20120917

સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જય જયકાર કરનાર યુગપુરુષો

- સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે, હું સુધારામાં માનતો નથી. હું વિકાસમાં માનું છું. હું ઈશ્વરનાં સ્થાને બેસી આપણાં સમાજને હુકમ કરવાની હંિમત નથી કરતો કે, એ ય સમાજ તારે આ રીતે ચાલવું, પેલી રીતે નહીં. હું તો રામનાં સેતુબંધના વખતની પેલી ખિસકોલી જેવો છું કે જેણે પુલ બાંધવામાં પોતાનાં હિસ્સાની કાંકરી મૂકીને સંતોષ માન્યો હતો.

સ્વામી વિવેકાનંદે અમેરીકાના શીકાગો શહેરમાં વિશ્વધર્મપરિષદમાં તા. ૧૧ સપ્ટેમ્બરના રોજ પ્રવચન આપીને જય જયકાર કર્યો. શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ યુરોપ - લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ઉપર તા. ૧૭ ઓકટોબરના રોજ પ્રવચન આપીને જય જયકાર કર્યો.
ગ્રીક સંસ્કૃતિ વિલીન થઇ ગઇ, તાઈગ્રિસ અને યુક્રેટિસ નદીના પટ વચ્ચે વિકસેલી બેબોલિયન, ખાલ્ડિયન જેવી કંઇક સંસ્કૃતિઓ નદીની રમણરેતમાં જ સમાઇ ગઇ. ઈજિપ્તની સંસ્કૃતિ પિરામિડોમાં સમાઇ ગઇ. જગતમાં જેની ધાક વાગતી અને રોમન સંસ્કૃતિ તેના ભવ્ય મહાલયોના અવશેષોમાં રહી ગઇ. જ્યારે ભારતીય સંસ્કૃતિ ઉપર તો સદીઓથી પ્રહારો થયા, મંદિરોને મિટાવી દીધાં, શાસ્ત્રોને સળગાવી દીધાં, મૂર્તિઓને માટી ભેગી માટી કરી દીધી, તલવારના રોજે આવા કાંઇક સીતમોનો સીલસીલો આપણી સંસ્કૃતિ ઉપર ચાલુ રહ્યો છતાં તે કડડભૂસ થઇને તૂટી નથી પડી. એવી કઇ સંજીવની તેની પાસે છે જે આ સંસ્કૃતિની હસ્તી ક્યારેય મટતી નથી?
એ સંજીવની છે - આ ધરતી પર પ્રગટેલા યુગપુરુષો....
આજે અત્રે આપણે બે યુગપુરુષોને યાદ કરીશું. જેમાં પ્રથમ સ્વામી વિવેકાનંદ કે, જેઓએ અમેરીકાના શિકાગોમાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં ૧૧મી સપ્ટેમ્બર ઈ.સ. ૧૮૯૩નાં રોજ ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું અને સારાય અમેરીકામાં અને વિશ્વમાં ભારતનો ડંકો વગાડ્યો હતો અને બીજા છે સ્વામિનારાયણ સંપ્રદાયના ક્રાંતિકારી સંત કે જેમણે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ યુરોપની ભૂમિ ઉપર ચરણાવંિદ મૂકીને લંડનના ટ્રાફાલ્ગર સ્ક્વેર ઉપર તા. ૧૭ ઓકટોબર ૧૯૭૦ના રોજ પ્રવચન આપીને ભારતીય સંસ્કૃતિનો નાદ સારાય વિશ્વમાં ગુંજતો કર્યો હતો.
ભારતમાં યુવાશક્તિ, લોકચેતના, ભારતીય સંસ્કૃતિમાં નવપ્રાણ સંચાર કરનાર સ્વામી વિવેકાનંદજી, તેમનાં જન્મનાં ૧૫૦ વર્ષ બાદ અને મૃત્યુનાં આશરે ૧ સતક બાદ આજે પણ ભારતીય યુવાનનાં પ્રેરણા સ્ત્રોત બની રહ્યાં છે.
સ્વામી વિવેકાનંદનું મૂળ નામ નરેન્દ્ર હતું. તેમનો જન્મ ઈ.સ. ૧૨-૦૧-૧૮૬૩ના રોજ થયો હતો. તેમનાં પિતાનું નામ વિશ્વનાથદત્ત અને માતાનું નામ ભૂનેશ્વરીદેવી હતું. બાળપણથી જ નરેન્દ્ર ખૂબ જ તેજસ્વી બુદ્ધિ અને અદ્‌ભુત સ્મરણ શક્તિ ધરાવતાં હતાં. બંગાળનાં સુપ્રસિદ્ધ આચાર્ય ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે તેમણે શિક્ષણ મેળવ્યું હતું. ઈતિહાસ અને તત્વદર્શન તેમનાં પ્રિય વિષયો હતાં. બી.એ.ની પરીક્ષાનું પરિણામ આવે તે પહેલાં તેમનાં પિતાનું આકસ્મિત અવસાન થયું. અને ઘરની બધી જ જવાબદારી નરેન્દ્ર પર આવી પડી. તેમના ઘરની આર્થિક સ્થિતિ સાવ સામાન્ય હતી.
તેઓ બી.એ. થયાં તે પહેલાં બે વર્ષ અગાઉ સ્વામી રામકૃષ્ણ પરમહંસને મળ્યાં હતાં. અદ્‌ભુત સ્મરણશક્તિ ધરાવનાર નરેન્દ્રે સ્વામીજીને પૂછ્‌યું હતું કે, શું તમે ઈશ્વરને જોયા છે? જવાબમાં શ્રી રામકૃષ્ણએ હા પાડી. તેમણે બીજો પ્રશ્ન કર્યો કે, શું તમે મને ઈશ્વરના દર્શન કરાવી શકશો? ત્યારે તેનો જવાબ પણ હકારાત્મક મળતાં તેઓએ સ્વામી રામકૃષ્ણ પરમહંસના ચરણોમાં મસ્તક નમાવી દીઘું. રામકૃષ્ણ પરમહંસે નરેન્દ્રનો અંગુઠાથી સ્પર્શ કર્યો કે, તરત જ તેમને અલૌકિક દિવ્ય અનુભૂતિ થઇ. રામકૃષ્ણ પરમહંસની કૃપાથી એમની આઘ્યાત્મિક જીજ્ઞાસા પ્રરિતૃપ્ત થઇ. ઈ.સ. ૧૮૮૪માં પિતાના અવસાન બાદ લગ્ન નહીં કરવાનો મક્કમ નિરધાર કરીને ઘર છોડીને નરેન્દ્ર રામકૃષ્ણ પરમહંસના પ્રિય શિષ્ય બનવા ચાલી નીકળ્યા. નરેન્દ્રનાથને ઉત્તમ અધિકારી જાણીને પ્રથમથી જ રામકૃષ્ણ એમને આઘ્યાત્મિક માર્ગદર્શન આપતાં રહ્યાં. નરેન્દ્રમાંથી પોતાની સામર્થી દ્વારા સ્વામી રામકૃષ્ણ પરમહંસે પોતાની શક્તિનો વારસો સુપ્રત કર્યો હતો.
પોતાના અસરકારક વ્યાખ્યાનો દ્વારા ભારતનાં આઘ્યાત્મિક સામર્થ્યની અને વેદાંતની વિશ્વનાં દેશોને ઓળખાણ કરાવનાર સ્વામી વિવેકાનંદે શિકાગો- અમેરિકામાં મળેલ વિશ્વ ધર્મ પરિષદમાં તા. ૧૧મી સપ્ટેમ્બર ૧૮૯૩ના રોજ ઐતિહાસિક પ્રવચન આપ્યું. પોતાના એ પ્રથમ ભાષણમાં સ્વામીએ શ્રોતાઓને મિ. અને મિસિસ સંબંધનોથી ટેવાયેલ, અમેરિકનોને ભાઇઓ અને બહેનો તરીકે સંબોધન કર્યું ત્યારે પરિષદમાં હાજરી આપનાર ૬ થી ૭ હજાર જેટલા ધર્મ ઘુરંધરો, પંડિતો અને વિવિધ ધર્મનાં પ્રતિનિધિઓએ તેમને તાળીઓનાં ગડગડાટથી વધાવી લીધા હતાં. એ ભાષણ બહુ પ્રશંસા પામ્યું હતું તેમણે એ વખતે સંબોધતા કહ્યું હતું કે, ‘‘મને ગર્વ થાય છે કે, હું એક એવા રાષ્ટ્રનો પ્રતિનિધિ છું કે, જેણે જુલમનો ભોગ બનેલા તથા નિરાશ્રિત થયેલા પૃથ્વીના તમામ ધર્મો અને દેશના લોકોને આશ્રય આપ્યો છે. મને આ વાત કહેતા અભિમાન થાય છે કે, યહૂદી લોકોના એક પરમ શુઘ્ધ વર્ગને અમે અમારી વચ્ચે જાળવી રાખ્યો છે. જે વર્ષો અત્યાચારી રોમન લોકોએ એના પવિત્ર મંદિરના ટુકડે ટુકડા કરી નાંખ્યા, તે જ વર્ષમાં એ વર્ગે દક્ષિણ ભારતમાં પ્રવેશ કર્યો અને અમારી છાયામાં એ આવી વસ્યો. મને ગર્વ થાય છે કે, જેણે મહાન જરથોસ્તી પ્રજાના શેષ ભાગને આશ્રય આપ્યો છે અને અદ્યાપિ એને આદરમાન આપવાનું ચાલુ રાખ્યું છે. બંઘુઓ! જે સ્તોત્રનું તો હું છેક બાળપણથી રટણ કરતો આવ્યો છું અને લાખો મનુષ્યો દરરોજ એનું રટણ કરી રહ્યાં છે. તે સ્તોત્રમાંથી થોડી પંક્તિઓનું હું તમારી સમક્ષ ઉચ્ચારણ કરું છું કે, જે પ્રમાણે ભિન્ન ભિન્ન મૂળમાંથી ઉદભવ પામેલી જુદી જુદી નદીઓના પ્રવાહો અંતે એક સાગરમાં મળે છે, તેવી જ રીતે હે પ્રભો! મનુષ્યો પોતપોતાની રુચિ અનુસાર ગ્રહણ કરે તે બધા માર્ગો ભલે જુદા જુદા દેખાય, સીધા લાગે, વાંકા ચૂંકા ભાસે, છતાંય એ બધા તારી પાસે પહોંચે છે.
અગાઉ કદાપિ ન ભરાયેલી ભવ્ય સભાની આ બેઠક, પોતે જ ગીતાએ બોધેલા પેલા અદ્‌ભૂત સિઘ્ધાંતનું જગત સમક્ષ એક સમર્થન - એક ઉચ્ચારણ બની રહેલ છે કે, મારી પાસે ગમે તે વ્યક્તિ ગમે તે પ્રકારે આવે તો પણ હું તેને મળું છું. સૌ મનુષ્યો જે જે માર્ગો દ્વારા પ્રયત્ન કરે છે તે તે માર્ગે અંતે મને મળે છે.
પંથવાદ, ધર્માંધતા અને તેના સંતાન સમું ધર્મઝનૂન- એ સૌએ ક્યારનોયે આ સુંદર પૃથ્વી ઉપર પોતાનો પગદંડો જમાવ્યો છે. તેમણે પૃથ્વીને હંિસાથી ભરી દીધી છે, અનેક વખત એને માનવરક્તમાં તરબોળ કરી મૂકી છે, સંસ્કૃતિને પાયમાલ કરી છે અને સમસ્ત પ્રજાઓને હતાશામાં હોમી દીધી છે. જો આવા ભયંકર દૈત્યોનું અસ્તિત્વ ન હોય તો માનવસમાજે આજના કરતાં અનેકગણી વિશેષ પ્રગતિ સાધી હોત. પણ તેમનો સમય હવે ભરાઇ ચૂક્યો છે. અને હું ખરા અંતઃકરણપૂર્વક આશા રાખું છું કે, આ સભાના માનમાં આજે સવારે જે ઘંટ રણકી ઊઠ્યો તે ઘંટ દરેક પ્રકારના ધર્મઝનૂનનો, કલમ અને તલવારથી ચાલતા તમામ અત્યાચારો અને સમાન ઘ્યેયને પહોંચવા મથતા મનુષ્યો વચ્ચે પ્રવર્તતી તમામ અનુદાર ભાવનાઓનો પણ મૃત્યુઘંટ નીવડી રહો...’’
આ સ્વામીજીના ટૂંકા વ્યાખ્યાનમાં સૌને સચ્ચાઇ સ્પર્શી ગઇ અને તેમના દ્રષ્ટિબંિદુની વિશાળતા તરી આવી તેથી સભા મુગ્ધ થઇ ગઇ, અને વ્યાખાન પૂરું થતાં ફરીથી તાળીઓના ગડગડાટથી સભાગૃહ ગાજી રહ્યું....
આ સ્વામી વિવેકાનંદનું ભાષણ બહુ પ્રશંસા પામ્યું. અમેરિકાનાં ઘણાં અખબારોએ એના અહેવાલો મોટા મથાળે સાથે પ્રસિઘ્ધ કર્યાં હતાં. સ્વામી વિવેકાનંદથી આકર્ષાઈને અનેક વિદેશીઓ પણ સારી એવી સંખ્યામાં ભળ્યાં. સ્વામી વિવેકાનંદે એ દેશોમાં લગભગ ૧૦૦૦થી પણ વઘુ પ્રવચનો કરી હંિદુ ધર્મની જયપતાકા ફરકાવી ત્યાંથી તેઓએ સ્વીઝરલેન્ડ, ઈંગ્લેન્ડ, ઈટાલી, ફ્રાંસ, જર્મની વગેરે દેશોમાં પણ પોતાનાં ઓજસ્વી વાણીથી ભારતીય તત્ત્વજ્ઞાનની સબળ રજૂઆત કરી હતી.
ભારતમાં પાછા આવીને તેમણે પોતાનાં ગુરુની સ્મૃતિમાં રામકૃષ્ણ મિશનની અને કલકત્તામાં બેલૂર મઠની સ્થાપના કરી. આજે દેશવિદેશમાં બેલૂર મઠનાં સંચાલન હેઠળ ૧૬૫ જેટલાં આશ્રમો ચાલે છે. વિવેકાનંદ રાજકીય નેતા ન હતાં. પણ તે સમયનાં રાજકીય નેતાઓનાં જીવન પર વિવેકાનંદનાં દેશભક્તિ અને ગરીબોની સેવાનાં વિચારોનો ઊંડો પ્રભાવ હતો. ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહનો આરંભ કરીને ત્યાગ અને સેવા આધારિત જીવન શૈલીનું બીજ વાવી હ્યાં હતાં ત્યારે વિવેકાનંદે શિકાગોની વિશ્વ ધર્મ પરિષદમાં વિશ્વધર્મનું રણશીંગુ ફૂંક્યું હતું. ગાંધીજીએ કહ્યું હતું કે, તેમનાં લખાણોનું મેં અઘ્યયન કર્યું છે અને એ કર્યાં પછી મારાં દેશ માટે મારો પ્રેમ હજાર ગણો વધી ગયો છે. તેવી જ રીતે આપણી રાજનીતિ, સંસ્કૃતિ અને આઘ્યાત્મિક સાધિનતાના પણ તેવો જ જનક છે. દક્ષિણ આફ્રિકાથી આવીને ગાંધીજી વેલુર ખાતે વિવેકાનંદ મળવા ગયા હતાં. પણ આ બંને યુગપુરુષોનું મિલન થઇ શક્યું ન હતું.
રવિન્દ્રનાથ ટાગોરે કહ્યું હતું કે, જો તમારે ભારતવર્ષને ઓળખવું હોય તો વિવેકાનંદનાં વચનામૃતોનું અઘ્યયન કરવું. એમનાં ગ્રંથોમાં સઘળું ભાવાર્થત્મક છે.
સ્વામી વિવેકાનંદે એકવાર કહ્યું હતું કે, હું સુધારામાં માનતો નથી. હું વિકાસમાં માનું છું. હું ઈશ્વરનાં સ્થાને બેસી આપણાં સમાજને હુકમ કરવાની હંિમત નથી કરતો કે, એ ય સમાજ તારે આ રીતે ચાલવું, પેલી રીતે નહીં. હું તો રામનાં સેતુબંધના વખતની પેલી ખિસકોલી જેવો છું કે જેણે પુલ બાંધવામાં પોતાનાં હિસ્સાની કાંકરી મૂકીને સંતોષ માન્યો હતો. તેમણે આગળ એવું પણ કહ્યું હતું કે, એક દિવસ એવું પણ બનશે કે આ દેહમાંથી મારો જીવ નીકળી જવાનો અને એક જીર્ણ વસ્ત્રની જેમ તેને ફેંકી દેવાશે. પરંતુ મારું કાર્ય તો અવિરત ચાલ્યાં જ કરશે. જગત આખું પ્રભુ સાથે એકતાનું અનુભવ કરે છે ત્યારે સર્વત્ર મનુષ્યમાત્રને પ્રેરણા આપતો રહીશ.
તેઓ હરહંમેશ કહેતા કે, જરૂર છે મર્દોની, સાચા મર્દોની, બીજું બઘું તો થઇ રહેશે. પણ ખરેખર તો બળવાન, પ્રાણવાન, શ્રદ્ધાવાન અને નિષ્ઠાથી ઊભરાતા નવયુવકોની જરુર છે. જો આવાસો નવયુવકો આવી મળે તો જગતની સૂરત પલટી જાય. સ્વામી વિવેકાનંદ એ યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત્ર હતા.
સમયના વાહનની સાથે શરીરે શરીરના નાશવંતપણાનો ધર્મ પણ બજાવ્યો. અંત અવસ્થામાં તેમને દમવ્યાધિના કારણે એમની તબિયત વઘુ કથળી ગઇ અને આજથી એક સૈકા પૂર્વે અર્થાત્‌ તા. ૪ જુલાઇ ઈ.સ. ૧૯૦૨ અને શુક્રવારે હંિદુ અસ્મિતાનાં આ ઉદ્‌ગાતાનું માત્ર ૩૯ વર્ષની ભરયુવાનવયે તેઓ સદ્‌ગતિને પામ્યા.
આવા યુગપુરુષ સ્વામી વિવેકાનંદની આજે સારા દેશમાં ૧૫૦મી જયંતી ઉજવાઇ રહી છે તે અતિ હર્ષની વાત છે. અને થોડા દિવસ બાદ ૧૧મી સપ્ટેમ્બરના રોજ અમેરીકાના શિકાગોમાં યોજાયેલ ધર્મપરિષદમાં તેમણે ઐતિહાસિક પ્રવચન આપ્યું હતું તેને ૧૨૯ વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આપણે તેમના જીવનમાંથી પ્રેરણા લઇને આપણે આપણા જીવનનો વિકાસ સાધવાનો પ્રયત્ન કરીએ.
ગુજરાતમાં અને સારાય ભારતમાં ચારિત્ર્ય ઘડતર કરવામાં અનેક સંતો અને સંપ્રદાયનો ફાળો છે. જેમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ફાળો પણ આ ભગીરથ કાર્યમાં આંખે આવીને વળગે તેવો છે. આ સંપ્રદાયે ગુજરાતને બે બે સદીથી ધર્મનાં ધાવણ પીવડાવ્યાં છે. અણમોલ મોતી જેવા માનવો આ ગુજરાતની ધરતીની ચરણે ધરી દેવાનું જે સંપ્રદાયનું કર્તવ્ય રહ્યું છે, માટીપગા માનવીના જીવનની ઈમારત નીતિમત્તા અને ચારિત્ર્યના સંગીન પાયા પર ઘડી દેવાનું જે સંપ્રદાય પાસે દૈવત રહ્યું છે એ સંપ્રદાયના ધર્મઘુરંધરો પાસે કેવી તાકાત હશે! કેવી હશે તેમની ખુમારી! કેવાં હશે તેમનાં કાર્યે કે જેને લઇને યુરોપ, આફ્રિકા કે અમેરિકાની આંગ્લ પ્રજા પણ જેમનાં દર્શન માટે, જેમની વાણી સાંભળવાં માટે હવાતિયાં મારતી હશે. એવા સ્વામિનારાયણ સંપ્રદાયના શિરમોર ધર્મઘુરંધર સંત શ્રી મુક્તજીવન સ્વામીબાપાના જીવનની વાંચીએ આજે ગાથા....
શ્રી મુક્તજીવન સ્વામીબાપાનું પ્રાગટ્ય ગુજરાતમાં પ્રસિઘ્ધ ચરોતર પ્રદેશમાં આવેલ વાત્રક નદીને કાંઠે આવેલા ખેડા ગામે માતા ઈચ્છાબા અને પિતા મૂળજીભાઇને ત્યાં સંવત ૧૯૬૩ના રોજ ભાદરવા વદ અમાવસ્યા તા. ૦૭-૧૦-૧૯૦૭ ને સોમવારના રોજ થયું હતું. બાળપણનું તેમનું નામ હતું પુરુષોત્તમ. ૨૩ વર્ષની વયે તેમણે સંસારના બંધનોને કાચા ધાગાની જેમ તોડી નાંખ્યા. સ્વામિનારાયણ સંપ્રદાયના નિડર સિદ્ધાંતવાદી અને વચનામૃતના આચાર્ય સદ્‌ગુરુ શ્રી ઈશ્વરચરણદાસજી સ્વામીએ કાર્તિક સુદ એકાદશી સંવત ૧૯૮૬ના રોજ મહા દીક્ષા આપી ‘‘મુક્તજીવનદાસજી’’ નામ પાડ્યું.
સમગ્ર ગુજરાતમાં તથા સવિશેષ પંચમહાલ જેવા પ્રદેશમાં તેઓ વ્હેમ, બાધા, આખડી, દોરા, ભુવા, અંધશ્રઘ્ધા, વ્યસન, દરિદ્રતા આદિથી જકડાયેલી પ્રજાને ભક્તિનું અમૃત પાન કરાવવા માટે ગામે-ગામ વિચરણ કરવા લાગ્યા અને સદાચાર, સદ્‌વર્તન, સદ્‌ભાવનાના, સંસ્કારનું સંિચન કરવા લાગ્યા.
જીવનપ્રાણ સ્વામીબાપાની યુવાન તપસ્વી મૂર્તિ, ધનુષ્યમાંથી તીર છૂટે તેવી ચાલ, ગાંડીવના ટંકાર જેવી અને અરિને ડરાવતી વાણી, અસુરોને બાળતી અને ભક્તોને રક્ષણ આપતી. અતિ તેજોમય પ્રકાશ જેવી દ્રષ્ટિ અને વિરાટ સ્વરૂપને તપસ્વી મૂર્તિમાં છૂપાવી કચ્છની ધરતી ઘુ્રજાવતા કચ્છ જિલ્લામાં આવેલા વૃષપુરમાં જીવનપ્રાણ બાપાશ્રીની છત્રીએ પધાર્યા અને ગાંડીવનો ટંકાર થયો. જીવનપ્રાણ સ્વામીબાપા દિવ્ય બળને સંિચન કરતી અમૃતમય વાણી પીરસવા લાગ્યા. અને છત્રી સ્થાનની અને સ્વામિનારાયણ સંપ્રદાયના અણમોલ ગ્રંથ વચનામૃત રહસ્યાર્થ પ્રદિપિકાટીકા અને જીવનપ્રાણ બાપાશ્રીના બે ભાગ વાતો રૂપી મહાગ્રંથોની રક્ષા કરી.
સમગ્ર ભારતના સાઘુ સંતો એક થાય અને સહુ ભેગા થઇને જનસમાજનું ઉત્થાન કરે તેવા અભિગમથી તેઓ સહુ સાઘુ - સંતો - સંન્યાસીઓને એક સભામંચ ઉપર એકત્ર કરીને જાગૃતિ લાવવાનું અભિયાન તેમણે ઉપાડ્યું. જેમાં સમગ્ર અખિલ ભારત સાઘુ સમાજના ઉપપ્રમુખ તરીકે અને ગુજરાત શાખાના પ્રમુખપદે રહીને તેમણે અવિરતપણે વર્ષો સુધી સેવાઓ અર્પી છે.
માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયનો તથા હિન્દુ ધર્મનો પ્રચારને પસાર કરવા માટે સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોમાંથી સૌ પ્રથમ વખત તેઓ વિદેશમાં યુરોપની ધરતી ઉપર એક - બે નહીં પરંતુ પોતાની સાથે ૩૧ સંતોની સાથે સૌ પ્રથમ વખત તેઓ પોતાની સાથે ૩૧-૩૧સંતોને સાથે લઇને લંડન પધાર્યા. અને દારૂ, માંસ, વ્યભિચાર આદિ દૂષણોથી ખરડાયેલી પ્રજાને જ્ઞાન-દાને મુક્તિ આપી છે. જેમ સ્વામી વિવેકાનંદજીએ અમેરિકાના શિકાગોમાં સૌપ્રથમ સભા સંબોધીને ભારતીય સંસ્કૃતિનો જયજયકાર કર્યો હતો. તેમ જીવનપ્રાણ સ્વામીબાપાએ લંડનના ટ્રફાલ્ગર સ્ક્વેર ઉપર ૧૭-૧૦-૧૯૭૦ના દિને અંગ્રેજીમાં પ્રવચન આપી સ્વામિનારાયણ સંપ્રદાયનો વિજય ઘ્વજ લહેરાવ્યો હતો. તેમણે સભામાં ઉપસ્થિત આંગ્લ પ્રજાને સંબોધતાં કહ્યું કે,
‘‘આપણે બધા ભગવાનના સંતાનો છીએ. અહીં પરદેશમાં અમે આ ભાઇચારાનો સંદેશો લઇને આવ્યા છીએ. વધારે પડતી ભૌતિકતા આપણા આત્માની ઉન્નતિને અવરોધે છે. અજ્ઞાનને કારણે પશ્ચિમી સંસ્કૃતિ એની અતિ ઉપલબ્ધતાથી પીડાય છે અને પૂર્વની સંસ્કૃતિ તેની અછતથી પીડાય છે. ભૌતિક સુખોની ગુલામીએ માનવ જાતના નૈતિક મૂલ્યોનું અવલમૂલ્યાંકન કર્યું છે.
નૈતિક અને માનવતાના મૂલ્યોના પુનઃ સ્થાપન માટે શ્રી સ્વામિનારાયણ ભગવાને સૌને પ્રેમ-ભક્તિનો સંદેશો આપ્યો છે. જે ભારત પૂરતો સિમિત નથી પણ સારાય વિશ્વ માટે છે. જુઓ, અહીં પણ એ આપણને કેવા સસ્મિત જોઇ રહ્યા છે અને આશીર્વાદ આપી રહ્યા છે. એ તમને એમનામાં ખેંચી લેવા આતુર છે. તમારી આંખો બંધ કરો અને તમારા અંતઃચક્ષુથી એમનું ઘ્યાન કરો. એમાં એક રસ જઇ જાઓ, રસબસ બનો. હવે એ તમારા થઇ ગયા છે અને તમો એમના થઇ ગયા છે.
દરરોજ આમ જ એમના સ્વરૂપનું મનન કરો પાંચ - દસ મિનિટ થી શરૂ કરી વઘુ ને વઘુ કરતાં જાવ. આ વચનને યાદ રાખી તે પ્રમાણે તમે કરશો તો તમો તમારામાં દિવ્યતા અનુભવશો. તમને ચારેબાજુ અદભૂત શાંતિનો અનુભવ થશે. આપ મેળે જ તમારા સર્વે સંકલ્પો સિઘ્ધ થશે અને તમો પૂર્ણકામ થશો. ભગવાનને ત્યાં કોઇ નાનું કે મોટું નથી. સૌ કોઇ તેમને પામી શકે છે. ભગવાન સર્વત્ર વ્યાપેલા છે એમની ઈચ્છા વિના તણખલું પણ હલી શકવાને શક્તિમાન થઇ શકતું નથી. એવા શ્રી સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ આપ સૌને કોઇની ઉપર ઉતરે અને તમો સૌ આલોક-પરલોકમાં સુખી થાવ.’’
શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ આ રીતે ઉદ્‌બોધન કર્યું ત્યારે આંગ્લ પ્રજાએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા. યુરોપના અખબારો પણ સ્વામીજીના પ્રવચનો અને ફોટાથી ભરાઇ ગયા. ત્યારબાદ બી.બી.સી. રેડીયો ઉપર તેમના પ્રવચનો રજુ થવા લાગ્યા. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જય જયકાર થઇ ગયો.
ગુરુવર્ય શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ માત્ર યુરોપ જ નહીં. પરંતુ આફ્રિકા, અમેરીકા, આરબ દેશોમાં પણ અબુધાબી, શારજહાં આદિ વિવિધ સ્થળોએ પણ વિચરણ કર્યું. તેઓ જ્યાં જ્યાં પધારે ત્યાં હંિદુ, મુસ્લિમ, શીખ, પારસી, ખ્રિસ્તી સૌ ધર્મના લોકો તેમના દિવ્ય પ્રતાપે ખેંચાઇ આવતા. આજે આ યુગપુરુષના આ ભગીરથ કાર્યને કારણે યુરોપ અમેરીકા આદી અનેક દેશોમાં સ્વામિનારાયણ સંપ્રદાયના અનેકાનેક શિખરબંધ મંદિરો ઉપર ધજાઓ ફરકે છે. અને ઘરોઘર સંસ્કૃતિના નાદ ગુંજે છે.
ઈ.સ. ૧૯૫૭માં પ્રેમીભક્તોએ શ્રી મુક્તજીવન સ્વામીબાપાની સુવર્ણતુલા અને ઈ.સ. ૧૯૬૭માં પ્લેટીનમ તુલા પણ કરી હતી. સ્વામીબાપાએ દાનમાં આવેલ દરેકે દરેક પાઇને સમાજસેવાના કાર્યમાં વાપરી દીધી અને શૈક્ષણિક સંસ્થાઓ અને હોસ્પીટલો તેમાંથી જનસમાજ માટે ઊભી કરી અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં સમાજસેવા કરવાની પહેલ પાડી છે. તથા રેલ ધરતીકંપ, દુકાળ જેવી કુદરતી આફતોના સમયે તે હંમેશાં લોકોની મદદે સૌ પ્રથમ દોડી જતા.
આમ, જીવનપ્રાણ સ્વામીબાપાએ પોતાના જીવનકાળ દરમ્યાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં વિવિધ પ્રવૃત્તિઓના માર્ગો પર નવી ક્રાંતિ આણીને મુખ્ય ધોરી માર્ગ બાંધી આપ્યો છે. જેથી આજે અનેક સંતો મહાત્માઓ તેમના માર્ગે ચાલીને જન સમાજનાં કાર્યો કરી પ્રજાને ઉર્ઘ્વમાર્ગે દોરે છે.
આવા, વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનો જય જયકાર કરનાર સ્વામી વિવેકાનંદ અને શ્રી મુક્તજીવન સ્વામીબાપા એ બે યુગપુરુષોને આપણે આ અવસરે યાદ કરીએ અને તેમના જીવનમાંથી તેમણે આપેલ સંદેશા પ્રમાણે આપણું જીવન ઉર્ઘ્વગામી બનાવીએ.
- સાઘુ પ્રેમવત્સલદાસજી કુમકુમ


-Gujarat Samachar