Oct4
અહમ્ બ્રહ્માસ્મી :
ધરતી, અંબર, પરબત, સાગર,
મૈં જીત દેખું ઉસકો પાઉં…
ફીર મૈં કાહે મંદીર જાઉં ?
–જય વસાવડા
ઠોકરની સાથે નામ તુજ લેવાય છે ઈશ્વર,
તું કેવો અકસ્માતથી સર્જાય છે ઈશ્વર !
હેઠા મુકાશે હાથ ને ભેગા થશે પછી જ,
કોશીશ જ્યાં પતે, ત્યાં જ શરુ થાય છે ઈશ્વર.
જો દુર પેલી વસ્તીમાં ભુખ્યાં છે ભુલકાં,
લાગે છે તને દુરના ચશ્માંય ઈશ્વર;
કહે છે તું મન્દીરે છે કેવો હાજરાહજુર,
તું પણ શું ચકાચૌંધથી અંજાય છે ઈશ્વર ?
થોડાં જગતનાં આંસુઓ ને થોડા ‘મરીઝ’ના શેર,
લાવ્યો છું જુદી પ્રાર્થના, સંભળાય છે ઈશ્વર ?
સૌમ્ય જોશીની કવીતાની અહીં પસંદીદા પંક્તીઓ યાદ આવી. અને સાથે યાદ આવ્યો આ ટુચકો…..એક બહેનજી શરદીની ફરીયાદ કરતાં ડૉકટર પાસે દવા લેવા ગયાં. ડૉકટરે કહ્યું પાણીના ટબમાં બરફ નાખી, એમાં એક કલાક પડ્યા રહેવું અને એસી લોએસ્ટ ટેમ્પરેચર પર ચાલુ રાખવું.
બહેન મુઝાઈ ગયાં. પૂછ્યું ‘સાહેબ, આવું કરવાથી કંઈ શરદી મટી જાય ?’
ડૉકટરે ફીના પૈસા ગણતાં ગણતાં જવાબ આપ્યો : ‘ના, પણ તમને ન્યુમોનીયા થઈ જશે અને એની મોંઘી દવાઓનો હું સ્પેશ્યાલીસ્ટ છું, એ ત્યારે લખી શકીશ !’
આપણા મોટા ભાગના ધાર્મીકતાના (ધર્મ તો બહુ દુરની વાત છે, અને અઘ્યાત્મ તો અનંત કોટી બ્રહ્માંડ દુર છે !) ધંધાર્થીઓ આ ડૉકટર જેવા હોય છે ! જરાક દુ:ખથી પીડાતો દર્દી પહોંચે, એટલે એમને નવાં નવાં દરદો વળગાડીને, જુનું મટાડવાના નામે ગભરાવીને, મોટી બીમારીનો કાયમી રોગી બનાવી, પોતે ભોગી બનીને યોગી હોવાનો તમાશો કર્યા કરે !
ધર્મપ્રચાર કરતાં શીક્ષણવીચારને વધુ મહત્ત્વ આપતા, દેશવીદેશ ફરેલા, એક સાહીત્યપ્રેમી સ્વસ્થ સંત સ્વામીનારાયણ સમ્પ્રદાયના શ્રી. માધવપ્રીયદાસજીએ એક જાહેર વ્યાખ્યાનમાં અદ્ભુત પારદર્શકતા સાથે ભાવકોને કહેલું કે : ‘અમારા ક્ષેત્રમાં પણ ભીક્ષુકો વધી ગયા છે. આશીર્વાદથી ઉદ્ઘાટન સુધી અમે (ભારતના અઢળક ધર્માચાર્યો – એમની સીમ્પલ જનરલ કૉમેન્ટમાં અર્થનો અનર્થ કરવો નહીં) સતત સમાજ પાસે જઈને કોઈ પ્રવૃત્તી, પ્રસીદ્ધી કે પુજાપાઠ માટે ફંડ જ ઉઘરાવતા ફરીએ હાથ લંબાવીને, – આમાં સંતત્વનું સત્ત્વ કે અધ્યાત્મથી જાગતી અવીચળ અસ્મીતા ક્યાં આવી ?’
સદ્નસીબે આપણી પાસે હજુ આવા સમજદાર થોડાક સાધુઓ ઘણી જગ્યાએ છે. (મોરારીબાપુ જેવા તો ધનનો કળા-સાહીત્ય-સમ્વેદનાને વેગ આપવા છુટ્ટે હાથે ઉપયોગ કરી ‘બાવાડમ’નો ઉઘાડો વીરોધ પણ કરે છે. )
પણ આપણે વાત કરીએ છીએ તકલાદી અને તમાશાપ્રેમી ‘તકસાધુ’ઓની ! જે સમાજની ગુણવત્તા પર નહીં; પણ કાયરતા પર જીવે છે !
* * *
ભારતમાં વધુ મન્દીરો જોવા મળે. બાકી આમ તો તમામ પ્રકારનાં ધર્મસ્થાનકો અને આશ્રમો, મઠો જેવા એની સાથે જોડાયેલાં સંસ્થાનોમાં પથ્થર જોવા મળે છે. અલગ – અલગ ઘાટ અને આકારના પથ્થર. લીસ્સા અને ખરબચડા, શ્વેત અને શ્યામ પથ્થર. રત્નજડીત અને સુવર્ણઆભુષણમંડીત પથ્થર. ગોળ, ચોરસ પથ્થર. જેને મનગમતા આકારોમાં ઢાળવામાં આવે છે. અને પછી એની એજન્સી લઈને પથરા જેવા શ્રદ્ધાળુઓનાં ટોળાંને ઉસ્તાદ ‘કલાકાર-કસબી’ઓ પોતાને મનગમતા આકારમાં ઢાળે છે. માનસીક રીતે એમને પોતાના જેવા, સોરી, પથ્થર જેવા જડ બનાવી દે છે. મન્દીરો-મસ્જીદો બહાર આપણે ત્યાં સૌથી વધુ ભીખારીઓ લટાર લગાવતા હોય છે. મફતીયાવૃત્તીથી જ ત્યાં અડ્ડો જમાવી બેસે છે. ચપ્પલ ચોરાવાથી લઈને દર્શન કરાવવા સુધીની ઉઘાડી છેતરપીંડી પણ ત્યાં જ ચાલે છે.
અને આ ભીખારીઓની કતાર વળોટી મન્દીરમાં દાખલ થાવ, ત્યાં પણ સોફીસ્ટીકેટેડ બેગર્સ જ જોવા મળે છે. મોટી ચરબીવાળું દાન નોંધાવો, તો વજનદાર ટ્રીટમેન્ટ મળે. ભગવાન જાણે એમની પોતાની ‘ડીસ્કવરી’ નહીં; પણ ‘લેબોરેટરી ઈન્વેન્શન’ હોય એમ એમની ‘સોલ સેલીંગ પૅટન્ટ’ પર કબજો કરેલા આ બેગર્સ હોય છે. એમાંના કેટલાક બીજાઓને સમ્બન્ધોમાં પ્રેમની વાત કરતા પોતાના ઘરસંસારને સાચવી શકતા નથી. કેટલાક સંસારત્યાગીઓ સમાજને સંપ અને સંયમની વાતો કરતાં કરતાં પોતે પોતાના જેવા જ ધંધાકીય હરીફ સામે લીલું ઝેર ઓકવા લાગે છે. અંદરોઅંદર મારામારી કરીને કોર્ટે ચડે છે ! બાકીના કેટલાક એરણની ચોરી કરી, સોયનું દાન કરે છે. અગાઉ પણ લખેલું – ભારતભરમાં કોઈપણ ધર્મનું એવું ધર્મસ્થળ બતાવો, જ્યાં સમાજમાં સફેદી ફેરવવાવાળાઓ એવું પાટીયું લગાડીને બેઠાં હોય કે ‘અહીં કાળાં નાણાંનું દાન સ્વીકારવામાં આવતું નથી !’ ક્યાંય નીતીમત્તાના ન્યાયાધીશો આ નીયમ પાળી શકે તેમ નથી. એમને એમનો પથારો ચલાવવો હોય છે.
અને ત્રીજા પ્રકારના ભીખારીઓ આ બધા મન્દીર – મસ્જીદ – મઠ – ગીરીજાઘર – ગુરુદ્વારા વગેરેની અંદર હોય છે, જે પોતાની માંગણીઓનું લાંબુલચ લીસ્ટ લઈને હાજર થઈ જતાં હોય છે. ‘સંતાનમાં દીકરો આપજો, દીકરીનું સગપણ કરાવજો, પરીક્ષામાં પાસ કરજો, રોગ દુર કરજો, સ્વર્ગ આપજો, મોક્ષ આપજો. દે દે, ભગવાન, અલ્લાહ, વાહે ગુરુ, ગૉડ દે દે. બીજા કરતાં ઝાઝું દે. અબઘડી ને અત્યારે જ દે. હું જ સ્પેશ્યલ બેગર છું. પહેલા મારી બૅગ ભરી જ દે.’
ધર્મસ્થાનકોમાં દીવ્ય, પવીત્ર વાયબ્રેશન્સ હોય છે, એવું કહેવાય છે; પણ અહીં તો જ્યાં જુઓ ત્યાં કાનના પડદા ધ્રુજાવતા ઘોંઘાટના વાયબ્રેશન્સ હોય છે ! આસ્થા એક ગૃહ-ઉદ્યોગ થઈ ગયો છે. વ્યસનમુક્તીની અપીલ કરતા ધર્મના સ્થાનક સામે એના જ નામનો પાનનો ગલ્લો હોય, એ જોઈને કોઈની લાગણી નથી દુભાતી. જીવજંતુઓની હીંસાને પાપ સમજતા પુણ્યાત્માઓ જ્યારે માણસો મરાવી નાખે છે, ત્યારે કોઈના પેટનું ગંગાજળ કે આબેઝમઝમ હલતું નથી. અભક્ષ ખોરાક વર્જ્ય ગણનારા શુદ્ધાત્માઓ મફતમાં જમીનો બબ્બે કટકે ‘ખાઈ’ જાય છે !
પ્રેમચંદની વાર્તા ‘ગાંઠ’ ( સુચક એવું આ શીર્ષક ધર્મની ધુતારુ ટોળકીઓએ સમાજમાં ઉભી કરેલી, છુટે નહીં એવી ગાંઠો પરથી જ આવ્યું હતું) પરથી સત્યજીત રાયે ફીલ્મ બનાવી હતી : ‘સદ્ગતી.’ જેમાં પંડીતજીના ઘરે દીકરીના લગ્નના કરજ ખાતર લાકડાં ફાડવાં જનાર અસ્પૃશ્ય ચમાર ભુખ્યો જ મરી જાય છે, જેની લાશને અંધારામાં પંડીત ગાળીયો નાખી ઢસડીને લઈ જાય, ત્યારે માણીકદા (સત્યજીતબાબુ) કૅમેરા એમની જનોઈ તરફ ફોકસ કરે છે. સીમ્બોલીક ગાળીયો છે – આ કર્મકાંડોના બંધનના દંભનો. રીચ્યુઅલ વધ્યા છે, સ્પીરીચ્યુઅલનું શું ?
એવો કશો ખટકો આપણે ત્યાં કોઈને થતો નથી. ધર્મસ્થળો પાસેની ભીડ મનને સ્વચ્છ તો કરતાં કરશે; પણ પહેલાં તો આસપાસ જ ભયંકર ગંદકી કરે છે. કોઈકનું બુરું કરવા માટે ભગવાનને સારીસારી ભેટો ચડાવે છે. સ્થીતપ્રજ્ઞતાની વાતો કરતાં કરતાં પશ્ચીમ સામે (મુળ તો દરેક મોરચે પરાજયના ફ્રસ્ટ્રેશનથી) યાદ કરી કરીને દ્વેષ ઓકે છે. સેક્સની ટીકા કરવામાં જ એટલો રસ પડે, કે સેક્સને બદલે એની સુગાળવી એલર્જી જ એક મનોવીકૃતી થઈ જાય ! નાતજાતના, શીષ્યોના-ગુરુઓના, પંથો-મતોના, સુર્ય-ચંદ્રના વાડા, કૉર્પોરેટ કંપનીઓ જેવી બ્રાન્ચીઝ. એમના પી.આર. મેનેજર. એની પેઈડ સેલ્સફોર્સ. સમર્પણની ભક્તીમાં કોની શક્તી વધુ, એના અભીમાનની હુંસાતુંસી.
ધર્મ ભારતની સૌથી મોટી મલ્ટીનેશનલ કંપની છે. એમાં સેંકડો હ્યુમન બ્રાન્ડ છે, જેમાંની કેટલીયે પ્રૉડક્ટ અંદરથી પોલી અને બોદી છે; પણ કસ્ટમર કષ્ટ ઉઠાવીને મરી મરીને, મારી મારીને કંપનીઓ અને એના શાહસોદાગરોને જીવતા રાખે છે. કારણ કે, એનો ‘ડર’ આ બીઝનેસ ચલાવે છે. ભલભલા કહી ગયા છે, ધાર્મીકતા ભારતની સઘળી સમસ્યાઓનું મુળ છે. સ્વામી વીવેકાનંદથી સ્વામી સચ્ચીદાનંદ આવશે ને જશે; પણ ફોલ્ટલાઈન સંધાશે નહીં, ત્યાં સુધી ભુકંપના આંચકા આવતા રહેશે એટલે પ્રજા સુધરશે નહીં. દુનીયામાં સૌથી વધારે અવતારો અહીં આવીને થાકી ગયા છે.
યુરોપમાં આવા અંધકાર સામે નવજાગરણ (રેનેસાં) થયું. ભારતમાં થોડાંક ટમટમીયાંઓ અંધારાની ફુંકથી ઓલવાઈ ગયાં. કારણ કે, અહીં પબ્લીક નથી. બીકણ ઘેટાંનું ટોળું છે. પાછું લુચ્ચું અને લાલચુ ટોળું. જેને કર્મની સીદ્ધીમાં રસ નથી, જ્ઞાનની બુદ્ધીમાં રસ નથી, ભક્તીની શુદ્ધીમાં રસ નથી. રસ છે તો બસ, કેવળ રીદ્ધી (ધન) અને પ્રસીદ્ધી (કીર્તી) કમાવતી શોર્ટકટ વીધીઓમાં ! આવી ઈગોઈસ્ટીક નૅરોમાઈન્ડેડ સોસાયટી સામે કોઈ શૈક્ષણીક વીદ્વાનો કે સામાજીક આગેવાનો રેનેસાં નથી લઈ આવતા, ત્યારે એ કોશીશ આપણી ફીલ્મો, કેટલાક સમજુ કળા-સાહીત્યના મરમી કસબીઓ કરે છે, કુંભકર્ણના કાનમાં નગારે દાંડી પીટવાની. શેખચલ્લીને બાવડું પકડીને બેઠો કરવાની.
અને ફીલ્મ પુરી થયા પછી થીએટરમાં ઊભા થઈને તાળી પાડવાનું મન થાય એવી એક ફીઅરલેસ ફીલ્મ આવી જ શાંત ક્રાંતીની ઝળહળ મશાલ થઈને આવી છે. OMG ઉર્ફે‘ઓહ માય ગૉડ !’ આનંદની વાત એ છે કે એની ટીમ ગુજરાતી છે. કો-પ્રોડ્યુસર પરેશ રાવલ, ડાયરેકટર ઉમેશ શુક્લ, સહલેખક ભાવેશ માંડલીયા, સંગીતકાર હીમેશ રેશમીયા. એ મુળ સુખ્યાત ગુજરાતી નાટક ‘કાનજી વીરુદ્ધ કાનજી’નું બેહતર ફીલ્મી રુપાન્તર છે જે ઓસ્ટ્રેલીયન ફીલ્મ ‘મેન હુ સ્યુડ ધ ગૉડ’ પરથી પ્રેરીત છે. પણ ફક્ત ભગવાન પર કેસનો કૉનસેપ્ટ જ. બાકી જોતાવેંત ખબર પડે કે ફીલ્મની ગુંથણી સ્વદેશી પીડાથી કેવી લથબથ ઓરીજીનલ છે ! અને છતાંય ફીલ્મની ક્રેડીટમાં એ સોર્સનોય પ્રામાણીક ઉલ્લેખ પણ છે. ગણપતી-નવરાત્રીના મંડળોમાં કે આશ્રમોમાં સીધી જ ફીલ્મી ધુનો પર ચોરી કરીને ભજનનો ઢાળ બેસાડવો (પછી પાછા ‘પાપી’ ફીલ્મવાળાઓને વખોડવા !) જેવો ધાર્મીક દંભ અહીં નથી.
ઓહ માય ગોડ સીનેમા નથી. આત્માના અભયની સાધના છે.* * *
રીડરબીરાદર, આ લખવૈયાએ અગાઉ કહેલું કે આખા ભારતે ‘વેન્સ્ડે’ ફીલ્મ જોવી, ‘લગે રહો મુન્નાભાઈ’ સહુએ ફરજીયાત જોવી, એમ ઘરનું ગાડીભાડું અને ટીકીટના પૈસા ખર્ચીને, જોઈને આ લેખકડો આપને હાથ જોડીને, પગે પડીને, પ્લીઈઈઝ કહીને વીનવે છે કે આ દેશનું, આપણા સહુનું ભલું ઈચ્છતા હો તો આ ‘ઓહ માય ગૉડ’ સપરીવાર જોવા જાવ. બીજાનેય બતાવો. ટીકીટ ના પોસાય તો ઉપવાસ માની એક ટંક ખાઈને પણ જાવ.
આપણે આવા અવાજમાં પડઘો પુરીને આ ક્રાંતીનો ગરબો ઝીલીશું નહીં, ને ઘરે બેઠાં ચોરાઉ ડીવીડીમાં જોઈ લેશું તો બીજી વાર હીમ્મત કરીને કોણ બનાવશે આવી ફીલ્મો ? પૈસા મફત નથી આવતા, અમે પરસેવાની કમાણીની ટીકીટ ખર્ચી ફીલ્મો જોઈ છે, એટલે ખબર છે. એટલે જ કોઈ ધર્મસ્થાનકની પેટી કરતા આ ફીલ્મની ટીકીટબારીએ પૈસા સન્માર્ગે ખર્ચાશે, તો ઉપરવાળો વધુ રાજી થશે, એવું ‘કાન’માં કહી ગયો છે, કોઈ ‘ઘ્યાન’ વગર ! ભગવાન એમ તો આપણો ભેરુ ખરો ને, એ થોડો ભયમાં છે ? એ તો ભાવમાં છે !
પણ આપણે ભગવાન જાતે સત્કર્મો કરી કે હૃદયથી તપ કરીને નહીં; પણ એના કમીશન એજન્ટોને ત્યાં મગજ અને શરીર ગીરવે મુકીને ઝટ ઈન્સ્ટન્ટ મેળવી લેવો છે ! ધર્મસ્થાનકો કે શાસ્ત્રો પર કુંડળી જમાવી બેસી ગયેલા અને ચેનલો પર છવાઈ જવાનો ચમત્કાર કરતા સંસારી કરતા વૈભવી પુજારીઓની આંગળી ઝાલવા પાગલ દોટ મુકવી છે ! રામકૃષ્ણ પરમહંસ કહેતા એમ બીજાના તારના તાંતણે કરોળીયો ઉપર ન ચડે. એમના શીષ્યોએય આ વાત સાંભળી નહીં. આસ્થા એકલયાત્રા છે. એમાં માર્ગદર્શક હોય; મીડલમૅન નહીં !
‘ઓહ માય ગૉડ’ કોઈ કળાત્મક ફીલ્મ (શક્યતા હોવા છતાં) બનાવાઈ નથી અને નેરેટીવ, લાઉડ, ક્લીઅર, ટુ ધ પોઈન્ટ અને છેલ્લે એક સાહીત્યીક સ્પર્શ છતાં સાવ સીમ્પલ રખાઈ છે, એ બરાબર છે. કારણ કે, આ ફીલ્મ ક્રીટીક્સ કે એવોર્ડસ સુધી નહીં; ભારતની આમજનતાના અંધશ્રદ્ધાળુ દીમાગ સુધી આસાનીથી પહોંચે એ જરુરી છે. એ પ્રૉફેસર અને ઓફીસરની સમજમાં થોડીક સ્થુળ લાગશે તો ચાલશે; પણ બુટપોલીશ અને સાયકલ–પંક્ચરવાળાઓનેય સમજાય એ જરુરી છે. આપણી ભક્તાણી મમ્મીઓની આંખે દેવદર્શન સીવાય આ ફીલ્મદર્શનનાં ચશ્માં ચડે એ આવશ્યક છે. અને માઈન્ડ વેલ, એક નાસ્તીક નાયક હોવા છતાં આ ઈશ્વરવીરોધી ફીલ્મ નથી. ઉલટું, ખુદ ઈશ્વર જેના પ્રેમમાં પડે એવી, શામળશાના લાડકા નરસીંહ મહેતાની ભાષામાં ‘એ સહુ પ્રપંચ પેટ ભરવા તણા’ કરનારાઓની સામે જેનો ‘આત્મા તત્ત્વ ચીન્યો’ છે, એવી સાચી શ્રદ્ધા / સાધનાનો મહીમા કરતી ફીલ્મ છે.
એન્ટરટેઈનમેન્ટના નામે સડેલી શેરડીના સુકાયેલા સાંઠા જેવી કે વાસી શેકેલા મકાઈ ડોડાના બળેલા છોતરાં જેવી રદ્દી ફીલ્મો આપણા મગજના કોષોને ઉપયોગ વીના પુંછડીની માફક ઘસી નાખે તેમ છે, ત્યારે આ એક બ્રેવ ફીલ્મ છે, જે વીચારવા મજબુર કરે છે. સાચા ધર્મ સામે નહીં; પણ ધરમના બેશરમ દલાલો સામે દીલ ખોલીને મજબુત દલીલો કરે છે. અહીં પરાણે ઘુસાડેલો રોમેન્ટીક ટ્રૅક નથી. પણ ગાડી પહેલા જ સીનથી ટ્રૅક પર ઉતરે નહીં એવી જડબેસલાક નોન-ટીપીકલ સ્ટોરી છે.
જરાક, પરેશ રાવલે જીવ રેડીને પ્રસ્તુત કરેલા ફીલ્મના પીનાક ત્રીશુળની ધાર અને પાંચજન્ય શંખની ગુંજ ધરાવતા સંવાદોનું સેમ્પલ જુઓ. ‘યે મુઝે ક્યા ગીતા સીખાયેંગે; ઈન કા આઈક્યુ તો રુમ ટેમ્પરેચર સે ભી કમ હૈ !’… ‘રીસેશનમેં તો ઉનકા ધંધા ડબલ હો જાતા હૈ’… ‘ધર્મ માણસને શું બનાવે છે ?’, એનો કાનજીભાઈનો મનને ક્ષુબ્ધ કરી નાખતો જવાબ – ‘યા તો ‘બેબસ’ બનાતા હૈ; યા ફીર ‘આતંકવાદી’ !’ ચેનલો પર છવાતા ફટીચર ફીલોસોફર બાબા-બેબીઓની મની ટુ મોક્ષ ‘એક્સચેન્જ ઓફર’ સામે એમના દેખાવ પુરતાં થતાં સામાજીક કાર્યોની નોંધ વખતે પરેશ રાવલ કહે છે : ‘આ તો ગુટકા વેચવાવાળાઓ કમાણીનો થોડો ભાગ કેન્સર હૉસ્પીટલમાં નાખે એવું છે !’ અને સૌથી મહત્ત્વનો આપણે વારંવાર અનુભવેલો બ્રહ્માસ્ત્ર સરીખો મુદ્દો… લોકો પાસેથી ધર્મ નામનું રમકડું છીનવાઈ જાય, તો એનો ય લોકો ધર્મ બનાવી લે !
એ જ માર્કસ સાથે થયું, અને ચર્ચના જીસસ કરતાં સામ્યવાદીઓએ માર્કસની આંધળી ભક્તી કરી. એ જ ખલીલ જીબ્રાન જેવા સુફી સંદેશવાહકનું થયું. એ જ ‘સત્યના પ્રયોગો’માં ‘મારો જન્મ વૈષ્ણવ સંપ્રદાયમાં એટલે હવેલીએ જવાનું વખતોવખત બને- હવેલીનો વૈભવ મને ન ગમ્યો… (ત્યાં ચાલતી) અનીતીની વાતો સાંભળતા,તેથી તેમના વીશે મન ઉદાસ થઈ ગયું. ત્યાંથી મને કંઈ જ ન મળ્યું’ જેવી રોકડી કબુલાતનું સાહસ કરતા અને સત્યને જ ઈશ્વર માનતા ગાંધી કે નાના પાયે આંબેડકર સાથે થયું. એ જબુદ્ધ – મહાવીર સાથે પણ બન્યું. ઈશ્વરની નહીં તો તીર્થંકરની પુજા, ‘આત્મ દીપો ભવ’ નહીં’; ‘બુદ્ધમ્ શરણમ્ ગચ્છામી’ ! એ જ ગાલીબ કે રુમી સાથે થયું. એ જ ‘તમે નીયમોના દંભી શીક્ષકો, તમે તો સફેદ કબર જેવા છો,જે બહારથી સુંદર દેખાય છે; પણ અંદર મડદાંનાં હાડકાં ને ગંદકી લઈને બેઠી છે ’ (બાઈબલ, ગોસ્પેલ ઓફ મેથ્યુ, પ્રકરણ ૨૩, પેરા ૨૭) કહેનારા ક્રાંતીકારી ઈસુને ક્રોસ પર ચડાવી દેવાયા, પછી એની સાથે પણ થયું ! એ જ તેજસ્વી મેધાવી રજનીશ સાથે થયું ! એ જ લાઈફને લવ, એન્ડ લાફટર, બ્રેઈન એન્ડ બ્રેવરીથી જીવવાનું કહેતા કૃષ્ણ સાથેય થયું ! અખેદાસ કહી જ ગયા છે ને…‘ઉંડો કુવો ને ફાટી બોખ, શીખ્યું – સાંભળ્યું સર્વે ફોક !’
આપણે વચેટીયાઓ પાસેથી ગીતા, કુરાન, બાઈબલ વગેરેની વાતો બહુ સાંભળીએ છીએ; પણ જાતે એ વાંચી, આપણી અંદરના પ્રભુ સાથે સંવાદ કરી, આજના સંદર્ભે એને ગાળી–ચાળી, ભગવાને જ લાવેલા પરીવર્તન સાથે, જુનવાણી ઉપદેશ કે રુઢીઓને મૉડર્ન માઈન્ડથી અપડેટ કરીને એ મુજબ જીવતા નથી. કોઈ ‘ખુદા કે લીયે’, ‘દા વીન્ચી કોડ’ કે ‘ઓહ માય ગૉડ’ ચીંટીયો ભરી આપણી અંદર આપણી આસપાસ દેખાતા ઈશ્વરનો સાચો અહેસાસ કરાવે ત્યારે જાગીએ છીએ ! ક્રેઝી–ક્રીટીક ટોળાંઓને ધર્મનું આવું શુદ્ધીકરણ તાલીબાની ફેનેટીઝમના નકલની જેમ કઠે છે !
સોરી. ભારતીય હિન્દુ ધર્મની એ જ તો વીશેષતા છે કે એ કટ્ટરવાદી નથી; સુધારાવાદી છે. કોઈ ધર્મગ્રંથ એમાં આખરી નથી, તે જેટલા છે એય ક્વેશ્ચન–એન્સર, ડીબેટના ફૉર્મેટમાં છે. અર્જુન પ્રશ્નો પુછતા ખચકાતો નથી, એટલે જ અનેક પત્ની હોવા છતાં કે આક્રમક યોદ્ધા હોવા છતાં (સંસારભાગેડુ ન હોવા છતાં) ગીતા સાંભળવાનો અધીકારી ભક્ત–સખો છે ! સવાલો પુછવાની અહીં સત્તા છે, ડાર્વીન–ગેલેલીયો જેવી સજા નથી ! અલબત્ત, ફીલ્મમાં તો દરેક ધર્મના ઢોંગ-ધુતારા સામે પડકાર અને તમામ પાખંડનો માનવતાના નાતે પર્દાફાશ છે.
પરેશ રાવલનું વન મેન આર્મી જેવું પરફોર્મન્સ જોઈને થાય કે ઈશ્વર આપણામાં હોય જ; નહીં તો આવો ટકાટક અભીનય માણસથી કેમ થાય ? અક્ષય તો ગાંઠના પૈસા રોકીને ખરા અર્થમાં ફીલ્મનો સારથી કનૈયો બન્યો છે. એન્ડ સરપ્રાઈઝ પૅકેટ તો માસ્ટર મીથુનદા છે, જેનું ધમાકેદાર પરફોર્મન્સ જોયા પછી ધરમના ધંધામાં આખી જીન્દગી ઈન્વેસ્ટ કરનાર પ્રજા માટે અફસોસ ને આક્રોશ જાગે ! ધર્મમાં પૈસા વેડફવામાં આ ‘ધનીક’ દેશ; વીચાર અને સામાજીક ક્રાંતીમાં કેવો ‘ગરીબ’ છે !
‘ઓહ માય ગૉડ’ જોવા જેવી જ નહીં; જીવવા જેવી ફીલ્મ છે ! જાણે હરીવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ પીને આવી ફીલ્મનો નશો ચડાવનાર એની ટીમને રમેશ પારેખના શબ્દોમાં કહેવાનું –
ફુટવાની બીકના ભમ્મરીયા ગામમાં,કાચના મકાન,તને ખમ્મા…
મારા કાચના મકાન તને ખમ્મા…
ઝીંગ થીંગ
ફીલ્મના મને સૌથી વધુ ગમેલા ગીતની એક ઝલક….
http://www.youtube.com/watch?
અને પ્રીય મૃગેશ શાહે એમની જ રીડગુજરાતી .કોમ http://www.readgujarati.com
પર લખેલો, ફીલ્મ જોઈ આવેલા દરેકે ખાસ વાંચવા–સમજવા જેવો, શબ્દોમાં સરળ; પણ અર્થમાં ઉંડો એવો એક સુંદર લેખ વાંચો નીચે ક્લીક કરીને….
http://www.readgujarati.com/-જય વસાવડા
‘ગુજરાત સમાચાર’ દૈનીકની તા.3/10/2012ની‘શતદલ’ પુર્તીમાં, વર્ષોથી પ્રગટ થતી એમની પ્રસીદ્ધ કૉલમ ‘અનાવૃત’માંથી લેખકશ્રી અને ગુજરાત સમાચારના સૌજન્યથી સાભાર…
લેખક સમ્પર્ક:શ્રી. જય વસાવડા, બ્લોકનં– ૯,અક્ષરધામસોસાયટી, ગોંડલ : ૩૬૦૩૧૧ ફોન : (૦૨૮૨૫) ૨૨૩૭૭ મોબાઈલ: ૯૮૨૫૪૩૭૩૭૩ ઈ–મેઈલ :jayvaz@gmail.com વેબસાઈટ :http://planetjv.wordpress.com/