાં આવે છે. વ્હીલચેરની ડિઝાઈન માટે પશુ નિષ્ણાતની સલાહ જરૃરી છે.
વ્હીલચેરથી ચાલતું પ્રાણી આનંદમાં રહે છે. તેની સ્થિતિ માટે તે દુઃખી જણાતું નથી. વ્હીલચેરથી ચાલતો ડૉગ જીવંત અને હળવા હૃદયનો લાગે છે. તમારે બીનશરતી પ્રેમ શીખવો હોય અને મુસીબતોને સ્વીકારી લેતા શીખવું હોય તો પાળેલા ડૉગ જેવો કોઈ અન્ય ગુરૃ નથી...! ડૉગના દરેક માલિકે આ વાત મહદ્અંશે અનુભવી હોય છે.
***

બોટોક્ષથી કરચલીઓ દૂર થશે પરંતુ લાગણીઓ રજુ નહિ થાય...!

બોટોક્ષ તમારી લાગણીઓને છુપાવી શકે છે પરંતુ તેમ કરતાં અન્યની વાતથી આપને કેવી અસર થઈ એ વાત સામી વ્યક્તિ સમજી નથી શકતી. સોશ્યલ સાયકોલોજી અને પર્સનાલિટી સાયન્સમાં રજુ થયેલ અભ્યાસ પ્રમાણે બોટોક્ષથી તમારી કરચલીઓ દૂર થાય છે પરંતુ બીજાની લાગણી જાણવાની ક્ષમતાને અસર થાય છે.બોટોક્ષ વડે જ્યારે ચહેરાથી મગજના સિગ્નલ થીજી જાય છે ત્યારે બીજામાં ઉદ્ભવતી લાગણી કળી શકાતી નથી.
ત્વચાને સ્મુધ કરવા માટે વપરાતી રેસ્ટાયલેન ચહેરાની ગતિને અવરોધતી નથી તેને બોટોક્ષ સાથે આપવામાં આવે છે. આમ કરવાં છતાં ફેસિઅલ એક્સપ્રેશન વડે દર્શાવાતી લાગણીઓ દ્રશ્યમાન બનતી નથી. ચહેરાની 'જેલ' જે મસ્ક્યુલર સિગ્નલ વધારે છે તે લગાડવાથી ફેસિઅલ એક્સપ્રેશન સારા આવે છે. બોટોક્ષની આડઅસર પણ હોય છે. છતાં સેલિબ્રિટીઓ બોટોક્ષ અવારનવાર લઈ ટૉક ઓફ ધ ટાઉન બની રહે છે.


-Gujarat Samachar