
‘દીકરી તો પારકી થાપણ કહેવાય’ એ કહેવત અનુસાર પ્રત્યેક માતા-પિતા દીકરીને પરણાવીને વસમી વિદાય આપતા જ હોય છે. માતા-પિતાને માટે આ સુખદ અને દુઃખદ ક્ષણ હોય છે. સુખદ એટલે પુત્રીને સુરક્ષિત હાથોમાં, વ્હાલભર્યા કુટુંબમાં આપ્યાનો આનંદ હોય છે. તે સાથે જ પોતાના જીગરનો ટુકડો હવે નજરથી દૂર થઈ જશે. હવે તેની કિલકારીઓ ઘરમાં નહીં ગુંજે તે વિચારીને તેઓ દુઃખી થઈ જાય છે.
સામાન્ય રીતે બાપ-દીકરી અને મા-દીકરાની વચ્ચે સુમેળ હોય છે. કેટલાક અપવાદ બાદ કરતા આ પ્રમાણેનો મનમેળ બધા જ ઘરમાં જોવા મળતો હોય છે. નાનપણથી દીકરી પિતાની બધી જ જવાબદારીઓ અને આદતને પૂરી કરવાની શરૂઆત કરે છે. માતાની ગેરહાજરીમાં તે પિતાનું સંપૂર્ણ ઘ્યાન રાખે છે. પિતા ઓફિસેથી આવે એટલે તેને પાણી આપે, ચા-નાસ્તાની વ્યવસ્થા કરે તથા એવું મીઠું હસે કે પપ્પાનો અડધો થાક ઉતરી જાય છે.
દીકરી સમજદાર અને ટીનએજર બનતા ઘરની થોડી જવાબદારીઓ તેના પર નાખવામાં આવે છે અને એટલે જ માતા થોડી રીલેક્સ થઈ જાય છે. ‘‘દીકરીની મા નાનપણમાં રાણી અને ઘડપણમાં ભરે પાણી’’ કારણ કે દીકરી મોટી થતાં તે ઘર સંભાળી લે છે. એટલે ઘરની જવાબદારી ઘટી જાય છે. પણ જ્યારે આ દીકરી પારકે ઘરે જાય છે ત્યારે તેના માથે બઘું જ કામ આવી જાય છે.
દીકરીના લગ્ન પછી વિદાય વેળાએ મા કરતા પણ બાપ વધારે દુઃખી હોય છે. મા તો જાહેરમાં હૈયાફાટ રુદન કરીને પોતાનું દુઃખ અને લાગણી વ્યક્ત કરી શકે છે. પરંતુ પિતા તો આંખમા ઝળહળિયા લાવીને અટકી જાય છે. અથવા તો એક ખૂણે જઈને ડુસકુ ભરી લે છે. કારણ કે આપણા સમાજમાં તો પુરુષને ઘુ્રસકા ભરીને રડવાનો હક નથી. એટલે જ બાપના હૃદયની પીડા વિદાય લેતી દીકરી જ સમજી શકે છે. અને તેનાથી તે બાપને વળગી રડતી જ રહે છે.
પુત્રી અને પિતા વચ્ચે સ્નેહનો એવો અતૂટ સંબંધ હોય છે કે તેની લિપિ કદાચ માતા પણ ઉકેલી શકતી નથી. પિતા માટે પુત્રી એટલે વ્હાલનો દરિયો હોય છે. તેની કાલી-કાલી ભાષામાં તેને સ્વર્ગનો આનંદ મળે છે. હંમેશાં પુત્રીના લાડને પૂરા કરવા પિતા તત્પર હોય છે. દીકરીની પ્રત્યેક ઇચ્છાને પૂરી કરવા તત્પર બાપને ખબર હોય છે કે એક દિવસ આ ચકલી ફરર... કરતી ઊડી જવાની છે. છતાં તેના વ્યક્તિત્વ ઘડતર અને શૈક્ષણિક આગેકૂચમાં તે સદૈવ ઉત્સુક હોય છે. તે જ પ્રમાણે પુત્રી માટે પણ પિતા સર્વસ્વ હોય છે. તે પોતાના મનની વાત પિતાને કરતી હોય છે. દીકરીએ બાપ પાસે પોતાનો આગવો અધિકાર પુરવાર કર્યો હોય છે. જે પુરુષને નાદાન પત્ની મળી હોય છે એને તો સમજુ દીકરી જ આશ્વાસન બનીને જીવાડતી હોય છે. આવી સમજુ, પ્રેમાળ દીકરી જ્યારે લગ્ન વખતે વિદાય લેતી હોય છે. તે ક્ષણે બાપના ખભે માથું મૂકીને રડે છે... તેને આશીર્વાદ આપવા માટે લંબાવેલો બાપનો હાથ હકીકતમાં તો પોતે નોંધારો થઈને આશ્વાસનની ભીખ માગતો હોય છે... અને આ વાત માત્ર બાપ-દીકરી જ સમજતા હોય છે. શરણાઈ-ઢોલના સ્વરોમાં આ અવ્યક્ત લાગણી દબાઈ જાય છે.
મા-દીકરા વચ્ચે સારો મેળ હોય છે. પરંતુ લગ્ન બાદ દીકરો માતાની ઉપેક્ષા ન કરે તો પણ માતા સાથેના સંબંધનું અંતર વધી જ જાય છે. કારણ કે અત્યાર સુધી દીકરાની તમામ જરૂરિયાત સંતોષતી માતાનું સ્થાન પત્ની લઈ લે છે. તેમાં કાંઈ ખોટું નથી. છતાં માતાને તે સ્વીકારતા ખૂબ તકલીફ થાય છે. પણ જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે બાપ સાથેના સંબંધમાં અંતર વધતું નથી.
આમેય દરેક કુટુંબમાં સમર્પણ કરીને દીકરી ધન્યતા અનુભવતી હોય છે. લગ્ન બાદ પણ તેના હૃદયમાં પિયરનો પ્રેમ ધબકતો હોય છે. અને દૂર દૂર રહ્યો પણ તે પ્રત્યેક પળે નિકટતા અનુભવે છે. સાસરેથી દીકરીને ફોન કે પત્ર લખે તો પિતાને બે-ત્રણ શિખામણ તો આપશે જ. જેમ કે, ગુસ્સો કરશો નહીં... તબિયત સાચવજો... બહુ દોડાદોડી કરીને કામ કરતા નહીં... મમ્મીને સાચવજો... વગેરે વગેરે...
પરિવારને એકસૂત્રમાં બાંધી રાખતી કડી દીકરી છે. અને આ દીકરી જ્યારે પારકી બની જાય છે ત્યારે હૃદય વલોવાઈ જાય છે. વીસ-વીસ વર્ષના સ્નેહ સંચયને એક ઝાટકે ભૂલાવી દેવાતો નથી અને તેથી દીકરીની વિદાય વેળાએ બાપના હૃદયની વ્યથા ફક્ત દીકરી જ સમજે છે.
-ઈશિતા